તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રનો પોકાર:...એ વ્યક્તિની બેદરકારીથી મેં મારી માતા ગુમાવી, મારી આંખો સામે જ મારા પરિવારને કચડ્યો, પિતા-ભાઈઓનાં માથાં ફૂટ્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રનમાં એક જ પરિવારના 4 ઈજાગ્રસ્ત, એકનું મોત
  • મૃત્યુ પામનાર મહિલાના પુત્રએ એફઆઈઆર નોંધાવી છે
  • એફઆઈઆરમાં પુત્રના એક-એક શબ્દોથી માહોલ ગમગીન બની ગયો હતો

ગઈકાલે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી i20 કારે 5 લોકોને કચડ્યા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં મૃત્યુ પામનારી મહિલાના પુત્રએ એફઆઈઆર નોંધાવી છે, જેમાં તેણે પોતાની નજરે પોતાની માતાને કચડતા જોઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં પુત્રના એક-એક શબ્દથી માહોલ ગમગીન બની ગયો હતો, સાથે જ તેણે આરોપીઓને ઝડપથી પકડવા માટે પોલીસને દરખાસ્ત પણ કરી છે.

ઘટનામાં મૃત્યુ પામનારી મહિલાના પુત્રએ એફઆઈઆર નોંધાવી.
ઘટનામાં મૃત્યુ પામનારી મહિલાના પુત્રએ એફઆઈઆર નોંધાવી.

અચાનક આવેલી કારે મારા પરિવારને કચડી નાખ્યા
સમગ્ર ઘટના જણાવતાં પુત્રએ કહ્યું, અમે મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા આંબલી ખજૂરિયા ગામના વતની છીએ અને ઘણા સમયથી અમદાવાદમાં મજૂરીકામ કરવા માટે આવ્યા છીએ. અમે આખો દિવસ મજૂરીકામ કરી રાત્રે સમગ્ર પરિવાર ફૂટપાથ પર સૂઈ જઈએ છીએ. ગઈકાલે પણ અમે રાબેતા મુજબ જમીને ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા. ત્યારે અચાનક બે કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. એમાંથી એક કાર સીધી ફૂટપાથ પર ચઢી ગઈ અને મારી આંખોની સામે જ મારાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને કચડ્યાં હતાં, જેમા મારી માતાનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે મારા પિતા અને બે ભાઈઓને માથાંમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

આરોપીથી ઝડપી ધરપકડ કરી યોગ્ય સજા આપે: પોલીસને વિનંતી.
આરોપીથી ઝડપી ધરપકડ કરી યોગ્ય સજા આપે: પોલીસને વિનંતી.

કારચાલકની બેદરકારીને કારણે મેં મારી માતા ગુમાવી
અકસ્માત બાદ કારચાલક તો ફરાર થઈ ગયો હતો, પરંતુ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક 108ને ફોન કરીને બોલાવી હતી. ત્યાર બાદ 108 દ્વારા પિતા અને બે ભાઈઓને અસારવા સિવિલ સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યારે કારચાલકની બેદરકારીને કારણે મેં મારી માતાની છત્રછાયા ગુમાવી છે તેમજ પોલીસને વિનંતી છે કે આરોપીથી ઝડપી ધરપકડ કરી યોગ્ય સજા આપે. હાલમાં પરિવારના સભ્યો સિવિલમાંથી સારવાર લઈ પોતાના વતન દાહોદ જવા માટે નીકળી ગયા છે. બીજી તરફ, લોકોએ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

પોલીસ મીઠાખળી પાસેના સિદ્ધિગિરિ એપાર્ટમેન્ટમાં આવેલા શૈલેષ શાહના ઘરે પહોંચી હતી
પોલીસ મીઠાખળી પાસેના સિદ્ધિગિરિ એપાર્ટમેન્ટમાં આવેલા શૈલેષ શાહના ઘરે પહોંચી હતી

આરોપી શૈલેષ શાહ પરિવાર સાથે ફરાર
ગઈકાલે મોડી રાત્રે વેન્ટો અને i20 કાર વચ્ચે પૂરપાટ ઝડપે રેસ લાગી હતી, જેમાં અંદાજે 70-80ની સ્પીડે દોડતી i20 કારે અચાનક કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર ચઢી ગઈ હતી. એ સમયે ફૂટપાથ પર એક પરિવાર સૂતો હતો. i20 કાર ડ્રાઈવરે કુલ 5 લોકોને કચડી નાખ્યા હતા. આ કાર શૈલેષ શાહ નામની વ્યક્તિના નામે રજિસ્ટર છે. ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી દીધી હતી. પોલીસ મીઠાખળી પાસેના સિદ્ધિગિરિ એપાર્ટમેન્ટમાં આવેલા કાર માલિક શૈલેષ શાહના ઘરે પહોંચી હતી. પરંતુ શૈલેષ શાહનું ઘર બંધ હતું. શૈલેષ શાહ અને તેમનો પરિવાર એક જ રાતમાં ગાયબ થઈ ગયા હતા. પોલીસે આસપાસના લોકોને પરિવાર વિશે પૂછપરછ પણ કરી, જોકે કોઈએ પણ તેમના વિશે કોઈ જાણકારી આપી ન હતી.