તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ગુજરાતમાં પ્રથમ દિવસે 61 હજાર નાગરિકોને રસી, રૂપાણી 15 દિવસ પછી રસી લેશે

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં નાગરિકોને કોરોના સામેની રસી આપવાના અભિયાનની શરૂઆત સોમવારથી થઇ છે અને દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 61,254 નાગરિકોએ રસી લીધી છે. સરકારે 60 વર્ષથી ઉપરના અને 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતાં લોકો માટે રસીકરણનો આ તબક્કો શરૂ કર્યો છે જેમાં ગુજરાતમાં 2,195 સરકારી અને 534 ખાનગી દવાખાનાઓમાં રસીકરણ શરૂ કરાયું છે. રાજ્ય સરકારના આયોજન અને તૈયારી પ્રમાણે દરેક જિલ્લામાં લગભગ 5,000 લોકોને એક દિવસમાં રસી આપવામાં આવે તે પ્રકારે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

આ પ્રમાણે પહેલા જ દિવસે 1.50 લાખ નાગરિકોને રસી મૂકવાનું લક્ષ્ય હતું પરંતુ તેની સામે માત્ર 61,000 જેટલાં એટલે કે માંડ 50 ટકા નાગરિકોએ રસી લીધી છે. ગુજરાતમાં પ્રાથમિક અંદાજ મુજબ કુલ 1.10 કરોડ નાગરિકોને રસી આપવાનું લક્ષ્યાંક છે. આ જોતાં રોજના એક લાખ લેખે રસી અપાય તો પણ ઓછામાં ઓછું 100 દિવસ કરતાં વધુ રસીકરણ અભિયાન ચલાવવું પડશે. જો કે જે રીતે આંકડો સામે આવ્યો છે તે જોઇએ તો 200 દિવસથી વધુ રસીકરણ ઝુંબેશ ચલાવવી પડશે.

રાજ્યના આરોગ્ય વિભાગે એ આંકડો જાહેર કર્યો નથી કે કેટલાં નાગરિકોએ સરકારી હોસ્પિટલોમાં રસી લીધી અને કેટલાં નાગરિકોએ ખાનગી હોસ્પિટલોમાં રસી લીધી. પરંતુ પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ ગાંધીનગરની એક ફાઇવસ્ટાર કક્ષાની ખાનગી હોસ્પિટલમાં જઇને રસી લીધી હતી.

રૂપાણી પંદર દિવસ પછી રસી લેશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં જ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે તેથી હાલ કોરોના સામેની રસી લીધી નથી પરંતુ તેઓ પંદર દિવસ પછી રસી લેશે. રાજ્યના અમુક સાંસદોએ પણ રસી લીધી હતી જેમાં સૂરતના દર્શના જરદોશ અને અમરેલીના નારણ કાછડિયાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી તથા ગાંધીનગર સાંસદ અમિત શાહે દિલ્હીમાં રસી લીધી હતી.

મોદીએ રસી લઇ સંશય દૂર કર્યાં લોકોને પ્રેરણા આપી, પણ ગુજરાતના કોઇ મંત્રીએ બોધ ન લીધો રસીકરણ મુદ્દે પત્રકારો સાથે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઇમ્સમાં રસી લઇને રસી વિરુદ્ધ ચાલતાં અપપ્રચારને જવાબ આપ્યો છે. આના થકી અન્ય નાગરિકોને પણ રસી લેવાની પ્રેરણા મળશે. જો કે વડાપ્રધાનમાંથી પ્રેરણા લઇને ગુજરાતના એક પણ મંત્રી કે ધારાસભ્યએ રસી લીધી નહીં. નીતિન પટેલે તેમ જણાવ્યું કે ગુજરાતના ધારાસભ્યો પોતાની અનુકૂળતા અને ઇચ્છા મુજબ રસી લેશે.

60 વર્ષથી વધુ વયના આ મંત્રીઓએ રસી નથી લીધી

 • મુખ્યમંત્રી વિજય રૂપાણી
 • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
 • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
 • કૃષિમંત્રી આર સી ફળદુ
 • ઊર્જા મંત્રી સૌરભ પટેલ
 • પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા
 • મહેસૂલ મંત્રી કૌશિક પટેલ
 • શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર

રાજ્ય મંત્રીઓ

 • યોગેશ પટેલ
 • રમણ પાટકર
 • વાસણ આહીર
 • બચુભાઇ ખાબડ
 • વિભાવરીબેન દવે
અન્ય સમાચારો પણ છે...