સાહેબ ઈમાનદારી આગળ કરોડોની રૂપિયા કે દોલત પણ કંઈ નથી, બહુ નાના ગામમાંથી આવું છું, પિતાએ કઈ માગ્યું નથી અને ઈમાનદારી સાથે જીવતા શિખવાડ્યું છે...આ શબ્દો છે એ યુવક હરવિંદરના, જેની પ્રામાણિકતાને લઈને ચર્ચામાં છે. વાત એમ છે કે હરવિંદરને અમદાવાદ એરપોર્ટના ટોઈલેટના ફ્લશ ટેન્કમાંથી 45 લાખ રૂપિયાનું સોનું મળ્યું. મહિને માત્ર રુ. 25 હજારની નોકરી કરતા હરવિંદરે ઓ સોનું રાખી લેવાની લાલચ વિના જ સરકારી તિજોરીમાં આપી દીધું.
કોણ છે સુપરવાઈઝરની નોકરી કરતો 26 વર્ષનો યુવાન?
26 વર્ષના હરવિંદર નરુકા મૂળ રાજસ્થાનના અલવરનો રહેવાસી છે. ગત 1 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટ પર હાઉસકીપિંગ સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તેના પરિવારમાં તેની માતા-પિતા, દાદી અને બહેન છે, જેઓ અલવરમાં રહે છે. તેના પિતા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. Bsc સુધી અભ્યાસ બાદ હરવિંદરે જયપુર નોકરી કરી અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ પર નોકરી મળતાં એક મહિનાથી અમદાવાદ એરપોર્ટ પર છે.
એરપોર્ટ પર પેસેન્જર સંબંધિત સમસ્યા પર કામ કરે છે
હરવિંદર નરુકા અમદાવાદ એરપોર્ટ પર સાફસફાઈ, ટ્રોલી મેઇન્ટેન્સ, પેસેન્જર સંબંધિત સમસ્યાના હલ માટે સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તેની નીચે 50 માણસનો સ્ટાફ કામ કરે છે. નિયત શેડ્યૂલ મુજબ, રાત્રે સાફસફાઈ થઈ છે કે નહીં એ જોવા માટે હરવિંદર એરપોર્ટના ટોઈલેટમાં ગયો. ઈન્ડિયન ટોઈલેટનો ફ્લશ બરાબર કામ કરતો ન હોવાથી તેણે ફ્લશ ટેન્ક ખોલીને ચેક કર્યું તો અંદર કાળી પોટલી હતી. હરવિંદરે આ પોટલીની અંદર જોયું તો સોનાના બે વજનદાર કડા હતા. આ બાબતની તેણે કસ્ટમ અધિકારીને જાણ કરીને બોલાવ્યા. કસ્ટમ અધિકારીઓએ આવીને સોનાના કડા કબજામાં લીધા અને વેલ્યુએશન કર્યું તો રૂ. 45 લાખની કિંમત નીકળી. 25 હજારના પગારમાં કામ કરતા આ સુપરવાઈઝરે પ્રામાણિકતા દાખવીને એકઝાટકે 45 લાખનું સોનુ પરત કરી દીધું હતું.
દિવ્ય ભાસ્કરે હરવિંદર નરુકા સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે સમગ્ર ઘટના અંગે અને શા માટે 45 લાખનું સોનું પરત કર્યું એ વિશે વાત કરી.
હરવિંદર અમદાવાદમાં ભાડાના મકાનમાં રહે છે
હરવિંદરે કહ્યું કે તેને 10 અને 12 ધોરણ કેન્દ્રીય વિદ્યાલય અલવરથી પાસ કર્યું છે અને ગ્રેજ્યુએશન સનરાઈઝ યુનિવર્સિટી રાજસ્થાનમાંથી કર્યું છે. અલવરમાં બહેન, મમ્મી, પપ્પા અને દાદી રહે છે. પહેલાં હું કન્સ્ટ્રક્શન સાઇટ પર જયપુરમાં કામ કરતો હતો અને ત્યાર બાદ એક રિલેટિવના રેફરન્સથી અમદાવાદ એરપોર્ટ પર સુપરવાઈઝર તરીકે 1 મહિનાથી જોબ કરું છું. સરદારનગરમાં ભાડે મકાન રાખીને રહું છું.
