તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજુ ઘેરબેઠાં જ ભણજો:​​​​​​​સોમવારથી ફરી એકવાર ગુજરાતમાં સ્કૂલ-કોલેજોનું ઓનલાઇન શિક્ષણ શરૂ થશે, યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતીકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતીકાત્મક છે.
  • કેલેન્ડર મુજબ, UG સેમ 3 અને 5 તથા PG સેમ 3 માટે 7 જૂનથી ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે
  • ધો.10નું પરિણામ જાહેર ન થતાં ધોરણ 11માં પ્રવેશપ્રક્રિયા અને શિક્ષણકાર્યમાં વિલંબ થઈ શકે છે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવ્યું છે. હાલમાં શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, UG સેમ 3 અને 5 તથા PG સેમ 3 માટે 7 જૂનથી ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થશે. 1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી વેકેશન રહેશે, સાથે જ ગુજરાતની તમામ સ્કૂલોમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે.

પ્રથમ સેમેસ્ટર માટેની તારીખ પછી જાહેર થશે
કેલેન્ડર અનુસાર, પ્રથમ સત્રના અંત પહેલાં ટેસ્ટ, પ્રોજેક્ટ, વર્ક, ગ્રુપ ડિસ્કશન વગેરે યોજવાં. 1 ડિસેમ્બર સુધીમાં દ્વિતીય સત્ર શરૂ કરવું. 2022 ફેબ્રુઆરી માર્ચમાં ટેસ્ટ, પ્રોજેક્ટ, વર્ક, ગ્રુપ ડિસ્કશન પૂર્ણ કરવાં. 15 જૂન 2022 સુધીમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવું. હાલ ધોરણ 12નું પરિણામ બાકી હોવાને કારણે પ્રથમ સેમેસ્ટર માટેની તારીખ પછી જાહેર કરવામાં આવશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

7મી જૂનથી રાજ્યની તમામ સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ શરૂ
આગામી 7મી જૂનથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે છતાં ધોરણ 10ના માસ પ્રમોશન મેળવેલા 8.53 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાના કોઈ ઠેકાણા નથી, જેને કારણે ધોરણ 11માં વિદ્યાર્થીઓની પ્રવેશપ્રક્રિયા અને શિક્ષણકાર્યમાં વિલંબ થઈ શકે છે. સરકારે આ માટે રચેલી તજજ્ઞોની મીટિંગ માત્ર એક જ વખત યોજાઈ છે, ત્યારે આગામી સપ્તાહમાં મળનારી આ તજજ્ઞોની બેઠકમાં પરિણામને લઈ પોલિસી જાહેર કરવામાં આવશે.

માસ પ્રમોશન બાદ સંચાલકો મૂંઝવણમાં
આગામી 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થવાની છે. માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી તો તેમને માર્કશીટ અપાશે કે પછી માત્ર પ્રમાણપત્ર જ આપવામાં આવશે? આ સિવાય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ SSCની જે-તે વર્ષમાં અને જે બેઠક નંબરથી પરીક્ષા આપી હોય એની નોંધ લખાય છે. આ વખતે નોંધમાં માસ પ્રમોશન લખાશે કે કેમ? ધોરણ 10ની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે કે માત્ર પ્રમાણપત્ર? LCમાં શું લખાશે અને ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવો, એને લઈ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.

તસવીર પ્રતીકાત્મક છે
તસવીર પ્રતીકાત્મક છે

જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો.9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન:શરૂ કરવાની જાહેરાત કરી હતી.