તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન મહાઅભિયાન:અમદાવાદમાં AMCના રોજના 1 લાખને વેક્સિન આપવાના ટાર્ગેટ સામે પાંચમા દિવસે પણ માત્ર 33 હજારને વેક્સિન અપાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વેજલપુરમાં વેક્સિનેશન સેન્ટર યોગ્ય આયોજનના અભાવે લોકોની ધક્કા મૂક્કી
  • વેક્સિનેશન મહાઅભિયાનના પાંચમા દિવસે 33,355 લોકોને રસી અપાઈ

દેશભરમાં કોરોનાનો કહેરને અટકાવવા વડાપ્રધાન મોદીએ ફરી એકવાર વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કર્યું છે, જેમાં દેશભરમાં 21મી જૂનથી લોકોને સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. પહેલાં લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું, જેમાં લોકોને ઓછા સ્લોટ મળતા હતા, પરંતુ હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને સ્પોટ રજિસ્ટ્રેશન પર ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે. AMC દ્વારા રોજના 1 લાખને વેક્સિન આપવાનું આયોજન કરાયું હોવાનો દાવો કરાયો છે. ત્યારે ગઈકાલે શુક્રવારે વેક્સિનેશન મહાઅભિયાનના પાંચમા દિવસે અમદાવાદ શહેરમાં 33 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

શુક્રવારે 33 હજારથી વધુને શહેરમાં વેક્સિન મળી
અમદાવાદ શહેરમાં 25મી જૂનને શુક્રવારે 33355 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 19,372 પુરુષો અને 13,974 મહિલાઓ તથા અન્ય-9ને વેક્સિન અપાઈ હતી. જેમાં 933 ફ્રન્ટલાઈન વર્કર્સ અને 100 હેલ્થકેર વર્કર્સ છે. જ્યારે 18થી 44 વર્ષના 19834 યુવાઓને વેક્સિન અપાઈ હતી.

ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં કોવિડ-19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર તરફથી કોવિડ-19 વેક્સિન પૂરી પાડવામાં આવી રહી છે. તમામ વય જુથના નાગરિકો જેઓનો પ્રથમ કે બીજો ડોઝ, બાકી હોય તેઓ નાગરીકો સ્થળ પર ઓન સ્પોટ ( ઓફ લાઈન ) + ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને નજીકના તમામ વેક્સિનેશન સેન્ટર (અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, નક્કી કરેલ મ્યુનિસિપલ શાળા અને કોમ્યુનિટી હોલ) ખાતે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.

ગઈકાલે કેટલા લોકોને વેક્સિન અપાઈ તેની યાદી
ગઈકાલે કેટલા લોકોને વેક્સિન અપાઈ તેની યાદી

દૈનિક 1 લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક ઘણો દૂર
અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ડ્રાઈવ ઝડપી બનાવવા વેક્સિનેશન સેશન સાઈટમાં વધારો કરવામાં આવ્યો છે. 400 જેટલી સેશન સાઈટ કાર્યરત કરી એ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. શાળા સહિતના સ્થળે દૈનિક 1 લાખ લોકોને વેક્સિન આપવાનું આયોજન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરાયું હોવાનો દાવો કરાયો હતો. જોકે હજુ સુધી આ લક્ષ્યાંકના અડધા લોકોને પણ એક દિવસમાં વેક્સિન આપી શકાઈ નથી. બીજી તરફ વેજલપુરમાં વેક્સિન સેન્ટર આયોજનના અભાવે રીતસરની ધક્કા મૂક્કી થઈ હતી.

વેક્સિનેશન સેન્ટરની તસવીર
વેક્સિનેશન સેન્ટરની તસવીર

અમદાવાદમાં 12 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા
શહેરમાં રસીકરણ વધારવા મ્યુનિ.એ મહાભિયાન શરૂ કર્યું છે. મ્યુનિ.ના આંક્ડા પ્રમાણે, દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75 અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 6.56 લાખ લોકોને રસી અપાઈ છે. શહેરમાં 18 વર્ષ ઉપરના લોકોની અંદાજિત વસતિ 42 લાખ છે, એ પૈકી 22.50 લાખ, એટલે કે 53 ટકા લોકોને પ્રથમ અને પાંચ લાખ, એટલે કે 12 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મના આગેવાનો-ધર્મગુરુઓ સાથે બેઠક યોજી મહત્તમ લોકોને વેક્સિન લેવા અપીલ કરી છે.