તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટે સરકારને તતડાવી:સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ, અત્યારે રાજ્યના લોકો ભગવાનના ભરોસે, રોજનાં 27 હજાર રેમડેસિવિર ક્યાં જાય છે?

અમદાવાદ5 મહિનો પહેલા
 • લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન માટે કલાકો લાઇનમાં શેકાવાનો કાંઈ શોખ નથી થતોઃ હાઇકોર્ટનો સરકારને સણસણતો સવાલ
 • ઇન્જેકશન માટે લાઇન શેની લાગે? શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે, ત્રિવેદીજી મારી મદદ કરો; મારે ઇન્જેક્શન જોઈએ?
 • 15મીએ સવારે 11:00 વાગે વધુ સુનાવણી મુકરર કરી, કહ્યું- કેન્દ્ર રાજ્યોને કામ આપે, નહિતર અમે સરકારને કામ આપીશું
 • લગ્નમાં 100 લોકો ભેગા કરવા વધારે છે, ફક્ત 50ને મંજૂરી આપો, બેડ-ઓક્સિજન પૂરતાં છે તો 40 એમ્બુલન્સની લાઇન કેમ થાય છે

કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની તતડાવી છે. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતાં? હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે? આવા સવાલો કરીને હાઈકોર્ટે તરત આકરાં પગલાં લેવા સરકારને તાકીદ કરી છે. “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળની PILની હવે આગામી 15મીએ સવારે 11 વાગ્યે વધુ સુનાવણી થશે.

હોસ્પિટલોમાં મળતી સારવાર, રેમડેસિવિરના મુદ્દે હાઈકોર્ટ ખફા
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે ગઈકાલે સુઓમોટો હેઠળ નોંધેલી PILની આજે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે, જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સુનાવણીમાં ઓનલાઇન ભાગ લીધો હતો. હાઈકોર્ટની બેન્ચે આ સુનાવણીમાં સરકાર હાલ જે રીતે કોવિડ-19ની સ્થિતિનું સંચાલન કરી રહી છે એની નીતિઓ અંગે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લોકોને સારવાર મેળવવામાં, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત તેમજ હજી પણ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં લોકોના ભેગા થવા અંગે હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

મીડિયાના અહેવાલો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ છેઃ હાઈકોર્ટ
સરકાર વતી એક સમયે આ સુનાવણીમાં એવી દલીલ કરાઈ હતી કે મીડિયામાં આવતા અહેવાલો તથ્યહીન છે અને બેજવાબદારીભર્યા છે. આ દલીલ સાંભળતાં જ ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને પોતાની કામગીરી પર ધ્યાન આપવાનું કહીને ઉમેર્યું હતું કે પ્રસાર માધ્યમો એટલે કે મીડિયાના અહેવાલોમાં તથ્ય નથી એવું કહી ન શકાય. અમે પણ મીડિયા અહેવાલો અને વાસ્તવિક પરિસ્થિતિ બંને જોઈએ છીએ. ઊલટાનું મીડિયા અત્યારે જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરી રહી છે. આને બદલે સરકાર 14મી સુધી જે પણ પગલાં લે એનું એફિડેવિટ આગામી 15મીની સુનાવણીમાં રજૂ કરે.

બીજાં રાજ્યની સરખામણી ન કરો, ગુજરાતની વાત કરોઃ ચીફ જસ્ટિસ
એક તબક્કે સરકારી વકીલે બીજાં રાજ્યોની વધુ વણસેલી સ્થિતિ સાથે ગુજરાતની સરખામણી કરતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને ત્યાં જ અટકાવી દીધા હતા. તેમણે ટકોર કરી હતી કે "બીજા કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી. ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? આજે પણ સામાન્ય માણસને RT-PCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4-5 દિવસ થઈ જાય છે.
જ્યારે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? ઝાયડસની બહાર લાંબી લાઈન હતી તો કેમ, કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે?"

