કોરોના સાથે સ્વાઈન ફ્લુનો ખતરો:અમદાવાદની સોલા સિવિલમાં સ્વાઈન ફ્લુના એક દર્દીનું મોત, બીજો દર્દી બાયપેપ પર સારવાર હેઠળ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે. બીજી તરફ શહેરમાં કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે. ત્યારે વાયરલ ઈન્ફેક્શનની પણ ફરિયાદો હોસ્પિટલોમાં જોવા મળી છે. ત્યારે શહેરમાં ફરિવાર લોકોને ફફડાટ થાય તેવા સમાચારો મળી રહ્યાં છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્વાઈન ફ્લુના એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ શહેરમાં દૂષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો પણ વક્યો છે.

દર્દીનું 28 તારીખે મોત નિપજ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં દર્દીનું 28 તારીખ ના રોજ મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે.

તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.કોરોના વાયરસ બાદ સ્વાઈન ફ્લુ કેસને લઈ સોલા સિવિલ હોસ્પિટલમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને સ્વાઈન ફ્લુ માટે A6 કરીને વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોલા સિવિલ ખાતે રહેતા તમામ દર્દીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર રૂટિન ટેસ્ટ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)સંચાલિત તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો, 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હવે મોટાભાગના પ્રાથમિક ટેસ્ટ થઈ શકશે. દર્દીના બ્લડ ટેસ્ટ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ અને ડાયરીયા સહિતના ટેસ્ટ મફતમાં કરાવી શકાશે. રૂ. 2 કરોડથી વધુના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર મશીનો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર સોનોગ્રાફી મશીન પણ મૂકી દેવામાં આવ્યા છે, જેથી હવે દર્દીઓને ક્યાંય બહાર સોનોગ્રાફી કરાવવાની જરૂર પડશે નહીં.

વિવિધ ટેસ્ટના મશીનો મંગાવાયા
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વિવિધ ટેસ્ટ માટેના મશીનો મૂકવા જોઈએ. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરતાં દરેક ટેસ્ટ માટેના મશીનો મંગાવવામાં આવ્યા હતા. જેના માટે હવે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર તાવ, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ચિકનગુનિયા સહિતના ટેસ્ટ માટેના મશીનો કાર્યરત થઇ ગયા છે. દર્દીઓને હવે પ્રાથમિક જે પણ ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે. હવે મફતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર કરી આપવામાં આવશે.

CBC મશીન 1.5 કરોડના ખર્ચે મૂકાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો ઉપર રેડ બ્લડ સેલ માપવા માટેના CBC મશીન રૂપિયા 1.5 કરોડના ખર્ચે મૂકવામાં આવ્યા છે. તાવ આવે ત્યારે રેડ બ્લડ સેલ માપવા માટે ઉપયોગમાં લેવાય છે. તમામ 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર ડેન્ગ્યુ અને ચીકનગુનિયા માટે પણ રૂપિયા 30 લાખના ખર્ચે મશીન મૂકવામાં આવ્યા છે. ડાયરીયા અને ટાઈફોઇડના ટેસ્ટ માટે ઇલેક્ટ્રોલ મશીનની જરૂર પડે છે. જે રૂપિયા 30 લાખના ખર્ચે તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનોગ્રાફી મશીન અને ડાયાબિટીસ માટેના પણ મશીનને ખરીદી કુલ 10 પ્રકારના રૂ. 2.5 કરોડના ખર્ચે આ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે.