ડોર ટુ ડમ્પ તેમ જ અન્ય રીતે એકત્ર થતો 4500 મેટ્રિક ટન કચરો પણ મ્યુનિ. માટે આવક અને રોજગારી પૂરી પાડતો વ્યવસાય બની ગયો છે. ડોર ટુ ડમ્પ દ્વારા એકત્ર થતાં 2 હજાર મેટ્રિક ટન જેટલાં વેસ્ટમાંથી 1 હજાર મેટ્રિક ટન જેટલું ખાતર બની રહ્યું છે. બીજી તરફ આ કામગીરીને કારણે 2600 લોકોને રોજગારી પણ મળી રહી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા ડોર ટુ ડોર, રસ્તા પર પડેલા અને ટ્રોલીમાં ફેંકવામાં આવતા દૈનિક 4500 મેટ્રિક ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવે છે, જેમાંથી ખાતર તેમ જ કન્સ્ટ્રક્શનના કચરામાંથી પેવર બ્લોક બનાવવામાં આવે છે. મ્યુનિ.ની 17 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ડિમોલશનમાંથી નીકળેલા કચરાને ભેગો કરીને પેવર બ્લોક બનાવતા એકમોને તે સુપ્રત કરવામાં આવે છે.
ત્યારબાદ મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક લગાવવા ઉપયોગ કરાય છે. મ્યુનિ. દ્વારા અત્યાર સુધીમાં પીરાણાના ડુંગરમાંથી નીકળેલા કચરા પૈકી 12 લાખ મેટ્રિક ટન જેટલી માટી તો રિવરફ્રન્ટ પર પુરાણ માટે આપવામાં આવી છે. 5 લાખ મેટ્રિક ટન માટી (ખાતર) કેટલાક ખેડૂતો ખેતરો માટે લઇ ગયા છે. મ્યુનિ. ગાર્ડન વિભાગે પણ 5 લાખ મેટ્રિકટન જેટલુ ખાતરનો ઉપયોગ કર્યો છે.
કન્સ્ટ્રક્શન સાઇટ પરથી 1400 મેટ્રિક ટન કચરો મળે છે
શહેરમાં રોજનો 2 હજાર મેટ્રિક ટન જેટલો કચરો નાગરિકો દ્વારા કરવામાં આવે છે, જેમાં ભીનો કચરો તેમ જ સૂકો કચરો હોય છે. ઉપરાંત રોડ પરથી 800 મેટ્રિક ટન જેટલો કચરો ઉઠાવવામાં આવે છે. 400 મેટ્રિક ટન જેટલો કચરો સિલ્વર ટ્રોલીમાંથી આવે છે. કન્સ્ટ્રકશન સાઇટ પરથી પણ 1400 મેટ્રિક ટન જેટલો કચરો નીકળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.