વિપક્ષનું વિરોધ પ્રદર્શન:‘મહિલાઓ કે સન્માન મેં કોંગ્રેસ મેદાન મે’ના નારા સાથે ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવાની વિપક્ષ કોંગ્રેસની માગ

અમદાવાદ16 દિવસ પહેલા

અમદાવાદના નરોડા વોર્ડના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તણૂક મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ દ્વારા સમગ્ર મામલે તેઓની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કોર્પોરેટર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવાની માગ મેયર સમક્ષ કરી હતી. વિપક્ષના નેતાની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ આજે AMCની દાણાપીઠ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ કે સન્માન કોંગ્રેસ મેદાન મે, હાય રે મેયર હાય હાય, કોર્પોરેટર વિપુલ પટેલને સસ્પેન્ડ કરો તેવા નારા બોલાવી વિરોધ કર્યો હતો.

કોર્પોરેટરને બચાવવા પ્રયાસ થતા હોવાનો આક્ષેપ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા કોર્પોરેટર વિપુલ પટેલને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા હાય રે મેયર હાય હાય, કોર્પોરેટર વિપુલ પટેલને સસ્પેન્ડ કરો, મહિલાઓ કે સન્માનને કોંગ્રેસ મેદાન મેં જેવા નારા લગાવવામાં આવ્યા હતા..

મેયરને દાખલો બેસાડવા રજૂઆત
વિપક્ષના નેતા દ્વારા મેયરને રજૂઆત કરાઈ હતી કે, રાજકીય દબાણને વશ થયાં વગર નિષ્પક્ષ અને નીડર રહી એક સક્ષમ દાખલો બેસાડવો જોઇએ. ભવિષ્યમાં આવી કોઇ ધટના બનવા ના પામે તે માટે કસુરવાર એવા નરોડા વોર્ડના કોર્પોરેટર વિપુલભાઇ પટેલ ઉર્ફે સોમાભાઇને તાત્કાલિક અસરથી કોર્પોરેટર પદેથી તાકીદે સસ્પેન્ડ કરવાની માંગણી કરાઈ હતી.

ભાજપ દ્વારા વિપુલ પટેલને નોટીસ અપાઈ છે
નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા સાથે ગેરવર્તણૂક મામલે શહેર ભાજપ પ્રમુખ અને પ્રભારી સહિતના નેતાઓની બેઠક મળી હતી. જેમાં વિપુલ પટેલ અને મહિલા મેડિકલ ઓફિસર વગેરેને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિપુલ પટેલને નોટીસ આપી અને તેની પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...