ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનની પેટર્ન પણ જોવા મળે છે. છેલ્લા 4 ટર્મની ચૂંટણીમાં 10 એવી વિધાનસભા બેઠકો છે. જેમાં 5 વર્ષ બાદ મતદારો પ્રતિનિધિને બદલી જ નાખે છે. જેથી 2022ની વિધાનસભામાં જે પક્ષના ઉમેદવારો ગત ટર્મમાં વિજેતા થયા છે તેમને જોખમ તો ખરું જ!
એકવાર સત્તા ભોગવ્યા બાદ 5 વર્ષે ગેપ તો મળે જ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પોતાની સુરક્ષિત બેઠકો સિવાયની એવી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે જ્યાં ગત ચૂંટણીમાં પાતળી સરસાઈ હોય અથવા પોતાની જીતનો માર્ગ મોકળો થઇ શકે તેમ હોય. જોકે બન્ને પક્ષના ગણિતને બગાડી નાંખે તેવી 10 બેઠકો છે. જ્યાં સારા માર્જિનથી પક્ષ કે ઉમેદવાર જીત્યો હોય તો પણ બીજી ચૂંટણીમાં એ ઉમેદવાર કે પક્ષ રિપીટ થતો નથી. એકવાર સત્તા ભોગવ્યા બાદ પાંચ વર્ષ બાદ જ ભાજપ કે કોંગ્રેસ સત્તા પર પરત ફરી શકે છે.
રાજસ્થાનની ચૂંટણીમાં જોવા મળતો ટ્રેન્ડ 10 બેઠકો પર જોવા મળે છે
રાજસ્થાનમાં પણ કોઇ પક્ષ સળંગ સત્તા ભોગવી શકતો નથી. ત્યાંના મતદાતાઓ દર પાંચ વર્ષે સરકાર બદલી નાંખે છે. તેવી જ રીતે ગુજરાતની 10 બેઠકો પર પણ નાગરિકો કોઇ ધારાસભ્યને સળંગ સત્તાનો સ્વાદ ચાખવા દેતા નથી. દર ચૂંટણીએ ત્યાં નવા ધારાસભ્યની પસંદગી પ્રજા દ્વારા કરવામાં આવે છે.
ભાજપની વિધાનસભા બેઠકોમાં ઘટાડો
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જેટલી પણ ચૂંટણી રાજ્યમાં યોજાઈ તેમાં ભાજપનો વિજય થયો છે. જોકે, ભાજપની બેઠકો ઉત્તરોતર ઘટતી રહી છે. 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007માં 117, 2012માં 115 અને 2017માં 99 બેઠક મળી હતી. વિજય તો મળ્યો છે પણ બેઠકો ઘટી રહી છે તે પાર્ટી માટે ચિંતાનો વિષય બની ગયો છે.
આમ આદમી પાર્ટીનો વધતો ફેલાવ
સોશિયલ મીડિયાથી લઈને રસ્તે ઊતરવા સુધી આમ આદમી પાર્ટીની 2022 માટેની ચૂંટણી સક્રિયતા ઊડીને આંખે વળગે છે. મફત વીજળીનો વાયદો અને સૌરાષ્ટ્રથી લઈને આદિવાસી પટ્ટા સુધી દિલ્લીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની રેલીએ જનતાનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ કોંગ્રેસને 2017 કરતાં પણ વધુ સીમિત કરી દેશે તેવી શક્યતાઓ રહેલી છે.
કોંગ્રેસની વિધાનસભા બેઠકોમાં વધારો
2017માં કોંગ્રેસે 77 બેઠકો મેળવીને ભાજપને હંફાવી દીધો હતો. 2002થી કોંગ્રેસની બેઠકો વિધાનસભા ચૂંટણીમાં વધી છે. 2002માં 51, 2007માં 59, 2012માં 61 અને 2017માં 77 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. 2017માં પાટીદાર અનામત આંદોલનના કારણે જ 77 બેઠકો મેળવવામાં કોંગ્રેસ સફળ રહી હોવાનું વિશેષજ્ઞો માની રહ્યા છે. જોકે, આ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.