ભરભાદરવે અમદાવાદમાં આબુ જેવો માહોલ:ગુજરાતમાં આગામી 12 કલાકમાં ભારે વરસાદની શક્યતા,અમદાવાદમાં ધોધમાર વરસાદ, ગોઠણબૂડ પાણી ભરાયાં

અમદાવાદ17 દિવસ પહેલા

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છેલ્લા પાંચ દિવસથી છે. એની વચ્ચે અમદાવાદમાં બપોરે કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. બપોરે રાતના અંધારા જેવી સ્થિતિ જોવા મળી છે અને કાળાં ડિબાંગ વાદળો છવાયાં બાદ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બપોરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની બ્રિજ પાસે આવેલા કોમ્પ્લેક્સની પાછળના રોડ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયાં હતાં અને વાહનોનાં ટાયર અડધા ડૂબી ગયાં હતાં. કેટલાક વાહનચાલકોના વાહનો પણ બંધ પડી ગયાં હતાં માનસી સર્કલથી કેશવબાગ તરફ જવાના રોડ પર પણ પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી 12 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

આ વિસ્તારોમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ
શહેરના એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, મણિનગર, વટવા, રામોલ, નિકોલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ચાંદખેડામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા કે કે નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

પશ્ચિમ ઝોનમાં સીઝનનો 43થી વધુ ઇંચ વરસાદ
માત્ર પશ્ચિમ ઝોનમાં સીઝનનો 43 ઈંચ વરસાદ પડી ગયો છે. સાંજે આવેલા ધોધમારને લીધે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરની 28 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યારસુધીમાં 37 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. પાલડી, આશ્રમ રોડ, વાસણા, વેજલપુર, એલિસબ્રિજ જેવા વિસ્તારોમાં 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

હજુ બેથી ત્રણ દિવસ વરસાદની આગાહીઃ હવામાન નિષ્ણાત
રવિવારે વાસણા બેરેજનું લેવલ 135.75 ફૂટ નોંધાયું હતું. સાંજે ચાર વાગે બેરેજ ખાતે 2382 ક્યુસેક પાણીની આવક તથા 2267 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ હતી. બેરેજનો એક ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી ઝાપટાંથી લઈને થંડર સ્ટોર્મની છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે, રવિવારે મોન્સૂન ટ્રફ નલિયા-ભુજથી પસાર થઈને આ વિસ્તારની સાથે રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયો છે, જેને પગલે અમદાવાદમાં સાંજ પડતાં પવનની ગતિ 15થી 20 કિલોમીટરના સામાન્ય પવનો અને 30 કિલોમીટરની ગતિના ઝાટકાના પવનો ફૂંકાયા હતા. વિઝિબિલિટી 4 કિમીથી ઘટીને 2 કિલોમીટરની થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...