આબુથી અમરેલી સુધી ફેલાયેલું છે સોલિડ નેટવર્ક:ગુજરાતમાં માત્ર બે લિકર-માફિયા વર્ષે 1 હજાર કરોડનો દારૂ ઘુસાડે છે, GPS લગાવેલી ટ્રકમાં રાજ્યના ખૂણે-ખૂણે કરે છે સપ્લાય

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

રાજ્યમાં છેલ્લા 13 વર્ષમાં બીજા નંબરનો સૌથી મોટો બરવાળામાં લઠ્ઠાકાંડ થયો છે. જેમાં 57 લોકોએ જીવ ગુમાવ્યા છે. દારુનો ધંધો એટલો વ્યાપક અને નેટવર્ક એટલું સોલિડ છે કે કોર્પોરેટ હાઉસ પણ તેમની સામે ટૂંકા પડે. જ્યારે બુટલેગરની કમાણી સામે નાના ઉદ્યોગપતિઓ-કંપનીઓનો પનો ટૂંકો પડે એવો છે. ગુજરાતમાં દારૂનું નેટવર્ક સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં થયો છે.

ગુજરાતમાં કુખ્યાત નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ નેટવર્ક કેવી રીતે ફેલાયેલું છે તેની એક એક કડી નાગદાન ગઢવીના ફોનમાંથી મળેલી 29 ઓડિયો ક્લિપમાં સમાયેલી છે. આ ઓડિક્લિપ FSLમાં મોકલવામાં આવી છે. દિવ્યભાસ્કરની આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાત દારુના નેટવર્ક અને કમાણી અંગેની આખી માયાજાળની.

વર્ષે 18 લાખ પેટી અને 1000 કરોડનો ધંધો
ગુજરાતમાં દેશી દારૂના કારોબાર માટે મહેમદાવાદ બદનામ છે. પરંતુ આ બધા સાથે ગુજરાતીઓ જે અંગ્રેજી દારુ બુટલેગર પાસેથી ખરીદે છે, તેનો રોજનો 3 કરોડ અથવા 5000 પેટીથી વધુનો કાળો કારોબાર થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પાસેથી મળતી માહિતી પ્રમાણે નાગદાન અને વિનોદ સિંધીએ આખા ગુજરાતમાં ખૂણે ખૂણે ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યા છે. જેઓ રોજ 3 કરોડનો દારૂ ગુજરાતમાં લાવે છે. જેનો વાર્ષિક આંકડો 1000 કરોડે પહોંચે છે.

નાગદાનના ફોનમાંથી બહાર આવ્યું આખું નેટવર્ક
સ્ટેટ મોનિટરિંગ સેલે નાગદાન પ્રભુદાન ટાપરીયા(ગઢવી)ને 25 દિવસ પહેલા જ હરિયાણાથી ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેમના ફોનમાંથી 29 ઓડિયો ક્લિપ મળી છે. બુટલેગર વિનોદ સિંધી વોન્ટેડ છે. પરંતુ તેના દારૂના કારોબારની ઝીણામાં ઝીણી વિગત પોલીસને મળી છે.

અન્ય સમાચારો પણ છે...