ગાંધીનગર મ્યુનિ. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા 41 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની એફિડેવિટમાં એક સરખો 1,33,380 રૂપિયાનો ખર્ચ જાહેર કર્યો હતો. જેને ચૂંટણી આયોગે માન્ય પણ કરી દીધો હતો. આ સંદર્ભે રાજ્ય ચૂંટણી કમિશન અને કલેક્ટર ગાંધીનગર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ગુરૂવારે ફરિયાદીઓને પુરાવા સાથે કલેક્ટરે બોલાવ્યા હતા અને 23 જૂનના રોજ ફરિયાદીઓને પુન: હાજર થવા જણાવ્યું છે.
મહાનગર પાલિકાની ચૂંટણીની પૂર્ણ થયે આશરે સાત મહિના જેટલો થયો છે અને તેની ફરિયાદ થયે ચાર મહિના થયા છે. આટલો સમય વીતી જવા છતાં રાજ્ય ચૂંટણી કમિશન અને કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્ય ફરિયાદી સંતોષસિંહ રાઠોડ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધીઓ કલેક્ટર સમક્ષ ચૂંટણી ખર્ચની વિગતોની ચકાસણી કરી નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી રહ્યાં છે.
ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવારોએ ખોટો ખર્ચ રજૂ કરી ચૂંટણીના નિયમોનો ભંગ કર્યો છે. ચૂંટણી પંચ પાસે લોકોને પારદર્શકતાની અપેક્ષા હોય છે, પણ કમનસીબે આ વિભાગ પણ સત્તા પાર્ટીનો હાથો બને તે દુ:ખની વાત છે. ખર્ચ નિરીક્ષકે પણ ગંભીર વિષય પર ધ્યાન આપ્યું નહોતું.
બંને પક્ષને સાંભળી રિપોર્ટ તૈયાર કરાશે
ગાંધીનગર મ્યુનિ. ચૂંટણીમાં ઉમેદવારોએ ખર્ચ છૂપાવ્યાની ફરિયાદ આવી છે. ફરિયાદીઓને ગુરૂવારે પુરાવા સાથે બોલાવાયા અને વધુ પુરાવા રજૂ કરવા વધુ એક મુદત આપાઈ છે. તપાસ ચાલી રહી છે. બંને પક્ષે રજૂઆત સાંભળીને રિપોર્ટ તૈયાર કરાશે. > કુલદીપ આર્યે, કલેક્ટર ગાંધીનગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.