AMCનો નિર્ણય:ઓનલાઈન અભ્યાસમાં રહી ગયેલી કચાશ દૂર કરવા સ્કૂલોમાં એક કલાક વધુ ભણાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક્સ્ટ્રા ટાઇમમાં એવાં પ્રકરણ પર ભાર મુકાશે જે આગલા ધોરણ માટે મહત્ત્વના હોય

ઓનલાઇન એજ્યુકેશનને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઇ છે. જે વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ કે ઇન્ટરનેટની સુવિધા ન હતી તેમનું શિક્ષણ કાચું રહ્યું છે. આ કમી દૂર કરવા માટે મ્યુનિ. સ્કૂલોમાં નિયત સમય કરતા એક કલાક વધુ શિક્ષણકાર્ય ચાલશે. જેથી ઓનલાઇન શિક્ષણમાં જે ગેપ રહ્યો છે તેને દૂર કરી શકાય. હાલમાં એક કલાકનો સમય વધારો શિક્ષકો માટે સ્વૈચ્છિક છે.

સુવિધાના અભાવે ઘણા બાળકો ઓનલાઇન એજ્યુકેશનથી જ દૂર રહ્યાં છે. આ બાળકોને આગળના અભ્યાસ પર અસર ન થાય અને શિક્ષણનો પાયો નબળો ન રહે તે માટે શિક્ષણ વિભાગે શિક્ષકો સ્કૂલમાં વધુ સમય પસાર કરે તે માટે સ્કૂલના સમયમાં એક કલાકનો વધારો કર્યો છે. ખાસ કરીને એવા મુદ્દા પર ધ્યાન અપાશે કે જે મુદ્દા વિદ્યાર્થીઓ માટે અઘરા હોય અને આગળના ધોરણોમાં પણ આ મુદ્દા પરથી પ્રકરણો તૈયાર થયેલા હોય. મ્યુનિ.સ્કૂલોના શાસનાધિકારી એલ.ડી દેસાઈએ જણાવ્યું હતું કે, બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખીને દરેક સ્કૂલો એક કલાક વધારે ચલાવાશે. આ પ્રક્રિયા સ્વૈચ્છિક છે, પરંતુ મોટાભાગના શિક્ષકો જોડાયા છે.

શિક્ષકોની અછત મોટી સમસ્યા છે
મ્યુનિ.ની સ્કૂલો માટે શિક્ષકોની કમી મોટી સમસ્યા છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં કાયમી શિક્ષકોની અછતથી એક શિક્ષકે બે વર્ગો પણ સંભાળવા પડે છે. આ સ્થિતિમાં પરિણામ સુધારવા માટે શિક્ષકોની સંખ્યા પૂરી કરવી મુખ્ય ચેલેંજ રહેશે.

યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં રીડિંગ ટાઇમ 12 કલાક રહેશે
વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે તે હેેતુસર ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય લાઈબ્રેરી અને સરદાર પટેલ વાંચન કેન્દ્રમાં વાંચન માટેનો સમયગાળો અનુક્રમે 12 કલાક, 14. 50 કલાક કરાયો છે. યુનિવર્સિટીના ઈનચાર્જ લાઈબ્રેરીયન ડો. યોગેશ પારેખના જણાવ્યા પ્રમાણે, યુનિવર્સિટીની મુખ્ય લાઈબ્રેરીના મધ્યસ્થ વાંચન કેન્દ્રનો સમયગાળો અગાઉ સવારે 8થી સાંજે 6 સુધી હતો જે હવે સવારે 8થી રાત્રે 8 સુધીનો રહેશે. સરદાર પટેલ વાંચન કેન્દ્રનો સમય સવારે 8થી રાત્રે 10.30 સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...