ઠંડીનું જોર વધશે:ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે કાતિલ ઠંડીની આગાહી, પતંગ રસિયાઓ આ વખતે પવનથી નિરાશ નહીં થાય, 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • હવામાન વિભાગે ઉત્તરાયણના બે દિવસ પહેલાં કાતિલ ઠંડીની આગાહી કરી
  • અંબાલાલ પટેલે 18થી 20 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરી

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતની ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓની સવારના સમયમાં મજા બગડી શકે છે. 14મી જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓની મજા બગડશે નહીં. આ વખતે 14 જાન્યુઆરીએ 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

પવની સાથે કાતિલ ઠંડી પડશે
હવામાન વિભાગના મતે, આજે અને આવતીકાલે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ રહેશે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. કેટલાક જિલ્લામાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા છે. એ ઉપરાંત ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 30થી 33 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

અંબાલાલ પટેલની 18થી 20 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી
રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે, જે આવતીકાલે 13 જાન્યુઆરી સુધી રહેશે. ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.

માવઠાથી રવી પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોને ચિંતા ( પ્રતીકાત્મક તસવીર)
માવઠાથી રવી પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોને ચિંતા ( પ્રતીકાત્મક તસવીર)

ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની અસરથી લોકો થથર્યા
ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ઠંડીનો અસહ્ય ચમકારો જોવા મળી રહ્યો છે. મંગળવારે ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડતાં લોકો ઠંડીથી ત્રસ્ત બન્યા હતા. મંગળવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ગત સપ્તાહ કરતાં પાંચથી સાત ડીગ્રી તાપમાન ગગડતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આજથી લઘુતમ તાપમાનના પારામાં એક ડીગ્રીનો વધારો થશે. એનાથી ઠંડીથી સામાન્ય રાહત મળશે. ઉત્તરાયણ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફર જોવા મળશે નહિ. એવું હવામાન વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે.

રાજ્યમાં સૌથી વધુ ઠંડી આ શહેરોમાં પડી રહી છે

શહેરડીગ્રી
નલિયા5.8
કેશોદ7.8
ગાંધીનગર8.3
વડોદરા9
વ.વિદ્યાનગર9.1
રાજકોટ9.2
કંડલા એરપોર્ટ9.7
સુરેન્દ્રનગર9.7
ડીસા9.9
ભુજ10
અન્ય સમાચારો પણ છે...