મેટ્રો ટ્રેન - પૂર્વ અમદાવાદની લાઇફલાઇન:40 કિમી લાંબી ટ્રેકની કામગીરી પૂરજોશમાં; મેટ્રો ટ્રેન શરૂ થતાં વસ્ત્રાલની શિકલ બદલાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેટ્રો ટ્રેનને કારણે વસ્ત્રાલ, રિંગરોડની આસપાસના લોકોનું ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે
  • મોટી સંખ્યામાં રહેણાક વિસ્તારો વસ્ત્રાલ, નિકોલ અને તેની આસપાસ બની રહ્યા છે
  • મેટ્રોના ફેઝ-1ની કામગીરી ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થશે

શહેરના ઝડપી વિકાસની સાથે પૂર્વ અમદાવાદ હવે પશ્ચિમ અમદાવાદ સાથે કદમથી કદમ મિલાવી આગળ વધી રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં મોટી હોસ્પિટલોની સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડની તમામ પ્રોડક્ટ મળી રહી છે. ત્યારે પૂર્વના નિકોલ અને વસ્ત્રાલ વિસ્તારનો સૌથી વધુ વિકાસ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં શહેરની પહેલી મેટ્રો ટ્રેનનું સંચાલન પણ વસ્ત્રાલ વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

મેટ્રો ટનલ જમીનની 18 મીટર નીચે બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી માટે ટનલમાં 250 મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જોડવામાં આવી છે.
મેટ્રો ટનલ જમીનની 18 મીટર નીચે બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી માટે ટનલમાં 250 મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જોડવામાં આવી છે.

હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ફેઝ-1માં વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરની સાથે એપીએમસી વાસણાથી મોટેરા સુધીના 40 કિલોમીટર લાંબી ટ્રેકની કામગીરી ચાલી રહી છે. એ જ રીતે ફેઝ-2માં મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં આ મેટ્રો પૂર્વ વિસ્તારની લાઇફલાઇન બનશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રોના ફેઝ-1ની કામગીરી ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ કરી દેવાશે. જ્યારે ફેઝ-2ની કામગીરી પણ 2024 સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે.

શહેરના વિકાસની સાથે મોટી સંખ્યામાં રહેણાક વિસ્તારો વસ્ત્રાલ નિકોલ અને તેની આસપાસ બની રહ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં શહેરની ગીચ વસતીમાંથી લોકો બહાર નીકળી ટુ બીએચકે, થ્રી બીએચકે તેમ જ ફોર બીએચકે ફ્લેટોની સાથે બંગલાની ખરીદી કરી રહ્યા છે. લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકે તે માટે જરૂરી પાર્કિંગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

સરળ કનેક્ટિવિટીઃ મેટ્રો ટ્રેનથી કયા કયા વિસ્તારમાં પહોંચી શકાશે
પૂર્વ વિસ્તારના લોકો વસ્ત્રાલ સહિત અન્ય સ્ટેશનેથી બેસી ગણતરીની મિનિટોમાં કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા કોર્ટ, આશ્રમ રોડ, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, એસજી હાઈવે, થલતેજ, પાલડી, વાસણા, વાડજ, સુભાષબ્રિજ, સાબરમતી તેમ જ મોટેરા સુધી સરળતાથી પહોંચી શકાશે. એ જ રીતે ફેઝ-2નું કામ પૂર્ણ થતા મેટ્રોની મદદથી એરપોર્ટ, પીડીપીયુ, ઇન્ફોસિટી, સચિવાલય, મહાત્મા મંદિર તેમ જ ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી તેમ જ તેની આસપાસના વિસ્તારમાં લોકો સરળતાથી પહોંચી શકે તેવી સુવિધા મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...