વરસાદ ઓડિટ રિપોર્ટ:રાજ્યમાં ધમાકેદાર શરૂઆત બાદ છેલ્લા 10 દિવસમાં માત્ર 2 ટકા વરસાદ, નર્મદા ડેમમાં સપાટી 4 મીટર ઘટી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થતાં ગીરના જંગલમાંથી નીકળતી સાબલી સહિત સૌરાષ્ટ્રમાં અનેક  નદીઓ વહેતી થઈ. - Divya Bhaskar
શુક્રવારથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થતાં ગીરના જંગલમાંથી નીકળતી સાબલી સહિત સૌરાષ્ટ્રમાં અનેક નદીઓ વહેતી થઈ.
  • સૌરાષ્ટ્રમાં 25 ટકાથી વધારે જ્યારે કચ્છમાં 27 ટકા વરસાદ
  • ઉત્તરમાં 12 ટકા જ્યારે દક્ષિણમાં સૌથી ઓછો 9.5 ટકા વરસાદ
  • જળસંગ્રહમાં 7 ટકાનો ઘટાડો, અન્ય જળાશયોમાં પણ પાણી ઘટ્યું
  • 23મી જૂને 62 ટકા જળસંગ્રહ હતો, અત્યારે 55.17 ટકા છે
  • ગત વર્ષે 3 જુલાઇ સુધી રાજ્યમાં 16 ટકા વરસાદ થયો હતો, આ વર્ષે પણ એટલો જ વરસાદ

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો છે. ગત 23મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ 14 ટકા વરસાદ પડી ગયો હતો. 3 જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી 16 ટકા છે.

શુક્રવારે કોડીનારમાં 6 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 3.5 ઇંચ, વાડીયામાં 2.5 ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા 10 દિવસમાં માત્ર 2 ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી 101 તાલુકાઓમાં બેથી 5 ઈંચ સુધી, 103 તાલુકાઓમાં 5થી 10 ઈંચ સુધી, 18 તાલુકાઓમાં 10 ઈંચથી વધારે જ્યારે 29 તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ‌છે. છેલ્લા 5 વર્ષમાં આ જૂન 23 તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી 16 ટકા વરસાદ જ થયો હતો.

સરદાર સરોવરમાં છેલ્લા 10 દિવસમાં જળસંગ્રહમાં 7 ટકાનો ઘટાડો થયો છે. 23મી જૂને 62 ટકા જળસંગ્રહ હતો અને અત્યારે 55.17 ટકા છે. હાલમાં જળસપાટી 121.66 મીટર છે જ્યારે 23મી જૂને સપાટી 125.17 મીટર હતી. 23મી જૂન સુધી રાજ્યમાં જળાશયોમાં પણ 48 ટકા પાણીનો સંગ્રહ હતો. હાલમાં સરદાર સરોવર સહિત કુલ જળસંગ્રહ 45.67 ટકા છે. 10 દિવસમાં 2.50 ટકા જળસંગ્રહમાં ઘટાડો થયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં ઝોન વાઇઝ વરસાદ અને જળાશયોની સ્થિતિમાં ફેરફાર

વરસાદસંગ્રહ
ઝોન23 જૂન3 જુલાઇડેમ23 જૂન3 જુલાઇ
ઉત્તર ગુજરાત9.98%11.94%1528%27.18%
મધ્ય ગુજરાત12.95%14.72%1747%46.86%
દક્ષિણ ગુજ.7.87%9.33%1344%45.17%
સૌરાષ્ટ્ર20.71%25.44%14027%27.37%
કચ્છ25%27.29%2026%26.48%
કુલ13.39%15.92%20648%45.67%

3 વર્ષમાં 42 હજાર લાખ ઘનફૂટ સંગ્રહ ક્ષમતા વધી
સુજલામ સુફલામ જળઅભિયાનમાં 4113 તળાવો ઉંડા કરાયાં, 2344 ચેકડેમ અને 155 જળાશયોનું ડિસીલ્ટીંગ કરાયું છે. 253 નવા તળાવો અને 321 નવા ચેકડેમ બનાવાયા છે. સરકારના દાવા મુજબ, 51 દિવસમાં જ 11 હજારથી વધારે કામો પૂર્ણ કરાયા છે. આ અભિયાનના કારણે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં છેલ્લા 3 વર્ષમાં 42,282 લાખ ઘનફૂટનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...