ચાંદલોડિયામાં રેલવેના ગરનાળા પાસે 1.38 લાખ ચરસના જથ્થા સાથે એસઓજીની ટીમે એક યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી ચરસનો જથ્થો સિમલા ખાતે રહેતા યુવક પાસેથી લાવીને સોલામાં રહેતા યુવકને આપવાનો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું. આ મામલે એસઓજીની ટીમે બંનેની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શખ્સને 922 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડ્યો
એસઓજી ક્રાઈમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મેહુલ પંડ્યા નામના શખ્સને 922 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે ચરસનો જથ્થો સોલા ખાતે રહેતા બકુલભાઈ સાધુએ મગાવ્યો હોવાથી આરોપી સિમલા ગયો હતો, જ્યાં તેને સુરજસિંગ નામની વ્યક્તિએ ચરસનો જથ્થો આપ્યો હોવાનું જણાવ્યંુ હતું. આથી આ મામલે એસઓજીની ટીમે સુરજસિંગ અને બકુલભાઈ સાધુની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના જથ્થો જપ્ત કર્યો
વૈષ્ણોદેવી સર્કલ પાસે પાર્સલની આડમાં 24 દારૂની બોટલ તથા બીયરના 120 ટિન સાથે ટ્રક સહિત કુલ રૂ.3.88 લાખનો મુદ્દામાલ સોલા પોલીસે જપ્ત કર્યો હતો. ટ્રકમાં કુરિયર પાર્સલની આડમાં કેટલોક દારૂનો જથ્થો વૈષ્ણોદેવી સર્કલ તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે પોલીસે ટ્રક રોકી તપાસ કરતા દારૂની 24 બોટલો તથા 120 બીયરનાં ટિન મળ્યાં હતાં.
પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ.3.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાનું નામ દિલીપભાઈ મેઘવાણા જણાવ્યું હતું. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે દિલીપની સઘન પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.