ઘરે આવેલી 'લક્ષ્મી'ને જાકારો:અમદાવાદમાં દિવાળીની રાત્રે બસ સ્ટેન્ડ નીચે ત્યજેલી હાલતમાં નવજાત મળી, રડતી બાળકીનો અવાજ સાંભળી દુકાનદાર મદદે દોડ્યો

અમદાવાદએક મહિનો પહેલા
તરછોડાયેલી નવજાત બાળકીની તસવીર
  • એ.એમ.ટી.એસ બસ સ્ટોપની લોંખડની બેન્ચ નીચે નવજાત બાળકી રડી રહી હતી
  • પોલીસ નવજાત બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ

દિવાળીની રાતે સામાન્ય રીતે લોકો મા લક્ષ્મીની આરાધના કરીને તેમને ઘરે આવવા આજીજી કરે છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લક્ષ્મી સ્વરૂપ એક બાળકી રજળતી હતી. નવજાત બાળકીને કોઈ રસ્તાની બાજુમાં આવેલા બસ સ્ટોપની નીચે મૂકીને જતું રહ્યું હતું. એક તરફ લોકો લક્ષ્મીને વધાવવા માટે પ્રયાસ કરતા હતા ત્યારે આ દિકરી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી. કોઈ દુકાનદારે આ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.

રાતના અંધારામાં બસ સ્ટેન્ડ નીચે બાળકી રડી રહી હતી
દિવાળીની રાતે સમગ્ર દેશ ઝગમગાટ સાથે નવા વર્ષના વધામણાં કરવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. મોટાભાગના પરિવાર પોતાના ઘરમાં મા લક્ષ્મી પૂજા આરાધના કરી રહ્યા હતા પણ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એ.એમ.ટી.એસ બસ સ્ટોપની લોંખડની બેન્ચ નીચે નવજાત બાળકી રડી રહી હતી. કોઈ અજાણી વ્યક્તિ આ બાળકીને કપડામાં લપેટીને નાખી ગઈ હતી.

ઘરે જતા દુકાનદારે બાળકીને બચાવી
રાતના 12 વાગે ફટકડાનો અવાજ આવતો હતો. લોકો પોતાના ઘરે આનંદ ઉત્સાહમાં હતા. ત્યારે કૃષ્ણનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પકજભાઈ જૈન પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ જતા હતા. એવામાં નાના બાળકો તેમની પાસે આવ્યા અને કહ્યું કે અહીંયા કોઈનો રડવાનો અવાજ આવે છે.

નવજાતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
પંકજભાઈએ ત્યાં જઈને જોયું તો ત્યાં એક કપડામાં તાજી જન્મેલી બાળકી હતી. બસ સ્ટોપની લોખંડ બેન્ચ નીચે આ બાળકીને જોઈને પંકજભાઈએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને 108ની ટીમ ત્યાં પહોંચી હતી. બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. જ્યારે બાળકીને કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ આડાસંબંધોથી જન્મેલા સંતાનને તરછોડવાની ઘટના બની ચૂકી છે
નોંધનીય છે કે, ગત મહિને જ અમદાવાદમાં આડાસંબંધો દ્વારા થયેલા સંતાનને તરછોડવાના બે કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં પહેલા કિસ્સામાં મહેંદી પેથાણી અને સચિન દીક્ષિત પ્રેમપ્રકરણમાં મહેંદી કુંવારી માતા બની અને ત્યાર બાદ પ્રેમી સચિને દીકરા શિવાંશને તરછોડ્યો હતો. શિવાંશને તરછોડવાના 6 દિવસમાં અમદાવાદમાં બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શહેરના વેજલપુરના શ્રીનંદનગર એપાર્ટમેન્ટની સીડીમાં બાળક રડવાનો અવાજ આવતો હતો, જેથી આસપાસ રહેતી મહિલાએ બહાર આવીને જોયું તો એક નવજાત બાળક રડી રહ્યું હતું. સ્થાનિકોએ આ મહિલાને પકડી લેતા તે કુંવારી માતા બનતાં બાળક તરછોડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.