આદેશ:શેત્રુંજયની ટોચથી તળેટી સુધી માત્ર જૈનોનો અધિકાર, દબાણો સરકાર દૂર કરે : હાઇકોર્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
પાલિતાણાના શેત્રુંજય ડુંગરની ફાઇલ તસવીર.
  • બ્રાહ્મણ જ મહાદેવ મંદિરના પૂજારી બની શકે એ દલીલને હાઇકોર્ટે ફગાવી
  • ટ્રસ્ટની ઉપરવટ જઈને મંદિરના પૂજારીની નિમણૂક નહીં કરી શકાય
  • બાંધકામ પહેલાં ટ્રસ્ટની મંજૂરી લેવી પડશે
  • શેત્રુંજય પર રાત્રિ રોકાણ નહીં કરી શકાય

જૈન તીર્થધામ પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની પસંદગી શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દ્વારા જ નક્કી કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. બ્રાહ્મણો જ મહાદેવ મંદિરના પૂજારી બની શકે એ દલીલને જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ ઉમેશ કોઠારીની ખંડપીઠે ફગાવી દીધી છે. સરકારને આદેશ કર્યો છે કે તળેટીથી લઇને ડુંગર ઉપર કોઇ ગેરકાયદે દબાણ ન થાય, એ જવાબદારી સરકારની છે. દબાણો થયાં હોય તો એને દૂર કરવામાં આવે.

વિશ્વ હિંદુ પરિષદે શેત્રુંજય ડુંગર પરના નીલકંઠ મંદિરના પૂજારીને લઇને હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવતાં અવલોક કર્યું છે કે મહાદેવ મંદિરમાં પૂજારી કે અન્ય વ્યકિત રાત્રિ રોકાણ કરી શકશે નહી. શેત્રુંજય ડુંગર પર જૈનોનું અતિપવિત્ર યાત્રાધામ આવેલું છે, એને સ્વચ્છ અને સુઘડ રાખવાનું કાર્ય જૈન ટ્રસ્ટો દ્વારા કરવામાં આવે છે.

મંદિર બનાવતાં પહેલાં જૈન ટ્રસ્ટની મંજૂરી લેવી પડશે
તળેટીથી લઇને ડુંગર સુધી કોઇપણ પ્રકારનું દબાણ કે મંદિર બનાવી શકાશે નહીં. જૈનોની યાત્રાના રસ્તે કોઇપણ પ્રકારનું બાંધકામ કરતાં પહેલાં આણંદજી કલ્યાણજી ટ્રસ્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે. હાલ થયેલાં દબાણો અંગે જૈન ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવે તો એ સરકારે તરત હટાવવાનાં રહેશે.

મહાદેવ મંદિરના પૂજારી અંગે જૈન ટ્રસ્ટની મંજૂરી લેવી
ખંડપીઠે એવી ટકોર કરી હતી કે મહાદેવ મંદિરમાં બ્રાહ્મણ જ્ઞાતિમાંથી પૂજારીની નિમણૂક કરી શકાય એવો કોઇ નિયમ હોય તો સરકારે એના માટે જૈન ટ્રસ્ટ સાથે ચર્ચા કરવાની રહેશે, પરંતુ જો ટ્રસ્ટ દ્વારા ઇનકાર કરવામાં આવે તો એની ઉપરવટ જઈને કોઈને પૂજારી બનાવી શકાશે નહીં.