જીટીયુની કોલેજ ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીપેરી)માં શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાતી માધ્યમની ચાર બ્રાન્ચની કુલ 120 બેઠકમાંથી માત્ર બે બેઠક ભરાઈ છે. શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ તરફથી ગુજરાતી માધ્યમમાં પ્રવેશ માટેના મોળા પ્રતિસાદને કારણે જીટીયુ અને કોલેજના સત્તાવાળાઓએ હવે ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારોની ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં આ કોલેજ બાબતે ધોરણ 11-12માં પ્રચાર-પ્રસાર કરવાનું નક્કી કર્યું છે.
શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહી
જીપેરી કોલેજના 15 પ્રોફેસરની ટીમ ‘આવો માતૃભાષામાં અભ્યાસ કરીએ’ તેવા સ્લોગન સાથે રાજ્યના વિવિધ જિલ્લામાં ટેલેન્ટ સર્ચ અભિયાન ચલાવશે.નેશનલ એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે, જેના ભાગરૂપે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ની મંજૂરી સાથે ઓગસ્ટમાં મહેસાણાના મેવડ પાસે ગુજરાતી માધ્યમમાં જીપેરી કોલેજમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર બ્રાન્ચ શરૂ કરાઈ છે, જેના માટે કુલ ચાર બ્રાન્ચના 20 પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતીમાં અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી
જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠના જણાવ્યા અનુસાર, બેઠકો ન ભરાતાં અમે જરા પણ નિરાશ થયા નથી. આવતા વર્ષે જીપેરી કોલેજમાં પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે માટે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી જાન્યુઆરીથી સંપર્ક અભિયાન હાથ ધરી ગુજરાતીમાં અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય તેવી સમજણ અપાશે.
માતૃભાષામાં અભ્યાસ અંગે ઝુંબેશ ચલાવાશે
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, નર્મદા, તાપીના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી ગુજરાતી સ્કૂલોમાં ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેમને જીપેરી કોલેજમાં ભણાવાતા ગુજરાતી માધ્યમના ચાર બ્રાન્ચના કોર્સ, પ્રોફેસરો, સ્કોલરશિપ, હોસ્ટેલ તેમ જ પ્રવેશને લગતી માહિતી આપવામાં આવશે.
અન્ય ખાનગી કોલેજો કરતાં ઓછી ફી
જીટીયુની સેલ્ફ ફાઇનાન્સ જીપેરી કોલેજની વાર્ષિક 40 હજાર છે, તેની સામે વિદ્યાર્થીઓને મેરિટના આધારે 25થી 65 ટકા સુધીની સ્કોલરશિપની ચુકવણી કરવાનંુ નક્કી કરાયું છે. જ્યારે તેની સામે વિવિધ સેલ્ફ ફાઇનાન્સ ઇજનેરી કોલેજોમાં વાર્ષિક 2.50 લાખ સુધીની ફી લેવામાં આવે છે.
સેમ.3-4ના કોર્સનું ભાષાંતર પણ કરાશે
જીટીયુએ જીપેરી કોલેજના સેમેસ્ટર 3, 4ના ગુજરાતીનાં પુસ્તકોના ભાષાંતરનું કાર્ય હાથ ધર્યું છે. આગામી મહિનામાં ભાષાંતરની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. એન્જિનિયરિંગના અઘરા ટેકનિકલ શબ્દોની ગુજરાતી ડિક્શનરી પણ તૈયાર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.