• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • On September 11, Prime Minister Modi Will Make A Virtual Inauguration Of Sardardham In Ahmedabad And Also E bhumi Pujan Of Kanya Hostel.

લોકાર્પણ:11 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદાવાદમાં સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું પણ ઇ- ભૂમિપૂજન કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
સરદાર ધામની બાજુમાં છાત્રાલય બનશે
  • સરદારધામ"નું અંદાજીત રૂ.200 કરોડના ખર્ચે આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ કરાયું છે.
  • બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનશે.

અમદાવાદના એસપી રિંગ રોડ પર વૈષ્ણવદેવી સર્કલ પાસે વિશ્વ પાટીદાર સમાજ "સરદારધામ"નું અંદાજીત રૂ.200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. જેનું પણ વડાપ્રધાન વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.

સરદારધામના ઉપપ્રમુખ ટી. જી ઝાલાવડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરદારધામ પાંચ લક્ષ્યબિંદુઓ પર ચાલે છે. સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1 હજાર વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે. સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે. સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.

રાષ્ટ્રપ્રેમી યુવાનોને સંગઠિત કરવામાં આવ્યા
સરદારધામના લક્ષબિંદુ મુજબ દર બે વર્ષે વાયબ્રન્ટ સમકક્ષ GPBS-2018 થી 2020 સુધી મહાત્મા મંદીર અને હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર યોજેલ છે અને હવે સુરત, રાજકોટ અને યુ.એસ.એ. ખાતે યોજાનાર છે. સાથે જ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના માધ્યમથી એક પ્લેટફોર્મ દ્વારા નાના-મધ્યમ અને મોટા 10 હજારથી વધુ ઉદ્યોગપતિઓ માટેનું એક વાઈબ્રન્ટ પ્લેટફોર્મ પણ તૈયાર થયું છે. આ ઉપરાંત યુવા તેજ અને તેજસ્વિની સંગઠન દ્વારા 1 લાખથી પણ વધુ રાષ્ટ્રપ્રેમી યુવાનોને સંગઠિત કરવામાં આવ્યા છે.

મેરિટના આધારે જ એડમિશન આપવામાં આવશે.
સરદારધામમાં UPSC અને GPSCના કલાસના એડમિશન માટે મેરીટ પ્રકિયા કરવામાં આવી છે. મેરિટના આધારે જ એડમિશન આપવામાં આવશે. આ ઉપરાંત ધો. 10, ધો. 12માં જેમને 80 ટકા ઉપર છે તેઓને મેરીટ આધારે પ્રવેશ મળશે. જો કે જે દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેમને એડમિશન માટે ટ્રસ્ટીની ભલામણ હોય તો મેરીટમાં ન હોય તો પ્રવેશ આપવામાં આવશે. સમાજની દીકરીઓને સરદારધામમાં 1 રૂપિયાના ટોકન પર રહેવા, જમવા અને ભણવાની સુવિધા આપવામાં આવી છે. દીકરાઓને ફીના ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં જે દીકરાના પરિવારની વાર્ષિક આવક રૂ. 2 લાખ છે તેઓએ રૂ. 20000 અને રૂ. 2 લાખથી ઓછી છે તેઓને રૂ. 10000 ફી ચુકવવાની રહેશે.

800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય
સમસ્ત પાટીદારની એકતાનું ધામ એવું સરદારધામ એક “સ્ટેટ ઓફ ધ આર્ટ બિલ્ડીંગ”નું નિર્માણ થયું છે. જ્યાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે.સાથે જ છાત્રાલયો ખાતે જીમ્નેશીયમ અને હેલ્થ કેર યુનિટની પણ અલાયાદી વ્યવસ્થા છે, જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનની સંભાળ રાખશે. સાથે જ ઇન્ડોર ગેમ્સ સાથેના 2 ડાઈનીંગ હોલ અને અત્યાધુનિક અને હાઈજીનીક કિચન પણ બનાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પણ મળશે અને રમત-ગમતનો આનંદ સાથે કારકિર્દી બનાવવાનું આદર્શ સ્થળ છે.

UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર ટૂંક સમયમાં ચાલુ થશે
સરદારધામ દ્વારા વડોદરા અને ભાવનગરના પ્રાદેશિક સરદારધામની બાંધકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને આવનારા સમયમાં સુરત, રાજકોટ, મહેસાણા અને નવી મુંબઈ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આવા બીજા ઇન્સ્ટીટ્યુટનું પણ નિર્માણ કરવાનું આયોજન છે. ભુજ ખાતે સરદારધામ આયોજિત સૂર્યા વરસાણી એકેડમીમાં તાલીમ કેન્દ્રનો શુભારંભ તા.14-9-2021ના રોજ થઈ રહ્યો છે. નવી દિલ્હી ખાતે મહિલા સમાજ ભવનમાં UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર ટૂંક સમયમાં ચાલુ થશે.