અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. 9 માર્ચના રોજ ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારે 6થી રાત્રિના 10 સુધી ચાલશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ ટેસ્ટ મેચોમાં દર્શકોની અવરજવર માટે 15 મિનિટની ફ્રીક્વન્સીને બદલે 12 મિનિટે મેટ્રો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
સવારે 6થી રાતે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે
ગાવસ્કર-બોર્ડર ટ્રોફીની આ ચોથી ટેસ્ટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટેસ્ટ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મેચ જોઈ રહેલા દર્શકો મેટ્રો દ્વારા મોટેરા સ્ટેડિયમ સ્ટેશન પહોંચી શકશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ટેસ્ટ મેચ દરમિયાન સવારે 6થી રાતે 10 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે.
મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર
મેટ્રો બંને કોરિડોર પર 12 મિનિટની ફ્રીક્વન્સી સાથે દોડશે. ઉલ્લેખનિય છે કે, ગત 1 ફેબ્રુઆરીએ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચના કારણે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાવતો અને રાત્રે 12 વાગ્યા સુધી ટ્રેન દોડાવવામાં આવી હતી. ત્યારે 50 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં 20 હજારનો ઉછાળો આવ્યો હતો.
મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવશે
લોકો આ ટેસ્ટ મેચ જોવા માટે મેટ્રો ટ્રેન મારફતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે તેવી શક્યતા છે. આ મેચના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ સાથે હાજર રહેશે અને પહેલા દિવસના લંચ બ્રેક સુધી રમત નિહાળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.