ઉજવણી:કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિન નિમિત્તે 21 ફૂટના મંચ ઉપર શાકભાજીનો મનોરથ ધરાવાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુમકુમ સ્વામિનારાયણ મંદિરની તસવીર - Divya Bhaskar
કુમકુમ સ્વામિનારાયણ મંદિરની તસવીર
  • શાકભાજીના મનોરથના 15મી નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી દર્શન કરી શકાશે
  • કુમકુમ મંદિર દ્વારા શ્રી જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૭ મી જયંતી ઉજવાશે

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિન નિમિત્તે 21 ફૂટના મંચ ઉપર શાકભાજીનો મનોરથ ધરાવામાં આવશે. જેના દર્શન 15મી નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી કરી શકાશે. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન પણ કરવામાં આવશે. જ્યારે 15 અને 16 નવેમ્બરના દિવસે જીવનપ્રાણ બાપાશ્રીની 177મી જંયતી ઉજવાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. 15ના રોજ સવારે 8 થી 10 અને બપોરે 2 થી 8 સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવશે. સવારે 9 વાગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની 4 x 3 ફૂટની વિશાળ પ્રતિકૃતિનું પૂજન અર્ચન કરવામાં આવશે. આ ગ્રંથ 1232 પેજનો છે. જેની રચના સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કરેલી છે.

આ રાત્રે 8 થી 9.30 સુધી જીવનપ્રાણ બાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ પ્રસંગે બાળકો દ્વારા નૃત્યગાન આદિ વિવિધ કાર્યક્રમો યોજાશે. 16મીના રોજ સવારે 5થી 7.30 સુધી જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. આ પ્રસંગે સંતો દ્વારા મહિમા ગાન કરવામાં આવશે અને અંતમાં મહંત સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.

આ પ્રસંગનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સ્વામી પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કારતક સુદ એકાદશીના દિવસે શ્રી રામાનંદ સ્વામીએ સંવત 1857ની સાલમાં પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણીને ભાગવતી દિક્ષા આપીને “શ્રી સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ” એવા બે મંગળકારી નામો પાડ્યા હતા. સંવત 1858માં શ્રી રામાનંદ સ્વામીએ જેતપુરમાં સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી હતી. તેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારતક સુદ એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. આજ દિવસે શ્રીજી સંકલ્પમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીનું પ્રાગટ્ય થયું હતું અને શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સંતની દીક્ષા ગ્રહણ કરી હતી તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં કારતક સુદ એકાદશી મોટો ઉત્સવ ઉજવવાની પ્રણાલિકા છે.