ગુજરાતમાં નાગરીકોને એક જ નંબર પરથી તમામ પ્રકારની ઈમર્જન્સીમાં મદદ મળી રહે તેવું માળખું ગોઠવવાની મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. ફાયર, એમ્બ્યુલન્સ, 108, વુમન હેલ્પલાઇન, એનિમલ હેલ્પલાઇન નંબર સહિતના જુદાજુદા નંબરો લોકોએ યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને રાજ્ય વ્યાપી એક જ નંબર ડાયલ કરવાથી મદદ મળી રહે તે પ્રકારનું રાજ્યવ્પાપી માળખું આગામી એકાદ વર્ષમાં અમલી બની જશે તે માટેના પ્રયાસો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષથી સાત જિલ્લામાં 112 નંબર અમલી છે. જેમાં અત્યાર સુધીમાં 34 હજારથી વધુ કોલ આવી ચૂક્યા છે. જેથી આ પ્રયોગ સફળ થયો છે.
પ્રાયોગિક ધોરણે 112 નંબર અમલી બનાવાયો હતો
રાજ્યમાં કોઈપણ પ્રકારની ઈમર્જન્સી સેવા માટે નાગરીકોને અલગ અલગ નંબરો યાદ રાખવા પડતાં હોય છે અથવા તો નોંધી રાખવા પડતાં હોય છે. આની જગ્યાએ માત્ર એક જ નંબર હોવો જરૂરી છે. જેથી તેમને સરળતાથી યાદ રહે અને તેઓ મદદ મેળવી શકે. 2019માં રાજ્યના સાત જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે 112 નંબર અમલી બનાવાયો હતો. 40 મહિનાના સમયગાળામાં ઇમરજન્સી સેવા 112 ઉપર એપ્રિલ-૨૨ સુધીમાં ૩૪,૭૩૭ કોલ આવી ચૂક્યા છે. જેમાં સૌથી વધુ પોલીસ ઇમરજન્સીને લગતા 22 હજાર 151 કોલ આવ્યા હતા. જ્યારે ફાયરને લગતા 247 , મેડિકલ ઇમરજન્સીને લગતા 11 હજાર 265 અને વુમન હેલ્પલાઇન અભયમ 181 માટે કુલ 1074 કોલ આવ્યા હતા.
એક જ ઇમરજન્સી નંબર અમલી બનાવવામાં આવશે
અમદાવાદમાં કઠવાડા ખાતે જીવીએમકે 108 ખાતેના હેડક્વાટરમાં 112 માટેનો કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે. જેમાં હાલમાં સાત જિલ્લાઓનું મોનિટરિંગ થઇ રહ્યું છે. અરાવલી, બોટાદ, છોટાઉદેપુર, દ્વારકા, મહિસાગર, મોરબી જિલ્લા માટે 112 નંબર અમલી બન્યો છે. આ જિલ્લાઓમાંથી છેલ્લા ત્રણેક વર્ષમાં સારી એવી માત્રામાં કોલ આવી રહ્યા છે. લોકો પણ હવે બીજા નંબરો યાદ રાખવાની ઝંઝટથી મુક્તિ પામીને ફક્ત 112 નંબર યાદ રાખીને તેના પર કોલ કરતા થઇ ગયા છે. સાત જિલ્લાના સફળ પ્રયોગ બાદ હવે આગામી એકાદ વર્ષ સુધીમાં સમગ્ર ગુજરાતમાં 112 નંબરને અમલી બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.વિકસિત દેશોની જેમ ભારતમાં પણ એક જ ઇમરજન્સી નંબર અમલી બનાવવામાં આવશે.
ઇમરજન્સી માટે વિવિધ નંબરો યાદ રાખવા નહીં પડે
આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકા જેવા વિકસીત દેશમાં દેશવ્યાપી એક જ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 911 છે. જેના થકી કોઇપણ પ્રકારની ઇમરજન્સી માટે ફક્ત એક જ નંબર યાદ રાખવાનો રહે છે. જેનાથી સારી, ઝડપી, અસરકારક કામગીરી કરી શકાય છે. ભારતમાં પણ આ રીતે દેશવ્યાપી એક જ હેલ્પલાઇન નંબર 112 અમલી બનાવવાનો વિચાર છે. ગુજરાતમાં સાત જિલ્લામાં તેનો પ્રાયોગિક ધોરણે અમલ છેલ્લા ત્રણ વર્ષથી થયેલો છે. જે સફળ રહ્યો છે. રાજ્યમાં અને દેશમાં એક જ નંબર અમલી બનતા જુદાજુદા જિલ્લામાં, રાજ્યોમાં કોઇપણ પ્રકારની ઇમરજન્સી માટે વિવિધ નંબરો યાદ રાખવા નહીં પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.