હાર્દિક પટેલનો પત્ર:'ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમથી કંટાળી દર વર્ષે દસ લાખ વિદ્યાર્થીઓ વિદેશ જાય છે'

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલની ફાઈલ તસવીર
  • છેલ્લા પાંચ વર્ષમાં વિદેશ જવાની બાબતમાં 20થી 30%નો સરેરાશ ઉછાળો આવ્યો
  • ટીવી ચેનલોએ મંદિર-મસ્જિદના મુદ્દા છોડી દેશને ભવિષ્યમાં બુદ્ધિધનથી વંચિત કરનારા વિષય પર કામ કરવું જોઈએ

ભારત છોડીને વિદેશમાં ભણવા જવાનો અને પછી ત્યાં જ સેટલ થવાનો ટ્રેન્ડ વિદ્યાર્થીઓમાં વધારે જોવા મળી રહ્યો છે. તેમાં પણ કોરોના બાદથી આ ટ્રેન્ડમાં ખાસ્સો વધારો થયો છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, યુ.કે સહિતના દેશોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે જતા હોય છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ મુદ્દે પત્ર લખીને દેશમાં કોમવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે સરકાર પર પ્રહાર કરી સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ આ મુદ્દે સંસદ અને વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ તેમ કહ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓના વિદેશ જવામાં 20થી 30 ટકાનો ઉછાળો
હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, યુનેસ્કોએ જાહેર કરેલા આંકડા મુજબ, ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમથી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાના પાક્કા ઈરાદા સાથે અભ્યાસ અર્થે જાય છે. એક વિદ્યાર્થીનો સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો 25 લાખ ગણો તો આ હજારો કરોડનો બિઝનેસ છે. છેલ્લા પાંચ વર્ષમાં વિદેશ જવાની બાબતમાં 20થી 30%નો સરેરાશ ઉછાળો આવ્યો છે તેની પાછળ કયાં પરિબળો જવાબદાર છે તે ચર્ચાનો વિષય છે.

હાર્દિક પટેલનો પત્ર
હાર્દિક પટેલનો પત્ર

'મોટી સંખ્યામાં બ્રેઈન વિદેશમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે'

પત્રમાં આગળ લખ્યું છે, બહુ મોટી સંખ્યામાં બ્રેઈન વિદેશમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે તેની કોઈને ચિંતા નથી. ખરેખર આ પ્રશ્ન દેશની સંસદ અને વિધાનસભામાં ચર્ચાવો જોઈએ કે આ દેશના પ્રતિભાશાળી યુવાનો આ દેશમાં શા માટે રહેવા નથી ઈચ્છતા? પરંતુ સંસદ અને વિધાનસભામાં બિરાજતા માનનીય અભણ કક્ષાના મહાનુભાવો માટે એ અગત્યની બાબત ન હોય તે સમજી શકાય છે. વિશ્વગુરુની ફાંકા ફોજદારી અને વોટ્સએપ યુનિવર્સિટીમાં ભ્રમણાઓ ફેલાવવાથી ખરેખર દેશ મહાન બની જતો નથી એવી વરવી વાસ્તવિક્તા છે.

વિદ્યાર્થીઓને જાતિવાદ કે કોમવાદથી ઉપર માણસને માણસ તરીકે ટ્રિટ કરતા દેશો આકર્ષી રહ્યા છે
હાર્દિક વધુમાં કહે છે, ભારતની મૂડી મોટા પ્રમાણમાં અભ્યાસના નામે વિદેશોમાં ઠલવાઈ રહી છે અને વિદેશોની યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ આ અબજોના ટર્નઓવર માટે પાથરે છે એ હકીકત છે. ભારતીય વિદ્યાર્થીઓને પણ નહીવત ભ્રષ્ટાચાર અને નહીવત ગુનાખોરી ધરાવતા તેમજ કોમવાદ કે જાતિવાદની માનસિકતાથી ઉપર ઉઠીને માણસને માત્ર માણસ તરીકે ટ્રીટ કરતા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશો આકર્ષી રહ્યા છે. પ્રતિભાશાળી અને તાર્કિક યુવાનોને દેશમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી એ હકીકત છે જેનો ઈનકાર થઈ શકે તેમ નથી. ટીવી ચેનલોએ મંદિર-મસ્જિદના મુદ્દા છોડી ખરેખર દેશને ભવિષ્યમાં બુદ્ધિધનથી વંચિત કરી દેનારા વિષય પર કામ કરવું જોઈએ પરંતુ તે નહીં કરે કારણ કે લોકો જાગૃત થઈ જાય તો પછી તેમના આકાઓની ઘેટાશાહી થોડી ચાલે?