દોસ્ત બન્યા રાજકીય દુશ્મન:કોંગ્રેસ પરના આક્ષેપો મુદ્દે મેવાણીએ હાર્દિક પટેલને બરાબરના ઘેર્યા, એક-એક મુદ્દો પકડીને આ 7 આક્ષેપના જવાબો આપ્યા

અમદાવાદ3 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીના વર્ષમાં ગુજરાતમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. એમાં પણ હાર્દિકે એક બાદ એક નિવેદનો કરી રાજકીય હલચલ મચાવી દીધી છે. હાર્દિક પટેલે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સામે બાંયો ચડાવી છે. 19 એપ્રિલે તેણે પ્રેસ-કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર જાતિવાદથી લઈ ગુજરાતવિરોધી હોવાના આક્ષેપો કર્યા છે. હાર્દિકે એક બાદ એક સનસનાટીપૂર્ણ આક્ષેપો કરતાં કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઈ છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને જવાબો આપવામાં આવી રહ્યા છે. આજે જિજ્ઞેશ મેવાણીએ હાર્દિકના એક-એક સવાલના જવાબો આપ્યા છે. આમ, હાર્દિક અને જિજ્ઞેશ સામસામે આવી ગયા છે.

કોંગ્રેસ સામે વાંધો હોઈ શકે, પણ ગુજરાતવિરોધી ન ચિતરોઃ મેવાણી
હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા ગુજરાતવિરોધી છે, જેના જવાબમાં મેવાણી કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતવિરોધી પાર્ટી છે એવું કહો એ યોગ્ય નથી. તમને કોંગ્રેસ સામે કોઈ વાંધો વિરોધ થઈ શકે, એને કારણે તમે ગુજરાતવિરોધી અને દેશવિરોધી ચિતરવાની વાત કરો.

‘ચિકન-સેન્ડવિચ એ કંઈ દલીલનો મુદ્દો હોઈ શકે?’
રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને હાર્દિકે કહ્યું હતું કે ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓ તેમની કાન ભંભેરણી કરવાનું કામ કરે છે. તેઓ રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે તેઓ તેમની સમક્ષ ગુજરાતના મુદ્દાઓની ચર્ચા નથી કરતા, પણ રૂમમાં બેસીને એ ચિંતન કરે કે રાહુલ ગાંધીને આજે કઈ ચિકન-સેન્ડવિચ આપવાની છે? કયો ડાયટ કોક આપવાનો છે? હાર્દિકના આ આક્ષેપના જવાબમાં મેવાણીએ કહ્યું હતું કે રાજીનામું આપતી વખતે વચ્ચે ચિકન-સેન્ડવિચ કંઈ દલીલનો મુદ્દો હોઈ શકે?

‘તમને પંપાળ્યા, સ્ટાર પ્રચારક બનાવ્યા’
હાર્દિકે કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કરવાનું જ કામ કરે છે. મેં મારા જીવનનાં 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. તેના જવાબમાં મેવાણીએ કહ્યું હતું કે તમે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરો? જે માણસે તમને પ્રેમ આપ્યો, જે માણસ સાથે તમારી એક્સેસ હતી, હું કહું બહુ મોટા લીડર્સની પણ પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે એક્સેસ હતી, મારી પણ નથી હોતી. 26-27 વર્ષની ઉંમરે તમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા, તમને પંપાળ્યા, સ્ટાર પ્રચારક બનાવ્યા. આ બધું છતાં તમારી નાની માગણી ના સંતોષાય એને કારણે કોંગ્રેસમાં ના રહી શકો તો ગરિમાપૂર્ણ રીતે છોડી શકાય. અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી, પણ તેણે ગરિમાપૂર્ણ રીતે છોડી છે.

‘આંદોલન સમયે ભાજપ સરકારની પોલીસ ફટકા વીંઝતી હતી’
પાટીદારોને અનામત આપવા મામલે હાર્દિકે કહ્યું હતું કે 10 ટકા અનામત હોય, બિનઅનામત આયોગ હોય કે 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના હોય એ આ સત્તામાં બેઠેલા લોકોએ જ આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું હતું? જેના જવાબમાં મેવાણીએ કહ્યું હતું કે પાટીદાર સમાજને સરકારે મોટું મન રાખીને અનામત આપી એવું બોલ્યા. ભાઈ, સરકારે કોઈ મોટું મન નથી રાખ્યું. પાટીદાર સમાજે 14 યુવાન ગુમાવ્યા છે. તમારા પર 32 કેસ કર્યા છે. ખોટા કેસ કર્યા છે. જ્યારે ભાજપ સરકારની પોલીસ તમારા પર ફટકા વીંઝતી હતી ત્યારે સરકારે કોઈ મોટું મન નથી રાખ્યું, અત્યારે કેમ પ્રીતિ બતાવો છો?

‘તમે ક્યાંક ને ક્યાંક વિચારધારા સાથે સમાધાન કરી રહ્યા છો’
હાર્દિકે કહ્યું હતું કે કોંગ્રેસને અદાણી અને અંબાણી સામે જ કેમ વાંધો છે? વર્ષોથી તેમને ટાર્ગેટ કરવામાં આવે છે, જેના જવાબમાં મેવાણીએ કહ્યું હતુંકે તમને પ્રેસ-કોન્ફરન્સમાં અદાણી અને અંબાણી પ્રત્યે કેમ પ્રેમ થઈ ગયો એ સમજાતું નથી. તમે ક્યાંક ને ક્યાંક વિચારધારા સાથે સમાધાન કરી રહ્યા છો.

‘તમે જે ભાષાનો પ્રયોગ કરો છો એ બંધ કરી દો’
હાર્દિક પટેલે કોંગ્રેસને જાતિવાદી પાર્ટી ગણાવતાં કહ્યું કે કોંગ્રેસ પોતે કોમવાદી અને જાતિવાદી પાર્ટી છે. કોંગ્રેસ જાતિવાદનું રાજકારણ સત્તા માટે તો રમે જ છે, પરંતુ તે પોતે પણ કોમવાદ અને જાતિવાદથી ભરેલી છે. કોંગ્રેસની અંદરની પણ દરેક નિમણૂકમાં આ જાતિવાદ હાવી રહે છે. કોંગ્રેસમાં જાતિવાદ હોવા અંગે મેવાણીએ જવાબ આપતાં કહ્યું હતું કે તમે ત્રણ વર્ષ કોંગ્રેસમાં રહ્યા અને નેતૃત્વના શીર્ષ પર હતા ત્યારે વાંધો વિરોધ ન દેખાયો. કોંગ્રેસે ચિંતન નહીં, ચિંતા કરવાની જરૂર છે એવા હાર્દિકના નિવેદન અંગે જણાવ્યું હતું કે ચિંતા પણ કરીશું, ચિંતન પણ કરીશું, તમે જે ભાષાનો પ્રયોગ કરો છો એ બંધ કરી દો.

અન્ય સમાચારો પણ છે...