હત્યાનો બનાવ:અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
ડાબેથી પરેશ ઠાકોર(મૃતક), જમણે આરોપી

અમદાવાદમાં સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી ગંભીર ગુનામાં પરિણમવાના અનેક બનાવો સામે આવતાં હોય છે. ત્યારે શહેરમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરી નાંખવાનો બનાવ બન્યો છે. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો.

સમાધાન થયા બાદ હૂમલો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના માધુપુરાના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે કે રક્ષાબંધનના દિવસે તમામ પરિવારજનો ઘરે ભેગા થયા હતા. ત્યારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોરને ત્યાં રહેતા હિમાંશુ ઉર્ફે ભેમા રાવતની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો. જેમાં પરેશે બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતને ગાળાગાળી બંધ કરવા કહ્યું હતું જે બાદમાં હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

પરિવારે પરેશનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો
બીજા દિવસે પરેશ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે. પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જોયું તો પરેશ બાઇક લઈને ઊભા હતા ચાલીના નાકાની બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો. હિમાંશું રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો.પરેશને સારવાર માટે ખસેડતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા બાદ આરોપી ના પકડાતા પરિવારે પરેશનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...