AMC એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો:નારોલ-સરખેજ હાઈવે પર વગર પોલીસ બંદોબસ્તે ગેરકાયદે બાંધકામ દૂર કરતા સમયે ટીમ પર હુમલો, એકને માથામાં ઈજા

અમદાવાદ21 દિવસ પહેલા
સ્થાનિક લોકો અને એસ્ટેટ વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણ

અમદાવાદના નારોલ સરખેજ હાઇવે પર માચીસવાલા એસ્ટેટમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની બહેરામપુરા વોર્ડની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લોકો અને એસ્ટેટ વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઇન્સ્પેક્ટર જયેશ પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચાર લોકોને નાની મોટી ઇજાઓ થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. દક્ષિણ જોનની એસ્ટેટ વિભાગની ટીમની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે કે પોલીસ દ્વારા બંદોબસ્ત ન આપવામાં આવ્યો હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તેઓ પહોંચી ગયા હતા.

એસ્ટેટ વિભાગની ટીમ બાંધકામ દૂર કરવા પહોંચી
મળતી માહિતી મુજબ દક્ષિણ ઝોનમાં બહેરામપુરા વોર્ડમાં માચીસ વાલા એસ્ટેટમાં અંદાજે 7000 ચોરસ ફુટ જેટલું કોમર્શિયલ પાંચ યુનિટનું ગેરકાયદેસર બાંધકામ થયું હતું. જેને લઇ અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં 24 જાન્યુઆરી 2022 ના રોજ હાઇકોર્ટ દ્વારા બાંધકામ ન કરવા અને સ્ટેટ કો રાખવા જણાવ્યું હતું છતાં હાઇકોર્ટનો અનાદર કરી બાંધકામ કરવામાં આવ્યું હતું. એક સપ્ટેમ્બર 2022ના રોજ કાઢી નાખવામાં આવતા ત્રિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ આજે શનિવારે બાંધકામ દૂર કરવા ત્યાં પહોંચી હતી.

ઇન્સ્પેક્ટરને માથાના ભાગે ઇજા પહોંચી
ગેરકાયદેસર બાંધકામ તોડવા દાણીલીમડા પોલીસ પાસે શુક્રવારે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો ન હતો. પોલીસ બંદોબસ્ત ન મળતા આજે શનિવારે એસ્ટેટ વિભાગની ટીમ માચીસ વાલા એસ્ટેટમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તેમનો સ્ટાફ મજૂરો સાથે બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્ત વગર પહોંચ્યો હતો જ્યાં ગેરકાયદેસર બાંધકામ નારા અને અન્ય લોકોએ ભેગા મળી અને એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ ઊભું કરી પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં ઇન્સ્પેક્ટર જયેશ પટેલને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પથ્થરમારો કરનાર લોકો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે

આજે ગેરકાયદેસર બાંધકામ યથાવત છે
દિવ્ય ભાસ્કરે સમગ્ર બાબતે દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દીપક ત્રિવેદીનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે પોલીસ બંદોબસ્ત ન હોવા છતાં પણ શા માટે બાંધકામ દૂર કરવા માટે પહોંચ્યા હતા તે મામલે એસ્ટેટ વિભાગના અધિકારીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાંથી નીકળી ગયા બાદ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું જરૂરી હતું અને બાંધકામ કરનાર વ્યક્તિ દ્વારા હજી આગળ વધુ ગેરકાયદેસર બાંધકામ ન કરવામાં આવે તેના માટે થઈ અને તેને તોડવાનું હતું જેથી ઝડપથી તોડવા માટે અમે ગયા હતા. જોકે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, દક્ષિણ ઝોનમાં લાંભા અને વટવા વોર્ડમાં અનેક ગેરકાયદેસર બાંધકામો થયેલા છે અને તેઓને અનેક નોટિસ આપવા છતાં પણ આજે ગેરકાયદેસર બાંધકામો યથાવત છે તો તેને દૂર કરવા માટે શા માટે પોલીસ બંદોબસ્ત વગર ત્યાં જતાં નથી અને માચીસ વાલા એસ્ટેટમાં જ તેઓ બીજા દિવસે પહોંચ્યા હતા?