શહેરમાં 2017માં હલકી ગુણવત્તાના રોડ બાબતે થયેલા કૌભાંડમાં જવાબદાર અધિકારીઓને હળવી સજા કરવાના મ્યુનિ. કમિશનરના નિર્ણય સામે મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાને કમિશનર ઓફિસનો ઘેરાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 400 કરોડના રોડ તૂટ્યા હતા તેવા ગંભીર કિસ્સામાં અધિકારીઓને સસ્પેન્ડ કરવાને બદલે કમિશનર દ્વારા સામાન્ય સજા કરીને મુક્ત કરવામાં આવ્યા છે. જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા કમિશનરનું મહોરું પહેરેલા એક કાર્યકરને વચ્ચે રાખીને જાણે કમિશનરને પકડીને તેની સામે આક્રમક રીતે રજૂઆત કરતાં હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. તેમજ તંત્રને જગાડવા ચારે તરફ ઘૂઘરા વગાડ્યા હતા.
શહેરમાં 2017માં રસ્તાઓ તૂટવા સમયે મ્યુનિ. કમિશનર દ્વારા તાજેતરમાં 23 અધિકારીઓને સજા કરવામાં આવી હતી. જેમાં ડામરચોરીનું કૌભાંડ પણ પકડાયું હતું. તો બીટુમીનના ભાવ વધારાના નામે હલ્કી ગુણવત્તાનું બીટુમીન વાપરવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. કોન્ટ્રાક્ટરો દ્વારા આઇઓસીના 39 ડુપ્લિકેટ બિલ મળી આવ્યા હતા. તે સમયે અધિકારીઓને રજા પર ઉતારી દેવાયા હતા. જોકે બાદમાં હાલ આ તપાસ અભરાઇએ ચઢાવી દેવાઇ હતી. અધિકારીઓની સીધી સંડોવણીના પુરાવા હોવા છતાં તેમને કડક સજા કરવામાં આવી નથી.
કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિ. કમિશનરને ચીમકી આપવામાં આવી હતીકે, જો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવે તથા ભવિષ્યમાં આવા કોઇ અધિકારીઓ ભ્રષ્ટ્રાચારનો વિચાર પણ ન કરી શકે તેવો દાખલો બેસે તેવી સજા કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.