કોરોના ઇફેક્ટ:ઓનલાઈન અભ્યાસની અસર ઓફલાઈન શિક્ષણ પર પડી, વિદ્યાર્થીઓની એકાગ્રતા ઘટતાં સ્કૂલોએ પિરિયડનો સમય 45થી ઘટાડી 25 મિનિટનો કર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના મહામારીને કારણે એક વર્ષ કરતાં વધુ સમય સુધી ઓનલાઇન ક્લાસને કારણે બાળકો હવે ઓફલાઇન ક્લાસમાં એકાગ્રતા જાળવી શકતા નથી, જેના કારણે હાલમાં ચાલી રહેલા ઓફલાઇન ક્લાસના સમયમાં ઘટાડો કરાયો છે, સાથે જ દિવસ દરમિયાન લેવાતા કુલ પિરિયડની સંખ્યામાં પણ સંચાલકોએ ઘટાડો કર્યો છે. કોરોના પહેલા એક પિરિયડનો સમય 35થી 45 મિનિટનો હતો, તેમાં ફેરફાર કરીને 25થી 35 મિનિટનો કરાયો છે. તેમાં પણ શિક્ષકો શરૂઆતની 15 મિનિટમાં જ તમામ મુખ્ય મુદ્દા શીખવી દે છે.

ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકોને ઓછા સમયના ક્લાસની ટેવ પડી હતી. આથી હવે ઓફલાઇન ક્લાસ શરૂ થયા છે, ત્યારે બાળકો 35-45 મિનિટના ક્લાસમાં ધ્યાન આપી શકતા નથી, જેથી સ્કૂલોએ દિવસ દરમિયાનના પિરિયડ્સની સંખ્યા ઘટાડી તેના સમયમાં પણ ઘટાડો કર્યો છે, જેથી બાળકો ઓફલાઇનમાં સારી રીતે અભ્યાસ કરી શકે.

આ ઉપરાંત સ્કૂલોએ શિક્ષકોને સૂચના આપી છે કે, કોઈ પણ ક્લાસમાં શરૂઆતની 15 મિનિટમાં મુખ્ય મુદ્દા શીખવી દેવા, ત્યાર બાદ તેના ઉદાહરણ અને અન્ય બાબતો શીખવવી, કારણ કે સંચાલકો સારી રીતે જાણે છે કે, ઓનલાઇન એજ્યુકેશનને કારણે હવે બાળકો સમગ્ર પિરિયડમાં ધ્યાન આપી શકતા નથી, પરંતુ વિદ્યાર્થીઓને ટેવ પડે તે માટે ધીરે ધીરે સમયમાં અને પિરિયડની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક બિપીન આદ્રોજાએ જણાવ્યું હતું કે, ઓફલાઇન એજ્યુકેશન શરૂ થતાં જ બાળકો ઓફલાઇન ક્લાસમાં પૂરતું ધ્યાન આપતા ન હોવાની ફરિયાદ શિક્ષકોએ કરી હતી, તેથી અમે દરરોજ એક ક્લાસનો ઘટાડો કર્યો છે અને પિરિયડના સમયમાં 10-15 મિનિટનો ઘટાડો કર્યો છે.

વિદ્યાર્થીઓએ આખો દિવસ અભ્યાસમાં રહેવું પડે છે
ઘણી સ્કૂલોમાં હાલ ઓનલાઇન-ઓફલાઇન બંને પ્રકારે ક્લાસ ચાલે છે. સ્કૂલનો સમય સવારનો હોવાથી 12 વાગ્યા સુધીમાં ત્રણ-ચાર ક્લાસ ઓફલાઇન લેવાય છે, બપોર પછીના સેશનના બે ક્લાસ ઓનલાઇન લેવાય છે, જેથી વિદ્યાર્થીએ આખો દિવસ અભ્યાસમાં રહેવું પડે છે, જેથી બાળકોને રાત્રે મોડા સુધી હોમવર્ક કરવું પડે છે.

વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈને આગળ અભ્યાસ કરાવાશે
ઓનલાઇન એજ્યુકેશનની સાઇડ ઇફેક્ટ ઓફલાઇન ક્લાસમાં દેખાય છે. બાળકો ઓફલાઇનમાં 15 મિનિટથી વધુ ધ્યાન આપી શકતા નથી. ક્લાસનો સમય ઘટાડાયો છે.શરૂઆતમાં મુખ્ય મુદ્દા શીખવવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈને આગળ અભ્યાસ કરાવશે. - અર્ચિત ભટ્ટ, સંચાલક, ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