દુષ્કાળના ભણકારા:રાજ્યમાં છેલ્લાં 30 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, 840 મિમીની સામે માત્ર 350 મિમી જ વરસાદ નોંધાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • સરદાર સરોવર જળાશયમાં હાલ 1,52,544 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે
  • રાજ્યનાં 206 જળાશયમાં 2,82,489 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે

ચોમાસાના બે રાઉન્ડ બાદ પણ રાજ્યમાં વરસાદની ઘટ છે. જો આગામી એક સપ્તાહમાં વરસાદ ના થયો તો ગુજરાતમાં સત્તાવાર દુષ્કાળ જાહેર કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના 110 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે, જ્યારે બે તાલુકા એવા છે જેમાં બે ઈંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. તો 20 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજયમાં અત્યારસુધી 24 ઓગસ્ટ સુધીમાં 350.33 મિમી વરસાદ થયો છે, જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 મિમીની સરખામણીએ 41.71 ટકા છે.

અંદાજિત 80.06 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે
સિંચાઈના પાણી માટે વલખાં મારતા ખેડૂતોને પાક વીમાના વિકલ્પમાં રહેલી CM કિસાન સહાયની હવે પરીક્ષા થશે. નવી યોજના હેઠળ જે તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગસ્ટ સુધી બે વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય તો આ સ્થિતિમાં કૃષિ નુકસાન થાય તો એને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું જોખમ ગણવા કહેવાયું છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે 23 ઓગસ્ટ 2021 સુધીમાં અંદાજિત 80.06 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 80.64 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 93.59 ટકા વાવેતર થયું છે.

હાલ સરદાર સરોવર ડેમમાં 45 ટકા પાણીનો સંગ્રહ
સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ 1,52,544 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 45.66 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના 206 જળાશયમાં 2,82,489 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 50.68 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-7 જળાશય, એલર્ટ ૫ર કુલ-08 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-06 જળાશય છે.

ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક ( ફાઈલ ફોટો).
ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક ( ફાઈલ ફોટો).

56 જળાશયમાં 30 સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત
જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોએ મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે એ પૈકી પીવાના પાણી માટેનાં 56 જળાશયમાં 30 સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે, જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માગણી આવેલી છે. 39 જળાશયમાંથી કુલ સાડાનવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

39 જળાશયમાંથી સાડાનવ લાખ એકર વિસ્તારને પાણી મળશે
દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલિયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને 4 લાખ 69 હજાર 300 એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કર્યું છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વિયરમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. આમ, ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્ત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલી છે એ વિસ્તારમાં ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયમાંથી સાડાનવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

રાજ્યનાં 206 જળાશયમાં 2,82,489 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ ( પ્રતીકાત્મક તસવીર)
રાજ્યનાં 206 જળાશયમાં 2,82,489 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ ( પ્રતીકાત્મક તસવીર)

ગંભીર જળસંકટનો સામનો કરવો પડે એવી સ્થિતિ
રાજ્યમાં જો વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે એ પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળસંકટનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશમાં અત્યારે હાઇડ્રો વીજળી ઉત્પન્ન થઈ રહી હોઈ 17મી ઓગસ્ટની સ્થિતિએ નર્મદા ડેમમાં 12 હજાર 412 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, એટલે સામે નર્મદા ડેમમાંથી 15 હજાર 200થી 15 હજાર 792 ક્યૂસેક સુધી કેનાલો દ્વારા પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગોને અપાતું 125 ક્યૂસેક પાણી બંધ થવું જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે સરકારે પ્રથમ અગ્રતા પીવાના પાણીને અને દ્વિતીય અગ્રતા સિંચાઈના પાણીને આપવી જોઈએ અને જરૂર પડ્યે ઉદ્યોગોને અપાતું પાણી સદંતર બંધ કરીને ખેતી બચાવવા ફાળવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...