હાઇકોર્ટની સરકારને ટકોર:'વાવાઝોડું આવવાનું છે, અમુક વિસ્તાર પ્રભાવિત થવાના હશે, એના કારણે આખા રાજ્યમાં રસીકરણ બંધ રાખવાની જરૂર નથી'

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર.
  • રેમડેસિવિરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજ્યની નીચલી ડિમાન્ડ છે તે શા માટે પૂરી નથી થઈ રહી?: હાઇકોર્ટ
  • સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં: હાઇકોર્ટ
  • રોજના 25 હજાર રેમડેસિવિરની જરૂર છે, સામે 16115 જેટલા ઇન્જેક્શન જ આવે છે: જસ્ટિસ કારીયા
  • શું ઇન્જેક્શનના અભાવે સરકાર દર્દીઓને મરવા દેશે? : જસ્ટિસ કારીયા

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારે ફ્રન્ટલાઈન વર્કર્સની સાથે નારી સંરક્ષણ ગૃહ, વૃદ્ધાશ્રમ સહીતમાં વેક્સિન માટે ભાર મૂકવા સાથે ત્રીજી લહેરને લઈને કેવી તૈયારીઓ છે તેના પર સવાલ કર્યા હતા. સરકારના આયોજનના ભાગરૂપે રજૂ કરાયેલા સોગંદનામાની સામે સિનિયર વકીલોએ રજૂઆત કરી હતી. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, કોરોનાની ચેન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી તેમજ લીડરશિપનો અભાવ છે. લીડરશિપ એવી જોઈએ કે જે આગામી સમયની સ્થિતિને સમજી પગલાં લઇ શકે, પણ એવાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ટેસ્ટિંગમાં વગર કોઈ કારણે ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

કોરોનાની ત્રીજી વેવને લઈને તૈયારી કેવી છે?
કોરોનાની બીજી વેવને લઈને રાજ્યમાં દવાઓ, ઓક્સિજન તથા ઈન્જેક્શન સહિતની અછત સર્જાઈ હતી. એક્સપર્ટ્સ મુજબ, હજુ ત્રીજી લહેર પણ આવશે. એવામાં હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ પૂછ્યો હતો કે, ત્રીજી વેવ માટે સરકારની કેવી તૈયારીઓ છે? જો હમણાં ઓક્સિજન, દવાઓની અછત થાય છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો? શું પ્લાન છે ત્રીજી વેવ માટે? હાઈકોર્ટે સરકારે ફ્રન્ટલાઈન વર્કર્સની સાથે નારી સંરક્ષણ ગૃહ, વૃદ્ધાશ્રમ સહીતમાં વેક્સિન માટે ભાર મુકવાનું સુચન કર્યું છે. જેનો સરકારે જવાબ આપ્યો કે, વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. 18 અને 45 થી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરુ કર્યું છે. સૌને ઝડપી વેક્સિન મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

'માત્ર કાગળ પર કામ ન થવું જોઈએ'
એડવોકેટ જનરલે ટેસ્ટિંગ પર જણાવ્યું હતું કે, 26 માંથી 15 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે. 6 યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે. રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માંગ ઘટી છે. હાઈકોર્ટે સરકારને કહ્યું, માત્ર કાગળ પર કામ ન થવું જોઈએ, જમીની હકીકતમાં પણ ટેસ્ટિંગ થવા જોઈએ. જ્યાં પુરતી સુવિધાઓ નથી અને ગ્રામીણ વિસ્તારમાં કેસો વધી રહ્યા છે તેના માટે શું કરી રહ્યા છો? પૂરતી વિગતો સોગંદનામું કરીને રજૂ કરો.

'એક એક ગામમાં રોજના 4થી 5 લોકો મરે છે'
જસ્ટિસ ભાર્ગવ કારીયાએ સરકારને સવાલ કર્યો હતો કે, રોજના 25 હજાર રેમડેસિવિરની જરૂર છે. સામે 16115 જેટલા ઇન્જેક્શન જ આવે છે. શું ઇન્જેક્શનના અભાવે સરકાર દર્દીઓને મરવા દેશે? આ પ્રશ્નનો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ આપવો પડશે. તેમણે વધુમાં કહ્યું, અમારી માહિતી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના 4 થી 5 લોકો મરે છે. એમના ટેસ્ટ થયા નથી હોતા. એમને ટેસ્ટ કરાવવાની જાણકારી પણ હોતી નથી. તેના માટે સરકાર શું કરી રહી છે?

'કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કો-ઓર્ડીનેશન દેખાતું નથી'
હાઇકોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, રેમડેસિવિરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજ્યની નીચલી ડિમાન્ડ છે તે શા માટે પૂરી નથી થઈ રહી? ઇન્જેક્શનના અભાવે આવા દર્દીઓને મરવા છોડી દેવા યોગ્ય નહીં. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કો-ઓર્ડીનેશન દેખાતું નથી. સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં. ગ્રામીણ વિસ્તાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

બેડની ઉપલબ્ધિનો રિયલ ટાઈમ ડેટા હજુ ઉપલબ્ધ નથી
જસ્ટિસ ભાર્ગવ કારીયાએ જણાવ્યું કે, બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ થતો નથી. મેં પોતે 12 કલાક સુધી જાતે ચેક કર્યું, પરંતુ કોર્પોરેશનની કે સરકારી હોસ્પિટલ ના ડેટા અપડેટ થતા નથી. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેના માટેની શું તૈયારી છે તેની પણ વિગતો સરકાર જણાવે. કોઈ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માંગતી હોય અને દાખલ થઈ હોય તો તેને ઇન્જેક્શન ક્યાંથી લેવા? વાવાઝોડું આવાનું છે, એના કારણે આખા રાજ્યમાં રસીકરણ બંધ રાખવાની જરૂર નથી. સાથે જ સરકાર હંગામી ધોરણે મ્યુકર માઇકોસિસને 'નોટિફાયબલ ડીસીઝ' જાહેર કરે એવી એડવોકેટ અમિત પંચાલની રજૂઆત કરી હતી.

રાજ્યમાં 1.47 કરોડ લોકોનું વેક્સિનેશન
એડવોકેટ જનરલે કહ્યું, રાજ્યમાં 1.47 કરોડ લોકોનું વેક્સિનેશન થયું છે. સાથે જ 1,14,730 ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. હાલની સ્થિતિ માટે પૂરતો સ્ટોક છે અને ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં મફત સારવાર અપાય છે.

આશા વર્કર અને MBBSના વિદ્યાર્થીઓને રસી અપાય
આશા વર્કર અને એમબીબીએસમાં ભણતા વિદ્યાર્થીઓ જેમને કોવિડની કામગીરી સોંપાઈ છે. તેમનું રસીકરણ પ્રાથમિક ધોરણે કરવામાં આવે તેવી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ છે. સાથે જ સરકાર પારદર્શી રીતે કામ કરે એવી હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની રજૂઆત છે.

સરકાર માત્ર પેચવર્કનું કામ કરે છે
સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર માહિતી આપવામાં માત્ર પેચવર્કનું કામ કરી રહી છે. સુનાવણી દરમિયાન જો કોઈ પ્રશ્ન થાય તો સરકાર માત્ર એ જ માહિતી આપે છે; સંપૂર્ણ માહિતી આપતી નથી.

ડેશબોર્ડ પર રિયલ ટાઈમ અને ચોક્કસ માહિતી આવી જોઈએ
એડવોકેટ પર્સી કવીનાએ વધુમાં જણાવ્યું હતું કે રિયલ ટાઈમ પર માત્ર બેડની જ નહીં, પણ તમામ માહિતી ડેશબોર્ડ પર મુકાવવી જોઈએ. માત્ર કેટલાં બેડ ખાલી છે એના કરતાં ઓક્સિજનનાં બેડ, વેન્ટિલેટરનાં બેડની પણ માહિતી હોવી જોઈએ. ઘણી જગ્યાએ માત્ર બેડ છે, જ્યાં કોઈ MBBS ડોક્ટર નથી. માહિતી એટલે મેડિકલ સ્ટાફ, બેડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ.

રેમડેસિવિરની વ્યવસ્થાને લઇ કરાયા પ્રશ્નો
એડવોકેટ મિહિર ઠાકોરે જણાવ્યું કે, કોઈ પણ દવા સમયે મળવી જરૂરી છે. હાલ રેમડેસિવિરનો આજે ઓર્ડર કરવો તો બીજા દિવસે દવા મળે છે. બીજી તરફ એડવોકેટ પર્સી કાવીનાએ રજૂઆત કરી હતી કે દર્દીઓને જયારે ડોક્ટર રેમડેસિવિર દવાની માંગ કરે છે તેઓ અહીં તહીંથી વ્યવસ્થા કરે છે. અને પોલીસ તેમને બ્લેક માર્કેટિંગમાં પકડે છે. તેમના ઉપર FIR કરે છે. મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન ઘણા મોંઘા છે. એક ઇન્જેક્શન 7000નું આવે છે. દર્દીને 100 જેટલા ઇન્જેક્શન આપવા પડે છે. હાલ સરકાર 5000 જેટલા ઇન્જેક્શન ધરાવે છે, એવામાં ઇન્જેક્શન ઓછા છે અને દર્દીઓ વધુ છે.