અમદાવાદમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની વારંવાર દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરની સાલ કોલેજમાં બનેલા કિસ્સાએ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાડ્યું છે. કોલેજમાં વિદ્યાર્થિનીની હાજરી મુદ્દે રજૂઆત કરવા ગયેલા ABVPના કાર્યકરોએ મહિલા આચાર્યા સાથે બોલાચાલી કરી હતી. તેમને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર પણ કર્યાં હતાં. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે.
કોલેજનાં આચાર્યાને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર કરાયાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાલ એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની હાજરી પૂરતી નહીં હોવાથી કોલેજનાં આચાર્યા મોનિકા સ્વામીએ વિદ્યાર્થિનીના વાલીને જાણ કરી હતી અને કોલેજમાં મળવા આવવા જણાવ્યું હતું, જેથી આ બાબતે વિદ્યાર્થિનીએ ABVPને જાણ કરી હતી અને ABVPના ટેક્નિકલ કોલેજના વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલ પોતાના કાર્યકરો સાથે સાલ કોલેજનાં આચાર્યાને રજૂઆત કરવા ગયા હતા. આચાર્યાને રજૂઆત કરતાં કરતાં મામલો એટલો ઉગ્ર બન્યો કે ABVPના કાર્યકરોએ દાદાગીરીથી મહિલા આચાર્ય મોનિકા ગોસ્વામીને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર કર્યાં હતાં.
ઘટના અંગે શું કહ્યું કોલેજના પ્રિન્સિપાલે?
કોલેજના પ્રિન્સિપાલે કહ્યું હતું કે,અમે અહીં દર મહિને હાજરીની સમીક્ષા કરીએ છીએ. એમાં જે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોય છે. તેવા વિદ્યાર્થીઓના વાલીઓને અમે કોલેજમાં બોલાવીએ છીએ. તેમની સામેજ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીએ છીએ. તમે એક સારી કોલેજમાં એડમિશન લીધું છે. તમારી હાજરી ઓછી કેમ છે. તમને કંઈ સમજવામાં તકલીફ છે. આવા સવાલો કરીને તેમને શું તકલીફ છે તેની માહિતી લઈએ છીએ. આમાં ઘણા વાલીઓ એવું કહે છે કે અમારા બાળકો તો ઘરેથી સમયસર નીકળી જાય છે. તે લોકો કોલેજમાં આવવાની જગ્યાએ ક્યાં જાય છે.
અમે વાલીઓને તેમના બાળકો શું કરી રહ્યાં છે તેની તકેદારી રાખવા જણાવીએ છીએ. પરંતુ આ જે ઘટના બની તેમાં પણ હાજરીનો જ મુદ્દો હતો. હવે તેઓ ABVPને જણાવે છે. આ ABVPના કાર્યકરો મારી પાસે આવ્યાં હતાં. મારી કેબિનમાં એકસો પચાસથી વધારે લોકો ભેગા થયાં હતાં. શરૂઆતમાં આ લોકો થોડા એગ્રેસિવ હતાં. આ લોકોમાં કેટલા ABVPના લોકો હતાં એ મને નથી ખબર. અમે તેમને શરૂઆતમાં શાંતિથી સમજાવ્યાં હતાં. તેમણે શાંતિથી સાંભળ્યું હતું. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા હતાં જેઓ અમારી કોલેજના નહોતા. કેટલાક વિદ્યાર્થીઓએ અમારી સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું.
બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
લોકોની એટલી ભીડ તથા ડરને કારણે આચાર્યાએ વિદ્યાર્થિનીને હાથ જોડીને પગે લાગ્યાં હતાં. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ABVPના ઇન્સ્ટાગ્રામના પેજ પર પણ વીડિયો વાઇરલ થયો છે. જોકે કોલેજ દ્વારા આ મામલે કોઇ કાયદેસરની કાર્યવાહી કે અન્ય પગલાં લેવામાં આવ્યાં નહોતાં. આ અંગે મહિલા પ્રિન્સિપાલ મોનિકા ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાજરી ઓછી હોવાને કારણે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ABVPના વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા હતા, જેમણે ધમાલ કરી હતી. અમુક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જ આવે છે, પરંતુ અમુક તોફાની પણ હોય છે.
