સિવિલ સેવા ફરી શરૂ:1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓનો પુન:આરંભ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક મહિનાથી 1200 બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી દાખલ થયેલ નથી
  • કોરોનાકાળમાં એક લાખથી વધુ દર્દીઓએ 1200 બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો: સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી
  • સિવિલ હોસ્પિટલ કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યારસુધીમા 40375 ડોઝ આપવામાં આવ્યાં

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી 1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓનો પુન:આરંભ કરવામાં આવ્યો છે.લાંબા સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ 1200 બેડ હોસ્પિટલમાં આજથી જ આરોગ્યલક્ષી સેવાઓ પૂર્વવત કરાઇ છે. સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ વિગતો આપતા જણાવ્યું હતુ કે, કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતા તત્કાલિન પરિસ્થિતિને ધ્યાને લઇને સરકાર દ્વારા 1200 બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી.અત્યારસુધીમાં કોરોના ડેઝીગ્નેટેડ આ હોસ્પિટલમાં એક લાખથી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવ્યો છે.

કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલની સેવાઓ પૂર્વવત કરીને બાળરોગ અને મહિલા લગતી બિમારીઓમાં અલાયદી સેવાઓનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાથી 1200 બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી નવા દાખલ થયેલ નથી.હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂર પડ્યે 200 બેડની અલાયદી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સંભવિત ત્રીજી લહેરના તમામ પડકારો ઝીલવા માટે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું સિવિલ સુપ્રીટેન્ડેન્ટે ઉમેર્યુ હતુ.

આજથી 1200 બેડ હોસ્પિટલમાં શરૂ થયેલ ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓમાં ગાયનેક વિભાગમાં 130 દર્દીઓ અને બાળરોગ વિભાગમાં 120 દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવ્યો હતો.બાળરોગ અને ગાયનેક વિભાગની સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત થઇ છે. આવનારા સમયમાં બાળરોગ સર્જરી અને યુરોલોજી જેવી સુપરસ્પેશાલિટી સેવાઓ ટૂંકસમયમાં જ તબક્કાવાર કાર્યરત કરાવવામાં આવશે તેમ ડૉ.જોષીએ જણાવ્યું હતુ.

ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન મેગાડ્રાઇવનું આયોજન થયુ હતું. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલમાં પણ રાત્રે 12 વાગ્યા સુધી કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 281 દર્દીઓએ કોરોના સામે સલામતી આપતી રસી મૂકાવીને સલામતીનો સંદેશો પાઠવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, 16મી જાન્યુઆરી 2021થી સમગ્ર દેશમાં શરૂ થયેલ કોરોના રસીકરણ અભિયાન હેઠળ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યારસુધીમાં 40375 લોકોને કોરોના સામે સલામતી આપતી રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી કોવિશિલ્ડના 39251 તથા કોવેક્સિનના 1124 ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...