અમદાવાદીનું ક્રિપ્ટોમાં મૂડીરોકાણ:પાન પાર્લર, દૂધ, શાકભાજી, કરિયાણાના વેપારી સહિત 10 લાખ લોકોએ રોકાણ કર્યું

અમદાવાદ9 મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
 • કૉપી લિંક
વિદેશમાં ક્રિપ્ટો એટીએમની શરૂઆત થઇ ગઇ છે. ભવિષ્યમાં ભારતમાં પણ ક્રિપ્ટો એટીએમ આવે તો નવાઇ નહીં. - Divya Bhaskar
વિદેશમાં ક્રિપ્ટો એટીએમની શરૂઆત થઇ ગઇ છે. ભવિષ્યમાં ભારતમાં પણ ક્રિપ્ટો એટીએમ આવે તો નવાઇ નહીં.
 • ગુજરાતના અંદાજે 75 લાખ ક્રિપ્ટો ઇન્વેસ્ટરમાં મહિલાઓ ઉપરાંત 21થી 35 વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે
 • ઊંચા વળતરની ગણતરીએ લોકોએ હજારોથી માંડી લાખો રૂપિયા સુધીનું રોકાણ વિવિધ ક્રિપ્ટો કોઈનમાં કર્યું છે
 • ક્રિપ્ટો કરન્સીની સંપૂર્ણ લેવડદેવડ એક સિક્રેટ કોડથી થતી હોય છે

અમદાવાદમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા લોકોનો આંક 10 લાખથી પણ વધુ છે. સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 75 લાખ લોકોએ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ રોકાણકારોમાં માત્ર ઉદ્યોગ અગ્રણીઓ જ નહીં પરંતુ પાન પાર્લર, લોન્ડ્રી ઓનર, દૂધ-શાકભાજીના વેપારી, કરિયાણાના વેપારી, કારીગર વર્ગ અને નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે. ક્રિપ્ટોમાં મૂડી નાખનારી મહિલા રોકાણકારોની સંખ્યા પણ ઘણી વધુ છે. રોકાણકારોએ તેમની આર્થિક ક્ષમતા મુજબ હજારોથી માંડી લાખો સુધીમાં નાણાં રોક્યા છે.

અમદાવાદના ક્રિપ્ટો ગુરુ મોહિત ભાડેશિયાએ આપેલી માહિતી મુજબ, ક્રિપ્ટો કરન્સીની શરૂઆત દેશમાં 2008થી થઈ હતી. 2021ના અંત સુધીમાં દેશભરમાંથી લગભગ 2 કરોડ લોકોએ અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું આ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ થયું છે. આ કરન્સીમાં રોકાણ કરનારામાં 21થી 35 વયજૂથના લોકો સૌથી વધારે છે. વિશ્વભરમાં ક્રિપ્ટો કરન્સીના 15 હજારથી પણ વધુ કોઈન માર્કેટમાં ઉપલબ્ધ છે. કયા ક્રિપ્ટોમાં રોકાણથી વધુ વળતર મળશે તે કોઈ ચોક્કસ પણ કહી શકતું નથી.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા બજેટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિજિટલ કરન્સી લોંચ કરશે તેવી જાહેરાત થઈ હતી. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર રોકાણ સામે પ્રમાણમાં ઊંચું વળતર મળતું હોવાથી યુવા રોકાણકારો વધુ આકર્ષાયા છે. જોકે આ કરન્સીમાં રોકાણના જોખમી પાસા પણ ઓછા નથી. હાલ ક્રિપ્ટો કરન્સીને દેશમાં કોઈ માન્યતા નથી. મની ટ્રાન્સફર થાય ત્યારે બેંક પાસે સંપૂર્ણ માહિતી હોય છે પરંતુ ક્રિપ્ટો કરન્સીનો એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે હાથ બદલો થાય તેની જાણ કોઈને હોતી નથી. સંપૂર્ણ લેવડદેવડ એક સિક્રેટ કોડથી કરવામાં આવતી હોય છે. આ રોકાણકારો અંગેની માહિતી કોઈપણ બેંક કે નાણા સંસ્થા પાસે હોતી નથી.