સાલ કોલેજ કેમ્પસમાં થયેલી ઘટના નિંદનીય: ABVP
ABVPના મહાનગર મંત્રીએ પ્રાર્થના અમીને જણાવ્યું હતું કે સાલ કોલેજ કેમ્પસમાં થયેલી ઘટના નિંદનીય છે. કાર્યકર્તાઓ દ્વારા ભૂલ થઈ છે. આવી કોઈપણ ઘટનાનું ABVP સમર્થન કરતું નથી. ABVPનું પ્રતિનિધિમંડળ આચાર્યા સાથે મળીને પોતાની ભૂલનો સ્વીકાર પણ કરશે. આ સમગ્ર વિષયમાં સંડોવાયેલા કાર્યકર્તા અક્ષત જયસ્વાલને પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા દરેક જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી છે. આ અંગે NSUI ના નેતા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે ABVP દ્વારા દાદાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેમાં GLS કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. ABVP પોતાનું વર્ચસ્વ જમાવવા આ પ્રકારે દાદાગીરી કરી રહ્યું છે. આ પ્રકારની ઘટના બદલ પોલીસ ફરિયાદ થવી જોઈએ. NSUI આ મામલે ઉગ્ર વિરોધ પણ કરશે.
કોલેજમાં હંગામો કરનારા નેતા અક્ષત જયસ્વાલની હકાલપટ્ટી કરી ABVPએ કહ્યું, ‘ઘટના શરમજનક’
એબીવીપીએ અક્ષત જયસ્વાલને વિદ્યાર્થી પરિષદની દરેદ જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. એબીવીપીએ કહ્યું છે કે, સાલ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી અને પ્રિન્સિપાલ વચ્ચે થયેલા રજૂઆતોનો વિડીયો વાઈરલ થયો. જેમાં ગુરુઓ વિદ્યાર્થિનીના પગ પકડતા નજરે પડે છે. આ બાબતે એબીવીપીના મહાનગર મંત્રી પ્રાર્થના અમીનના નેતૃત્વમાં પ્રાધ્યાપકોને મળીને ભૂલનો સ્વીકાર કરશે. પ્રાર્થના અમીને કહ્યું છે કે, સાલ કોલેજ કેમ્પસમાં બનેલી ઘટના ભૂલ ભરેલી છે.
નિયમ મુજબ 75 ટકા હાજરી ન હોવાથી બોલાવ્યા તો ઓફિસમાં તોફાન મચાવ્યું
75 ટકા હાજરી ન હોવાથી કેટલાક વિદ્યાર્થીના વાલીઓને બોલાવ્યા હતા. મુઠ્ઠીભર વિદ્યાર્થીને આ પસંદ ન આવતા એબીવીપીના 100 કાર્યકરે પ્રિન્સિપાલની ઓફિસમાં ઘુસી તોફાન મચાવ્યું હતું. > ડો. મોનિકા ગોસ્વામી, પ્રિન્સિપાલ, સાલ કોલેજ
લાંછનરૂપ કૃત્ય કરનારા નેતાઓ અને કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરો
આજની ઘટનાએ ગુરુ-શિષ્યના સંબંધ પર લાંછન લગાડ્યું છે. એબીવીપીના કાર્યકરોએ મહિલા આચાર્યને વિદ્યાર્થિની પગ પકડવા મજબુર કર્યા હતા. આવા વર્તન બદલ પોલીસ ફરિયાદ થવી જોઈએ. > ભાવિક સોલંકી, રાષ્ટ્રીય સંયોજક,એનએસયુઆઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.