નકલી એન્ટ્રી અસલી કૌભાંડ:રેશનિંગનું અનાજ નહીં લેનારા કાર્ડ હોલ્ડરોના નામે ઓનલાઈન એન્ટ્રી, અનાજ કાળાબજારમાં સગેવગે થયાની શંકા

અમદાવાદ3 વર્ષ પહેલાલેખક: વિશાલ પાટડિયા
  • કૉપી લિંક
રેશનકાર્ડની ડિટેઇલ નાખતા અનાજ ઈશ્યૂ થયું હોવાનું જાણવા મળ્યું હતું. - Divya Bhaskar
રેશનકાર્ડની ડિટેઇલ નાખતા અનાજ ઈશ્યૂ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
  • અમદાવાદ, આણંદ સહિતના કેટલાક જિલ્લાના સંખ્યાબંધ લોકોએ અનાજ, દાળ, ખાંડ લીધા ન હોવા છતાં નામ બોલાય છે
  • એક કાર્ડ હોલ્ડરે ફરિયાદ કરી તો આંબાવાડીના રેશનિંગ દુકાનદાર ઘરે આવી અનાજ મૂકી ગયા અને માફી માગી
  • https://dcs-dof.gujarat.gov.in/live-info.htm લિન્ક પર જઈને તમારા કાર્ડ અને અન્ય વિગત નાખીને અનાજ ઇસ્યૂ થયું કે નહિ તે જોઈ શકો છો

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી શરૂ થયેલી રાશન વિતરણ વ્યવસ્થામાં હવે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. અમદાવાદ જિલ્લાના નાગરિક હરીણેશ પંડ્યા પોતાના રાશન કાર્ડમાંથી અનાજ, દાળ અને ખાંડ ઇસ્યૂ થયા હોવાનું જાણીને ચોંકી ગયા હતા. તેમણે તાત્કાલિક જિલ્લા પુરવઠા તંત્રને તેની જાણ કરી હતી. જોકે અહીં તેમને વધુ એક આંચકો લાગ્યો હતો, કારણ કે જે દુકાનમાંથી રાશન ઇસ્યૂ થયું હતું તે દુકાનદારનો ફોન આવ્યો હતો. અમદાવાદ સિવાય કેટલાય જિલ્લામાં આવી ઘટનાઓ બની છે. આણંદ જિલ્લામાં પણ મહેન્દ્ર ભોઈના કાર્ડમાંથી તેમની જાણ બહાર અનાજ ઊપડી ગયું છે. પંડ્યાની ફરિયાદ બાદ જિલ્લાનું તંત્ર દોડતું થયું છે અને રાશન ભંડાર માલિકને નોટિસ ફટકારી છે. 
સરકારની અપીલને પગલે અનાજ લીધું ન હતું 
હરીણેશ પંડ્યાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થામાં લોકોના હક વિશે કામ કરતા અમને ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલાય લોકોના કાર્ડમાંથી જાણ બહાર અનાજ ઊપડી ગયા છે. મેં 23 મેના રોજ મારા એપીએલ કાર્ડની વિગતો ઓનલાઇન નાખીને જોયું તો મારા કાર્ડમાંથી એપ્રિલ અને મે માસ માટેનું અનાજ ઇસ્યૂ થયેલું બતાવ્યું હતું. સરકારની અપીલને પગલે મેં આવું કોઈ અનાજ ન હતું લીધું. મેં તાત્કાલિક જિલ્લા તંત્રને ફરિયાદ કરી હતી. મારા આઘાત વચ્ચે મને આંબાવાડી સ્થિત દીનદયાલ ભંડાર માલિક અંજુબેન ભગવાનદાસને ત્યાંથી ફોન આવ્યો હતો અને તે માફી માગી મારા ત્યાં અનાજ મૂકી ગયો હતો. સરકાર હાલમાં કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, ૩ કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા ની દાળ આપે છે. મારી જાણ મુજબ આવું કેટલાય ખાતામાં થયું છે અને અનાજ કાળા બજારમાં જતું રહ્યું છે. હું આની પોલીસ ફરિયાદ અને અન્ન આયોગમાં પણ ફરિયાદ કરીશ જેથી સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થાય અને ગરીબોને ન્યાય મળે.
દુકાનદારને નોટિસ ફટકારી 
આ વિશે અમદાવાદ શહેર ફૂડ કન્ટ્રોલર ડી.એલ. પરમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ અમે દુકાનદારને નોટિસ ફટકારી છે. નોટિસનો જવાબ મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરીશું.
એપીએલ કાર્ડમાંથી મે મહિનાનું અનાજ ઊપડી ગયું 
આણંદના નાપાડ ગામમાં મહેન્દ્ર ભોઈ સાથે પણ આવું થયું હતું. ભોઈએ ભાસ્કરને જણાવ્યું હતું કે, મારા એપીએલ કાર્ડમાંથી મે મહિનાનું અનાજ ઊપડી ગયું છે. જ્યારે મે તે લીધું જ નથી. મેં જિલ્લા અધિકારીને ફરિયાદ કરી છે. મને 29 મેના રોજ કલેક્ટર કચેરીએ બોલાવ્યો છે. 
તમે પણ આવી રીતે ચેક કરી શકો છો 
ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ભાગરૂપે તમારા કાર્ડમાંથી કેટલું અનાજ ઊપડ્યું તેની વિગતો ઓનલાઇન જોવાની સુવિધા આપી છે. જોકે કાર્ડ ધારકોમાં આ વિશે ઓછી જાગૃતિ છે. તમે પણ https://dcs-dof.gujarat.gov.in/live-info.htm લિન્ક પર જઈને તમારા કાર્ડ અને અન્ય વિગત નાખીને અનાજ ઇસ્યૂ થયું કે નહિ તે જોઈ શકો છો.

અન્ય સમાચારો પણ છે...