નિયમ:કોરોના મૃત્યુ સહાય માટે 7 મામલતદાર કચેરીમાં જ હવે અરજી આપવાની રહેશે

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી જે સિવિક સેન્ટર પરથી ફોર્મ લીધું હોય ત્યાં જ જમા કરાવવાનો નિયમ હતો
  • અરજી સાથે રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, મૃત્યુના કારણ સાથેનું ડેથ સર્ટિફિકેટ, બેંક પાસબુકની નકલ જોડવાની રહેશે

કોરોનાના મૃતકોના વારસદારને સરકારે 50 હજાર આર્થિક સહાય જાહેર કરી છે. અમદાવાદમાં ગુરુવારે 200 અરજી આવી હતી. અત્યાર સુધી શહેરમાં કુલ 3800 અરજી આવી છે. છેલ્લા 7 દિવસથી મૃતકના પરિવારજનો અરજી ફોર્મ લેવા, કયા પુરાવા જોડવા, અરજી ક્યાં જમા કરાવવી જેવી બાબતોની અસ્પષ્ટતાના કારણે એકથી બીજી ઓફિસમાં ધક્કા ખાતા હતા.

નાગરિકોને સગવડ રહે તે માટે રાજ્ય સરકારે જેમના મૃત્યુ અમદાવાદમાં થયા હોય એવા મૃતકોના પરિવારોને અરજી જમા કરાવવા શહેરની સાત મામલતદાર કચેરીઓ નિશ્ચિત કરી છે. અરજદારોને મદદરૂપ થવા મ્યુનિ. આરોગ્ય વિભાગે મામલતદાર કચેરી ખાતે કેટલાક અધિકારીઓને નિયુક્ત કરશે. કોરોના સહાયની પ્રથમ ગાઈડલાઈનમાં જે સિવિક સેન્ટરથી ફોર્મ મેળવ્યુ હોય તે સેન્ટર પર જ જમા કરાવવા નિર્દેશ હતો.

અરજદારે રહેણાંક વિસ્તારના જે તે મામલતદાર કચેરીએ અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે. અરજદારે રહેઠાણનો પુરાવો, આધારકાર્ડ, મૃતકના મરણ પ્રમાણપત્ર, કોવિડ-19 સંલગ્ન પુરાવા અરજી સાથે જોડવાના રહેશે. એકથી વધુ વારસદારો હોય તેવા સંજોગોમાં અન્ય વારસદારોની સંમતિનું સોગંદનામુ તેમજ તેમના બેંક પાસબુકની નકલ અરજીપત્રક સાથે જોડાવાના રહેશે.

અહીં અરજી સ્વીકારાશે

  • મામલતદાર કચેરી, સાબરમતી, જિલ્લા કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ
  • મામલતદાર કચેરી અસારવા, દેવી સિનેમાની પાછળ, નરોડા
  • મામલતદાર કચેરી વટવા, અસલાલી સર્કલ પાસે, ઈન્દિરાનગર
  • મામલતદાર કચેરી દસ્ક્રોઈ, પ્રણામી નગર, વસ્ત્રાલ
  • મામલતદાર કચેરી વેજલપુર, મકરબા
  • મામલતદાર કચેરી ઘાટલોડિયા, ગ્રાહક સુરક્ષા ભવનની બાજુમાં, ગોતા
  • મામલતદાર કચેરી મણિનગર, SBI બેંકની સામે, લાલદરવાજા

બેંક, મોલ, હોટેલમાં રસીના સર્ટિફિકેટની ચકાસણી થઈ
શહેરની 250થી વધુ બેંકોમાં ગુરુવારે મ્યુનિ.એ તપાસ હાથ ધરી રસીનું સર્ટિફિકેટ માગ્યું હતું. જેમાં 185 કર્મચારીઓ એવા હતા જેમની પાસે વેક્સિનનો બીજો ડોઝ લીધાનું સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હતું. જેમાં 181 કર્મચારીઓ એવા હતા જેમને બીજો ડોઝ લેવાની હજુ મુદત થઇ ન હતી જ્યારે 4 કર્મચારીઓએ મેડિકલ કારણોસર વેક્સિન લીધી ન હતી.બીજી બાજુ 32 મોલ, 60 હોટેલ અને 123 રેસ્ટોરાંમાં મ્યુનિ.ની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં 18 લોકોએ રસીનો એકપણ ડોઝ લીધો ન હતો.

અન્ય સમાચારો પણ છે...