હવે ઘરે બેઠા જ ટિકિટ મળી રહેશે:ફ્લાવર શો 2023 માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા, મોબાઈલ માટે ક્યુઆર કોડ પણ ઉપલબ્ધ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે બે વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે "ફલાવર શો" નું આયોજન કરવામાં આવ્યું છે. રોજના 25,000થી વધુ લોકો ફ્લાવર સોની મુલાકાત લઇ રહ્યા છે. ઓફલાઈન ટિકિટ એલિસબ્રિજની નીચે બનાવવામાં આવેલા કાઉન્ટર અને ઇવેન્ટ સેન્ટર સામે આવેલા ગ્રાઉન્ડમાં પણ ટિકિટ બારી ખોલવામાં આવી છે. આ સાથે લોકો ઘરે બેઠા ઓનલાઇન www.sabarmatiriverfront.com તેમજ www.riverfrontparktickets.com પરથી પણ તેઓ ટિકિટ મેળવી શકશે.

ટિકિટ બારી પર ક્યુઆર કોડની સુવિધા
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા ઉપરાંત ટિકિટ બારી ઉપર ક્યુઆર કોડ દ્વારા મોબાઈલમાં qr કોડ અથવા કેમેરાથી સ્કેન કરી અને ઓનલાઇન ટિકિટ પણ મેળવી શકાય છે. phone pe/gpay/paytm સ્કેનરનો ઉપયોગ કરવો નહીં. ક્યુઆર કોડ સ્કેન કરી અને જે લિંક આવે તે ઓપન કરી અને તેમાં તમામ વિગતો ભરવાની રહેશે અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે. જે બાદ ટિકિટ મળી રહેશે.

આવનારા દરેક લોકો માટે માસ્ક ફરજિયાત
સવારે 9થી રાત્રે 9 સુધી ફ્લાવર શો ચાલશે. આ સમય દરમિયાન જ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકાશે રાત્રે 9:00 વાગ્યા બાદ ઓનલાઇન ટિકિટ બુક થશે નહીં. પ્રવેશ માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.30 ફી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની સામે જ ટિકિટના અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. કોરોનાના કેસોની સતર્કતાના પગલે ફ્લાવર શોમાં આવનારા દરેક લોકો માટે માસ્ક ફરજિયાત છે. ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ખૂબ જ વધુ ભીડ ન થાય તેને ધ્યાનમાં રાખી અને 13 દિવસ દરમિયાન અટલ ફૂટઓવરબ્રિજ બપોરે બે વાગ્યાથી બંધ કરી દેવામાં આવે છે. રૂ. 2.50 કરોડના ખર્ચે આ ફલાવર શો યોજાશે.

આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ ઉભા કરાયા
મહેંદીમાંથી બનાવેલ ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા કલરનાં ફલાવર રોલનાં સ્કલ્પચર જુદી જુદી સાઇઝનાં ફલાવર ટાવરનું સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફીન પણ છે.

ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન
વાઇલ્ડ લાઇફ થીમ આધારીત જુદા જુદા સ્કલ્પચર, સંજીવની પર્વત સાથેનાં હનુમાનજીની પ્રતિકૃતિ, ધનવંતરી ભગવાન અને ચરક ૠષિનાં સ્કલ્પચરો વેજીટેબલ તથા ફુટનાં જુદા જુદા સ્કલ્પચર છે. જુદી જુદી વેરાયટીઓ જેવી કે, ઓર્કીડ, રેનેસ્ક્યુલસ, લીલીયમ, પીટુનીયા, ડાયન્થસ જેવા 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફુલો-છોડની પ્રદર્શની પણ છે. ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ છે.

અન્ય સમાચારો પણ છે...