આ કારણે પસંદગી

 • રોકાણ અંગેની માહિતી અલગ અલગ બ્લોકમાં એનક્રિપ્ટેડ સ્વરૂપે છે
 • ક્રિપ્ટો બ્લોકચેઇન ટેકનોલોજી આધારિત છે.
 • 2008થી કાર્યરત બ્લોકચેઇન સલામત ટેકનોલોજી છે. આમાં માહિતી અલગ અલગ બ્લોકમાં એન્ક્રિપ્ટેડ મોડમાં હોવાથી તે હેક કરવી બજુ જ જટિલ હોવાનું માનવામાં આવે છે.
 • બ્લોકચેઇન ટેકનોલોજી એક સિક્યોર અને સેફ ટેકનોલોજી છે, ઓટોમેટિક સેટ કરી શકાય છે. જેના લીધે નુકશાનની શક્યતા રહેતી નથી.
 • બ્લોકનો ડેટા દુનિયાના દરેક બ્લોક ચેઇન ટેકનોલોજીના સર્વરમાં હોવાથી ભવિષ્યમાં કોઇ દેશમાં કુદરતી આફત આવે તો પણ આ ડેટા દુનિયામાં બીજા કોઇ સર્વરમાં સુરક્ષિત રહેતો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
 • ડિજિટલ સ્વરૂપમાં રોકવામાં આવતા ક્રિપ્ટો કરન્સીની નકલ બનાવી શકાતી નથી.
 • ઇન્વેસ્ટમેન્ટનો ફિગર ક્રિપ્ટો વોલેટમાં જ જોઇ શકાય છે.તેની પણ નકલ બની શકતી નથી.

રોકાણમાં જોખમ પણ રહેલું છે

 • સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં કોઇ વ્યક્તિ કે સંસ્થા દ્વારા તેને નિયંત્રિત કરાય છે.
 • બેંકના આર્થિક વ્યવહારની જેમ ક્રિપ્ટોની લેવડ-દેવડ થતી નથી પણ સિક્રેટ કોડથી થાય છે.
 • કરન્સી પર સરકારનું નિયંત્રણ ન હોવાથી ગેરકાયદે કામો કરવામાં પણ ઉયોગ થાય છે.
 • ચલણી નોટ પ્રિન્ટ કરવા માટે પેપર અને ઇંકની જરૂર પડે પણ ક્રિપ્ટોમાં નેટની જરૂર રહે છે.
 • સાચી સમજણ અને એક્સપર્ટની સલાહ વગર ક્રિપ્ટોને કરન્સીમાં રોકાણ કરવું હિતાવહ નથી.
 • ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણ અને વેપાર બજારના જોખમને આધીન હોય છે.
 • છેલ્લા બજેટમાં કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર 30 ટકા ટેક્સ લાદ્યો છે.

યોગ્ય નિયમન થાય તો લોકોને શેરબજાર જેવો વિકલ્પ મળી શકે

 • હું છેલ્લા છ મહિનાથી જ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરું છું. બ્લોક ચેઇન સિસ્ટમ મને યોગ્ય લાગે છે. સરકાર પણ વિચારી રહે છે એટલે ભવિષ્યમાં લોકોને ઇન્વેસ્ટ માટે એક રસ્તો ખુલશે. જેમાં લોકોને વળતર મળવાની પણ આશા રહેશે. - મીતેષ પ્રજાપતિ, પ્રોવિઝન સ્ટોર, થલતેજ
 • નોટબંધીમાં ડિજિટલ પેમેન્ટ કરતા શીખી ગયો હતો. એક વર્ષ અગાઉથી ક્રિપ્ટોનો અભ્યાસ કરતો હતો. મિનિમમ રોકાણથી બજારમાં પ્રવેશ કરી શકાતું હોવાથી હાલ સામાન્ય રોકાણ કર્યું છે. છ માસથી ઇન્વેસ્ટમેન્ટ છે. સામાન્ય વળતર મળે છે. - હર્ષદ સીતાપરા, સલૂન, સોલા​​​​​​​
 • ક્રિપ્ટોકરન્સી અંગે જાણ્યા બાદ રસ પડ્યો હતો. આ પછી દસથી પંદર હજારથી શરૂઆત કરી હતી. સરકાર તરફથી ક્રિપ્ટો કરન્સીનો અમલ કરાશે તો અમારા જેવા નાના વેપારીઓનું રોકાણ વધશે અને સાથો સાથ ક્રિપ્ટો ઇન્વેસ્ટમાં વધુ લોકો પણ જોડાશે. - નીતા ઠકકર, પ્રાઇવેટ જોબ, નારણપુરા
 • વર્ષ 2018થી ઇન્વેસ્ટ કરું છું. નવી કરન્સી આવે તો ઓછું રોકાણ કરું છું. વધુ ફાયદો થયો નથી પણ નુકશાન પણ થયું નથી. માર્કેટ અપડાઉન રહે છે. નિતી નિયમો સાથે અમલ થાય તો લોકોને શેરબજારની જેમ બીજો ઓપ્શન મળી રહેશે. - અવનિ પટેલ, ફેશન ડિઝાઇનર, બોપલ
અન્ય સમાચારો પણ છે...