ભાજપના ઉમેદવારો અંગે આ તો જાણવું જોઈએ!:મિથુન રાશિના ઉમેદવારો પર વધુ 'ભરોસો'!, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાશિના ઉમેદવારો માત્ર પાંચ જ!

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવ્યભાસ્કરે ઉમેદવારોએ કરેલી એફિડેવિટની ચકાસણી કરતાં એક રસપ્રદ માહિતી સામે આવી છે. ભાજપના 182 ઉમેદવારો પૈકી 27 ઉમેદવારોની રાશિ મિથુન છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાશિના ઉમેદવારોની સંખ્યા સૌથી ઓછી માત્ર પાંચ છે.

ભાજપે તમામ 12 રાશિઓના જાતકોને ટિકિટ આપી
ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે 182 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદી અને ઉમેદવારોએ કરેલી એફિડેવિટ પ્રમાણે અલગ-અલગ રાશિના ઉમેદવારોને ટિકિટ આપી છે. યાદી જોતાં પહેલી નજરે લાગે કે ભાજપે ગ્રહો મુજબની તમામ 12 રાશિઓના જાતકોને ટિકિટ આપી છે. એક પણ રાશિ બાકી નથી કે તેના જાતકોને ટિકિટ ન મળી હોય.

અમિત શાહની મેષ રાશિના 18 ઉમેદવારોને ટિકિ
રાશિ પ્રમાણે ઉમેદવારોની તપાસ કરતા એક રસપ્રદ માહિતી સામે આવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાશિ વૃશ્ચિક રાશિના ન અને ય અક્ષરના 5 ઉમેદવારોને ટિકિટ મળી છે. મોદીની રાશિના 5 જાતકોને ટિકિટ મળી છે. જે ભાજપના ઉમેદવારોમાં રાશિ પ્રમાણે સૌથી ઓછી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની મેષ રાશિના 18 ઉમેદવારોને ટિકિટ મળી છે જ્યારે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાની મકર રાશિના 16 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.

ભૂપેન્દ્ર પટેલની ધન રાશિના 12 ઉમેદવારોને ટિકિટ
સૌથી વધુ મિથન રાશિના જાતકોને 27 ટિકટ મળી છે એટલે કે ક, છ, ઘ અક્ષરના જાતકોને 27 ઉમેદવારોને ટિકિટ મળી છે. બીજા નંબરે કુંભ રાશિના 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાનું જણાઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધન રાશિના 12 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મીન રાશિના 13 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.

ભાજપે તમામ રાશિના જાતકોને ટિકિટ આપી છે.
ભાજપે તમામ રાશિના જાતકોને ટિકિટ આપી છે.

સૌથી વધુ 79 ઉમેદવારો 51થી 60 વર્ષના
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો અંકે કરવા માટે તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. હાલ પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝૂંકાવનારા ઉમેદવારો દ્રારા એફિડેવિટ કરવામાં આવે છે. આ ઉમેદવારો પૈકીના ભાજપના ઉમેદવારોએ કરેલી એફિડેવિટની ચકાસણી કરતાં 182 ઉમેદવારોમાં 20થી 30 વર્ષની વયથી માંડીને 70થી 80 વય સુધીના ઉમેદવારો છે. જેમાં સૌથી વધુ 79 ઉમેદવારો 51થી 60 વર્ષના છે. તે જ રીતે શિક્ષણની વાત કરીએ તો ધો.3થી માંડીને પી.એચ.ડી. તેમજ એમ.ડી. થયેલાં ઉમેદવારો છે. તેમાં ઓલ્ડ તથા ન્યૂ એસ.એસ.સી. સુધી અભ્યાસ કરનારા સૌથી વધુ 33 ઉમેદવારોએ ઝુંકાવ્યું છે. એટલું જ નહીં પરંતુ સુપ્રિમ કોર્ટના આદેશના પગલે ભારતીય ચુંટણી પંચે કરેલાં નિર્દેશો છતાં ક્રિમીનલ કેસો થયેલાં ઉમેદવારો પણ ઘણાં છે.

યોગેશ પટેલ તેમજ બાબુભાઇ જમનાદાસ પટેલની તો ઘણી ટર્મ
ભાજપ તરફથી 70 વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ નહીં આપવાથી માંડીને અનેક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે ભાજપને સૌથી વધુ બેઠકો હાંસલ કરીને ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરવાનો રેકર્ડ ઊભો કરવાની ગણતરી છે. જેના કારણે ચૂંટણી જીતે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરિણામ સ્વરુપે 70થી વધુ વયના લોકોને તેમજ અનેક ઉમેદવારોને વધુ એક વખત રિપીટ પણ કરવામાં આવ્યા છે. જેમાં યોગેશ પટેલ તેમજ બાબુભાઇ જમનાદાસ પટેલને તો ઘણી ટર્મ થઇ ગઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધન રાશિના 12 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધન રાશિના 12 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.

