બેઠક:એક મહિના બાદ સ્ટેન્ડિંગ કમિટીની ઓનલાઈન બેઠક, 12 કામોને મંજૂરી આપી; ચેરમેને કહ્યું- શહેરના 25 ટકા લોકોનું વેક્સિનેશન થયું

અમદાવાદ5 મહિનો પહેલા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ
  • ટ્રસ્ટ દ્વારા ગરીબોને વિનામૂલ્યે જમાડવાના કામ માટે માંગવામાં આવેલા પ્લોટનું કામ મંજૂર કરાયું
  • અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30 હજાર લોકોનું વેક્સિનેશન થાય છે
  • પ્રિ મોન્સૂનના કામમાં કેચપિટ સફાઈ કામ પૂર્ણતાના આરે હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઉત્તરોતર વધતા હતા. ત્યારે કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દ્વારા અમદાવાદની પ્રજા જે રીતે ઓક્સિજન, બેડ અને ઇન્જેક્શન માટે તકલીફમાં હતી. ત્યારે તેની ચર્ચા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી ન હતી. ઉપરાંત કોઈની મદદ કરવામાં ઉણા ઉતરેલા કોર્પોરેટર હવે પ્રજાના કામોની ચર્ચા કરવા લાગ્યા છે. આજે આશરે 1 મહિના બાદ સ્ટેન્ડિંગ કમિટિની ઓનલાઈન બેઠક મળી હતી. જેમાં અલગ અલગ 12 કામોને મંજુર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં શહેરમાં 14 લાખથી વધુ લોકોને એટલે કે 25 ટકા નાગરિકોને વેક્સિનેશનનું કાર્ય પૂર્ણ થયું છે. સરકાર તરફથી જે વેક્સિન મળે છે. તેનો પૂર્ણ ઉપયોગ થાય તે પ્રમાણેનો ડોક્ટરોનો પ્રયાસ છે .

ગરીબોને જમાડવા ટ્રસ્ટને 3 જગ્યા ફાળવાઈ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં ટ્રસ્ટ દ્વારા ગરીબોને વિનામૂલ્યે જમાડવાના કામ માટે માંગવામાં આવેલા પ્લોટનું કામ મંજૂર કરાયું છે. જોકે ખાનગી ટ્રસ્ટે ગરીબોને વિનામૂલ્યે જમાડવા માટે જગ્યાની માંગ કરી હતી. જે અંગે આજે બેઠકમાં ચર્ચા વિચારણા બાદ આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં ત્રણ જગ્યાઓ ફાળવી છે.

રજિસ્ટ્રેશન મુદ્દે યુવાનો ટેક્નોસેવી હોવાની સ્લોટ ભરાઈ ગયાનો બચાવ
18 વર્ષથી ઉપરના લોકોને રજિસ્ટ્રેશનમા તકલીફ પડી રહી છે તે અંગે સવાલ કરતા આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે બચાવ કરતા કહ્યું હતું કે, અમદાવાદના યુવાનો જાગૃત અને ટેક્નો સેવી હોવાથી ગણતરીના સમયમાં સ્લોટ બુક થઇ જાય છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30 હજાર લોકોનું વેક્સિનેશન થાય છે આગામી સમયમાં વધુ વેક્સિનેશન થાય તે માટે પણ કોર્પોરેશન કામ કરી રહી છે

પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણતાને આરે
બીજી તરફ હવે ચોમાસુ નજીક છે કોર્પોરેશન અત્યારે કોરોના કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે પ્રિ મોન્સૂનના કામમાં કેચપિટ સફાઈ કામ પૂર્ણતાના આરે હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું છે. 40 હજાર ઉપર કેચપિટ સાફ થઈ ગઈ છે અને બાકીના કામોમાં ઝડપ કરવામાં આવી રહી છે. જોકે મોટા મોટા વૃક્ષો જે ભય જનક પરિસ્થતિમાં હોય છે તેના કટિંગ પણ શરૂ કરી દેવામાં આવતા હોય છે. રોડ રસ્તાનું કામ પણ ચાલુ જ છે અને જ્યાં પણ કન્ટ્રક્શનનું કામ બાકી છે એ સમય રહેતા પૂરું કરી દેવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું.

ચોમાસામાં પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડે છે
દર વર્ષે કોર્પોરેશન દ્વારા એન્જડા બહાર પાડવામાં આવે છે પરંતુ કોઈ કામ સમય રહેતા પૂરી થયું નથી અને પ્રિ મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડે છે. રોડના ધોવાણ અને ભુવાની અનેક સમસ્યા પહેલા વરસાદથી ચાલુ થઈ જાય છે, ત્યારે બીજી તરફ અમદાવાદમા ઘણા એવા જર્જરિત મકાનો છે જે ચોમાસામાં વરસાદને કારણે ધરાશાયી થઈ જાય છે એવા પણ મકાનો ને પણ ચકાસવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.જોકે ચોમાસાના સમયમાં કોરોના દર્દીઓના સગા વહાલા ને હોસ્પિટલ બહાર બેસવા માટે ની પણ વ્યવસ્થા જોવા માટે વિચારણા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...