મેન્સ ડેના મેગાપોલનું તારણ:22 હજાર પુરુષોએ જણાવ્યો અભિપ્રાય; 68 ટકા પુરુષો એકાંતમાં રડી લે છે, 52 ટકા પુરુષો ખાનગી વાત મનમાં જ રાખે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ મેન્સ ડે નિમિત્તે દિવ્ય ભાસ્કર દ્વારા મેગાપોલ કરવામાં આવ્યો હતો. મેગાપોલના 28 કલાક દરમિયાન 22 હજાર જેટલા પુરુષોએ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. આ મેગાપોલમાં પૂછવામાં આવેલા ચાર સવાલનાં મંતવ્યોનું તારણ એ નીકળે છે કે 68 ટકા પુરુષો એકાંતમાં રડી લે છે, જ્યારે માત્ર 8 ટકા જ પુરુષો જાહેરમાં પોતાનાં આંસુ રોકી શકતા નથી. 7 ટકા પુરુષો કઠણ હૃદયના નીકળ્યા. તેમનું કહેવું છે કે તેમને જાહેરમાં રડવું નથી આવતું.

એવું કહેવાય છે કે સ્ત્રીઓના પેટમાં વાત ટકે નહીં, એ અહીં થોડા અંશે સાચી એટલા માટે લાગે છે કે 52 ટકા પુરુષો એવું કહે છે કે તે પોતાના જીવનની ખાનગી વાત કોઈને કહેતા નથી, મનમાં જ રાખે છે. આંચકારૂપ વાત એ છે કે 29 ટકા પુરુષો પોતાના મિત્ર સાથે ખાનગી વાત શેર કરે છે, જ્યારે 28 ટકા પુરુષો ઘરમાં કે પત્નીને ખાનગી વાતો કરી દે છે.

અત્યારે સૌથી કઠિન છે સમય કાઢવો. ખાસ કરીને જ્યારે પતિ-પત્નીની વાત આવે ત્યારે મોટા ભાગે ઝઘડાનું કારણ સમય જ હોય છે. પત્ની કહે છે, હું નવરી નથી પડતી. મારી પાસે ટાઈમ નથી. બાળકોને સાચવવાં, ઘર સંભાળું કે શું કરું? મને મારા માટે સમય નથી મળતો. તમે ઘરમાં ધ્યાન આપતા જાઓ. આની સામે પુરુષ પણ દલીલ કરે છે કે હું પણ આખો દિવસ ઓફિસમાં કામ કરવા જાઉં છું, ફરવા નથી જતો. મારી પાસે પણ સમય નથી હોતો. પુરુષ આ બધા વચ્ચે પોતાના માટે સમય કાઢી લે છે? 41 ટકા પુરુષોએ કહ્યું, સમય કાઢી લઉં છું, જ્યારે 47 ટકા પુરુષોનું કહેવું છે કે સમય કાઢવાનું મન થાય છે, પણ મેળ પડતો નથી.

ઘણીવાર પુરુષો બારોબાર પોતાના શોખ પૂરા કરવા કોઈ ને કોઈ આયોજન કરી લેતા હોય છે અને ઘરમાં કોઈ વાંધો ના ઉઠાવે એટલે ખોટું બોલતા હોય છે. ખોટું બોલીને પોતે પોતાનું કામ કરી લે છે? આવા સવાલના જવાબમાં 39 ટકા પુરુષોએ એવું કહ્યું કે હા, ઘરમાં કહ્યા વગર કે ખોટું બોલીને બરોબર પોતાનું કામ કરી લીધું છે. જ્યારે 34 ટકા એવું કહે છે કે ક્યારેક એવું કરી લીધું છે. ઘરમાં ખોટું બોલીને પોતાને ગમતું કામ કરતા નથી, એવું કહેનારની સંખ્યા ઓછી હશે, પણ 27 ટકાએ આ વાત સ્વીકારી છે કે પોતે ઘરમાં ખોટું બોલીને પોતાને ગમતું કામ કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...