રખડતા ઢોર:રખડતાં ઢોર મુદ્દે કમિશનરે અધિકારીઓને ટપારી કહ્યું, કોર્ટમાં અમારે નીચું જોવું પડે છે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રિવ્યૂમાં CNCD વિભાગનો કમિશનરે ઉધડો લીધો, અડધો કલાકમાં રિપોર્ટ માગ્યો
  • ઢોર અંગેના 97 સ્પોટ નક્કી કર્યા છે, તમે એકેય જગ્યાએ જતા નથી, તમારી પાસે કોઈ જવાબ નથી

અમદાવાદ મ્યુનિ. કમિશનરે કોર્પોરેશનની બુધવારની રિવ્યૂ મિટિંગમાં રખડતા ઢોર મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો હતો. 21 નવેમ્બરે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હતી. જોકે વકીલોની હડતાળ હોવાથી કેસ ચાલવા પર આવ્યો નહોતો. હવે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં સુનાવણી યોજાશે. રિવ્યૂ મીટિંગમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને અધિકારીઓને પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે કોર્ટમાં સબમિશન કરવાનું હોય ત્યારે મ્યુનિ. ના સીએનસીડી વિભાગ પાસે કોઈ નક્કર જવાબ હોતો નથી. આ કારણે કોર્ટમાં મ્યુનિ. માટે નીચા જોણા જેવી સ્થિતિ થાય છે.

શહેરમાં ઢોર નિયંત્રણ કરવાની જવાબદારી ડે. મ્યુનિ. કમિશનર આર.એ. મેરજા અને એચઓડી નરેશ રાજપૂતની છે. મ્યુનિ. એ કોર્ટમાં 97 સ્પોટ નક્કી કર્યાં છે ત્યાં રોજેરોજ વિઝિટ કરી રિપોર્ટ રજૂ કરવા અધિકારીઓને સૂચના આપેલી છે, પણ ડે. મ્યુનિ. કમિશનર અથવા એચઓડી એક પણ ફિલ્ડમાં જતા નથી. અધિકારીઓએ મોનિટરિંગની જવાબદારી ઝોન સ્તરના કર્મચારી પર નાખી દીધી છે. મ્યુનિ. કમિશનરે એક ક્ષણે નરેશ રાજપૂતને મીટિંગમાંથી નીકળી જઈ અડધા કલાકમાં રિપોર્ટ રજૂ કરવા કહી દીધું હતું. જોકે તેઓ ગયા નહોતા.

મ્યુનિ. સૂત્રો કહે છે કે, દરેક રિવ્યૂ મીટિંગમાં સીએનસીડીના મુદ્દે ચર્ચા થાય છે, પણ અધિકારીઓ ગોળગોળ જવાબ આપીને તંત્રને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કમિશનરે એવું પણ કહ્યું હતું કે, આટલી બધી મશીનરી છે છતાં તમે રોજ 50થી 55 ઢોર જ પકડો છો.

માલિકો ઢોર પાર્ટી સાથે ઘર્ષણ કરે છે છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી
મ્યુનિ. ઢોરવાડાથી પોલીસ પાર્ટી નીકળે તેની જાણ વોટ્સએપથી ઢોરમાલિકોને પહોંચાડી દેવાય છે. રોડ પર પોલીસ પાર્ટી નીકળતી હોય ત્યારે આજુબાજુમાં લાકડી લઈને બાઈકો ચાલતા હોય છે અને કામગીરીમાં દખલગીરી કરતા હોય છે. રોડ પર બાઈકના ટોળેટોળા નીકળે તે રાહદારીઓ માટે જોખમી છે, પણ મ્યુનિ. અથવા પોલીસ ખાતું આવા લોકો સામે કોઈ જ પગલાં લેતું નથી.

અન્ય સમાચારો પણ છે...