ઓનલાઈન સુનાવણીમાં હાઈકોર્ટ આકરા પાણીએ

 • અત્યારે લોકો ભગવાનના ભરોસે છે. સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ.
 • લોકોને એવું તો ભરોસો કરાવો કે તમે કશું કરી રહ્યો છો.
 • કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે, નહિતર અમે કામ આપીશું.
 • ચૂંટણી માટે બૂથવાઇઝ આંકડા અને સોસાયટીના લિસ્ટ હોય છે તમારી પાસે, એ આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથવાઇઝ કામ કરો.
 • શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવાં પગલાં લો.​​​​​​​
 • સ્વામિનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણીબધી NGO છે તો તેમના મારફત કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવો.
 • દિવાળી જેમ પ્રતિબંધિત મુખ્યો લોકો પર અંકુશ હતો. લોકો તહેવારમાં બહાર ઓછા નીકળ્યા હતા, એવાં જ પગલાં લો.
 • ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે.
 • સામાન્ય માણસો માટે ટેસ્ટ કરવામાં 5 દિવસ થાય છે તમને ખબર છે?
 • કોઈપણ વ્યક્તિને ટેસ્ટ કરાવવામાં મજા નથી આવતી તો રિઝલ્ટ કેમ 5 દિવસે આવે છે?
 • રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહીં?
 • એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિકના હિતમાં નથી. પબ્લિકએ લાંબી લાઇનમાં કેમ ઊભું રહેવું પડે છે?
 • હોમ આઇસોલેશનની સરકારે હિમાયત કરી હવે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાં જ આપો છો? ઘરે કેમ નહીં?
 • કેમ એક જ જગ્યાએ ઇન્જેક્શન મળે છે? મેડિકલ સ્ટોર અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં..??
 • કોઈને રેમડેસિવિર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે?
 • રોજનાં 27,000 ઇન્જેક્શન ક્યાં જાય છે? બધાને ઇન્જેક્શન મળવાં જ જોઈએ.
 • મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે? તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતાં છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે?
 • ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઊભું રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે- ત્રિવેદીજી, મારી મદદ કરો, મારે ઇન્જેક્શન જોઈએ?
 • મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમાં છે એવું નથી.
 • પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitalsની બહાર લાંબી લાઈન હતી, કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે?
 • અન્ય રાજ્યમાં શું થાય છે, એનાથી અમને કોઈ સુસંગતતા નથી, અમને ગુજરાતથી મતલબ છે. ગુજરાતની વાત કરો.
 • સામાન્ય માણસને RT-PCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યાંર VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે.
 • કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી, ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.
 • આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે?
 • VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહીં?

જરૂર ન હોય તોપણ હોમ આઈસોલેશનવાળા રેમડેસિવિર માગે છેઃ સરકારી વકીલ
હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છે કે ભારતમાં પ્રતિ દિવસ 1.75 લાખ વાયલ રેમડેસિવિરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામાં આવે છે અને ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારી દીધી છે, સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસિવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે, જેથી સામાન્ય માણસોને ઈમર્જન્સીમાં મળી રહે છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તોપણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવિરનો આગ્રહ રાખે છે.

સુરતમાં તો ચેરિટી માટે રેમડેસિવિરનું વિતરણ કરાયું હોવાની સરકારની દલીલ
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે ધનવંતરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થવર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ તરીકે જાહેર કરાઈ છે. રાજયમાં ઉપલબ્ધ ઓક્સિજનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલોને ફાળવાય છે. ગઈકાલ સુધીમાં 1262 પથારી ઉપલબ્ધ છે અને નવી 956 વધારી રહ્યા છીએ. એટલું જ નહીં, કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યાં છીએ. રાજ્યમાં કુલ 71021 પથારી ઉપલબ્ધ છે, સાથે જ 1127 કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ કાર્યરત છે. સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરિત કરાયાં હતાં, જેમાં લોકોને મદદરૂપ થવાનો આશય હતો, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે જ કરાયો હતો. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટમાં લોકોને અવેરનેસ માટે વિશેષ ભાર અપાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...