બ્લેક કલરની થેલીઓમાં હતું સોનું
સમગ્ર ઘટના અંગે વાતચીત કરતાં હરવિંદર નરુકાએ જણાવ્યું હતું કે મારે ટોઇલેટ ક્લીન છે કે નહીં, પેસેન્જરને કોઈ તકલીફ નથી પડતી વગેરે બાબતનું રેન્ડમ ચેકિંગ કરવાનું હોય છે, જેથી હું રેન્ડમ ચેકિંગ માટે ગયો હતો. 29 ડિસેમ્બર 2022ના દિવસે રાત્રે 8:00 વાગે મારા નિયત કામ મુજબ રેન્ડમ ચેકિંગ લિસ્ટ કરી રહ્યો હતો. દરમિયાન ટોઇલેટ અને ફ્લેશ ટેંકમાં પાણી છે કે નહીં એ ચેક કરી રહ્યો હતો. ત્યારે એક ટોઇલેટમાં ફ્લેશ ટેન્ક ખુલ્લી હતી, જેથી મેં અંદર જોતાં બ્લેક કલરની થેલીઓ દેખાઇ. એ ખોલીને જોયું હતું કે આ કચરો છે કે શું છે, જ્યારે આ બંને થેલી ખોલી ત્યારે એમાં બે બંગડી આકારના સોનાના કડા હતા, જે મેં પરત એ ફ્લેશ ટેન્કમાં મૂકી દીધા હતા. ત્યાર બાદ તરત જ કસ્ટમ ઓફિસરને બોલાવ્યા હતા. સમગ્ર બાબતની જાણ કરી આ સોનું તેમને હેન્ડ ઓવર કર્યું હતું.
નાની જગ્યાએથી આવું છું, પિતાએ ઈમાનદારી જ શીખવી
જ્યારે હરવિંદરને અમે પૂછ્યું કે તમને વિચાર આવ્યો હતો કે સોનું તમે જોડે રાખી લો ? જેનો જવાબ આપતાં હરવિંદર નરુકાએ દબાતા અવાજ સાથે સુકાતા ગળે કહ્યું, મને આ સોનાના કડા દેખાયા ત્યારે હું એને મારી જોડે રાખવી દઉં એવો વિચાર મને નથી આવ્યો. મારી એક્શન એ હતી કે હું તરત જ કસ્ટમ ઓફિસરને જાણ કરીને આ સોનું તેમને આપી દઉં. હું બહુ નાની જગ્યાએથી આવું છું. મારા પિતાએ કંઈ માગ્યું નથી. સરકારી નોકરી માટે કે બીજું કંઈ મને ભણવા માટે પણ પ્રેશર કર્યું નથી. મને ઈમાનદારી જ શીખવાડી છે, જે મારા દિમાગમાં આજે પણ હતી. મને નાનપણથી ઇમાનદારીના પાઠ મારા પિતાએ શિખવાડ્યા છે.
કરોડો રૂપિયા ઈમાનદારી આગળ કંઈ નથીઃ હરવિંદર
સાહેબ મને જાણવા મળ્યું કે આ 45 લાખની કિંમતનું સોનું છે. CEO સરે મને સ્પેશિયલ બોલાવીને અવોર્ડ આપ્યો હતો. એટલું પ્રોત્સાહન મળ્યું, જે મેં વિચાર્યું પણ નહોતું. અમને પ્રોટોકોલમાં શિખવાડવામાં આવે છે કે આવી વસ્તુ મળે તો CISF કે કસ્ટમમાં હેન્ડ ઓવર કરવું. મારા આ કાર્ય બદલ આટલી ઈજ્જત મળશે એવું નહોતું વિચાર્યું. કરોડોની દોલત ઈમાનદારી આગળ કંઈ નથી.
મારી કાબેલિયત પ્રમાણે મને સફળતા મળે
તેણે છેલ્લે કહ્યું હતું કે મારી કાબેલિયત પ્રમાણે જે સારામાં સારી પોસ્ટ હોય ત્યાં જવા માગું છું. અહીં મને 25 હજાર પગાર મળે છે. મેં BSC કર્યું છે, પણ એરપોર્ટ ઓપરેશન બાબતે થોડો રસ હતો માટે અહીં આવ્યો. ફેમિલી પણ મને પૈસાની જરૂર હોય ત્યારે મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.