એફિડેવિટમાં ઝીણામાં ઝીણી વિગત
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલાં 182 ઉમેદવારોએ ભારતીય ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી પત્ર ભરવાની સાથે એફિડેવિટ રજૂ કરી હતી. આ એફિડેવિટમાં ઉમેદવાર તરફથી તેની તમામ વિગતો સોંગદ ઉપર જણાવવામાં આવે છે. તેમાં મિલ્કત, આવકથી માંડીને દેવું તેમ જ ક્રિમીનલ કેસોની વિગતો, ઉંમર, અભ્યાસ, પાન કાર્ડ તેમ જ આવકવેરો ભરે છે કે નહીં, સરકારી લ્હેણાં બાકી છે વગેરે ઝીણામાં ઝીણી વિગત બતાવવાની રહે છે.

નરોડાના ઉમેદવારની એફિડેવિટની જગ્યાએ બીજા ઉમેદવારની એફિડેવિટ
નરોડા મતક્ષેત્રમાં કુલ 30 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેમાંથી 22 ફોર્મ માન્ય થયા હતા. તો 6 ઉમેદવારીપત્રો અમાન્ય ઠર્યા હતા. અને 2 ઉમેદવારી પત્રો પરત ખેંચાતાં આખરે 17 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે. આમ તો દરેક ઉમેદવારોની એફિડેવિટ ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટમાં ઉપલબ્ધ છે. પરંતુ માન્ય, અમાન્ય તથા ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ બાકી રહેલાં ઉમેદવારોની એફિડેવિટની ચકાસણી કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર ડો. પાયલ કુકરાનીની એફિડેવિટ ઓપન કરો તો જનસંઘર્ષ વિરાટ પાર્ટીના ઉમેદવાર રાકેશ સેલુકરની એફિડેવિટ જોવા મળે છે. એટલું જ નહીં વળી પાછું રાકેશ સેલુકરની એફિડેવિટમાં તો તેની છે જ. મતલબ કે એફિડેવિટ અપલોડ કરવામાં કયાંય ક્ષતિ થઇ હોય તેવું જણાતું હતું. તમામ 30 ઉમેદવારોની એફિડેવિટ ખોલવામાં આવે તેમાં ડો. પાયલની એફિડેવિટ તેમાં જોવા મળે છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મીન રાશિના 13 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મીન રાશિના 13 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.

182માંથી 124 ઉમેદવારોને ખેતી સાથે સંકળાયેલાં છે
ભાજપના 182 ઉમેદવારોએ કરેલી એફિડેવિટની ચકાસણી કરતાં આશ્ચર્ય જન્માવાની સાથોસાથ ચોંકાવનારી પણ છે. આ 182 ઉમેદવારો પૈકી 124 ઉમેદવારો ખેતીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલાં છે. તેમના આવકના સ્ત્રોતમાં ખેતી તથા તેની સાથે કેટલાંકે પશુપાલન તેમ જ વેપાર પણ દર્શાવ્યું છે. ઉપરાંત ભાડાંની કે થાપણના વ્યાજની આવક જણાવી છે. આ ઉપરાંત બિલ્ડર, કોન્ટ્રાકટર, હોસ્પિટલ, ડોકટર, કોમ્પ્યુટર જોબવર્ક, બાંધકામ, રિઅલ એસ્ટેટ, છુટક કોન્ટ્રાકટર, શિક્ષક, નિવુત્ત આચાર્ય હોવાથી પેન્શનની આવક, વકીલાત તેમ જ ગ્રાહક ભંડારમાંથી આવક થવા ઉપરાંત કેટલાંક રિપીટ થયેલા ઉમેદવારોએ ધારાસભ્યનું વેતન તો એક મહિલા ઉમેદવારે કોર્પોરેટરનું વેતન આવક તરીકે બતાવી છે.

એક ઉમેદવારને બે ધર્મપત્ની હોવાની કબૂલાત
એક ઉમેદવારે એફિડેવિટમાં તેમને બે ધર્મપત્ની હોવાની કબૂલાત કરી છે. બંનેના નામ સાથેની વિગતો પણ તેમાં દર્શાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...