હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા બેઠક પર ચાર દાયકા સુધી ભાજપનો દબદબો રહ્યો હતો. 2017માં કોંગ્રેસે આ બેઠક પર કબજો મેળવ્યો હતો. ભાજપે ગઈ ચૂંટણીમાં હારેલા ઉમેદવારને ટિકિટ ફાળવતા સ્થાનિકોમાં નારાજગી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સ્વંયસેવકે આ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેને લઈ ભાજપ સહિત સંઘ પરિવારમાં ભારે હડકંપ મચી ગયો છે. 2017માં ખાડિયા-જમાલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હારી ગયા હતા.
સુથારવાડો, રંગાટી કાપડ બજારમાં રહેતા અમરીષ પંચાલ 22 વર્ષથી આરએસએસનું કામ કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારથી રાજકીય પાર્ટીના સમર્થકો ઘર ખાલી કરવાની ધમકી આપી રહ્યાં છે. આ અગાઉ પણ ત્રણ-ચાર વખત આડકતરી રીતે મને ધમકી મળેલી છે. આ અંગે જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં રજૂઆત પણ કરી દીધી છે.
મકાનો ઉપર કબજો કરવો, ગેરકાયદે બાંધકામો કરવા, સામાન્ય માણસ મકાન રિપેરિંગ કરાવી શકે નહીં વગેરે જેવા યક્ષ પ્રશ્નોનો સામનો ખાડિયા-વિધાનસભાની પ્રજા કરી રહી છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. આરએસએસમાં વિવિધ જવાબદારી નિભાવી ચૂકેલા અમરીષ પંચાલે કહ્યું કે, હાલ તેમણે સંઘના તમામ પદ પરથી મુક્તિ લઈ લીધી છે. ખાડિયા-જમાલપુરમાં વર્ષોથી ખૂબ ખંતથી કામ કર્યું છે માટે પ્રજા તેમનો સાથ આપશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. આ બેઠક ફરી હિન્દુત્વના ગઢ તરીકે ઓળખાય તેમ પ્રજા ઈચ્છી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.
ખાડિયામાં છેલ્લા 20 વર્ષમાં રેસિડન્ટ મકાનો તોડી ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડિંગો બનવાનો રાફડો ફાટ્યો છે. આ કારણે ખાડિયા વિસ્તારમાં રહિશોની સંખ્યા ઘટી છે. ગેરકાયદે કોમર્શિયલ બિલ્ડિંગો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન આંખ આડા કાન કરે છે. લોકોના સસ્તામાં મકાનો પડાવી લેવામાં આવે છે. ભલામણ વગર પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.