એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવ શ્રેણીની ઉજવણીનાં પાંચમાં દિવસે જીટીયુના કુલપતી નવીન શેઠ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી નીતિન પેથાણી મુખ્ય વક્તાઓ તરીકે હતા.
ડૉ.શેઠે કહ્યું હતુ કે ભારત દેશની આઝાદી પહેલા તથા પછી દેશમાં વિજ્ઞાન તથા ટેકનોલોજીનો વિકાસ થયો હતો. આર્યભટ્ટથી અબ્દુલ કલામ સુધીના વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રગતિમાં પોતાનો સિંહફાળો આપ્યો છે. પ્રિ.પેથાણીએ આઝાદીના ઈતિહાસ વિશે કહ્યું હતુ કે, ખરેખર આઝાદીના ચળવળની શરૂઆત પ્લાસીના યુદ્ધથી થઇ છે. ત્યારબાદ ૧૮૫૭ના આંદોલને આઝાદી મેળવવા તરફનો પ્રયાસ હતો. અંગ્રેજોએ આપણા આઝાદીની ચળવળના ઈતિહાસને ખોટી રીતે રજૂ કરીને આપણને ગેરમાર્ગે દોર્યા છે. આપણી આઝાદી મેળવવા પાછળ એવા કેટલાય સપૂતોએ પોતાનું બલીદાન આપ્યું છે જેના વિશે આપણે સંપૂર્ણ બેખબર છીએ. જે યોગ્ય નથી જે સમાજ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તેનું પતન થાય છે.
કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે, પ્રમાણિકતાથી ટેક્ષ ભરવો પણ દેશપ્રેમ છે. ભારતના નાગરીક તરીકે વફાદારીપૂર્વક દેશ પ્રત્યેની ફરજ બજાવવી પણ દેશપ્રેમ છે. ભારત દેશના આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયિકતાને વરેલા આપણા બંધારણને ભારતનો દરેક નાગરીક પ્રમાણિકતાથી તેનો અમલ કરશે તેવા પ્રણ સાથે આઝાદીના લડવૈયાઓના સપનાનાં ભારતનું નિર્માણ થવું જોઈએ. જીએલએસ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.ભાલચંદ્ર જોષીએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.