ગુજરાતમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાનમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 8461 (38.71%) અને અકસ્માતોને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં 1966 (24.16%)નો ઘટાડો નોંધાયો છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે અકસ્માતો વધુ ઘાતક થઈ રહ્યા છે. વર્ષ - 2020માં થયેલા 13398 માર્ગ અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 6170 (46%) નોંધાઈ છે. આમ સરેરાશ દર બીજા અકસ્માતે કોઈ વ્યક્તિ મોતને ભેટ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સરેરાશ અકસ્માતની સંખ્યા સામે મૃત્યુદર 36% જેટલો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જાહેર કરેલા રોડ એક્સિડન્ટ્સ ઇન ઈન્ડિયા 2020 રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે. ગુજરાત રાજ્યમાં અકસ્માતની સંખ્યા સામે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વર્ષ- 2016માં 37 ટકા જેટલી હતી, જે વર્ષ - 2017માં 38 ટકા, વર્ષ- 2018માં 43 ટકા,વર્ષ- 2019માં 43 ટકા અને વર્ષ- 2020માં તે વધીને 46 ટકા નોંધાઈ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં અકસ્માતની સંખ્યા અને મૃત્યુઆંક ભલે ઘટ્યા હોય પરંતુ મૃત્ય પામનાર લોકોની ટકાવારીમાં છેલ્લા ત્રણ વર્ષમાં સતત વધારો નોંધાયો છે. જોકે, વર્ષ - 2019ની તુલનામાં માર્ગ અકસ્માતમાં ઘટાડાના મામલે ગુજરાત દેશમાં દસમા સ્થાને છે. એક વર્ષમાં 3648 (21 ટકા) અકસ્માત ઓછા નોંધાયા છે. આવી જ રીતે એક વર્ષમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટવાના મામલે રાજ્ય પાંચમા સ્થાને છે જેમાં મૃતકોની સંખ્યામાં 1220 (16.5 ટકા) જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે.
રાજ્યમાં એક વર્ષમાં 3,648 અકસ્માતો ઘટ્યા
અકસ્માત | મૃત્યુઆંક | |||
વર્ષ | સંખ્યા | રેન્ક | સંખ્યા | રેન્ક |
2016 | 21,859 | 10 | 8136 | 8 |
2017 | 19,081 | 10 | 7,289 | 8 |
2018 | 18,769 | 10 | 7996 | 7 |
2019 | 17,046 | 10 | 7390 | 8 |
2020 | 13,398 | 10 | 6170 | 10 |
અકસ્માત સામે મૃત્યુદરના મામલે 33.22 ટકા સાથે સુરત 4 શહેરોમાં સૌથી આગળ
અમદાવાદમાં 2019માં અકસ્માત સામે મૃત્યુદર 31.93 ટકા હતો જે 2020માં ઘટીને 28.69 ટકા થઈ ગયો. સુરતમાં મૃત્યુદર 2019માં 30.90 ટકા હતો જે 2020માં વધીને 33.22 ટકા થઈ ગયો. રાજકોટમાં 2019માં મૃત્યુદર 29.57 ટકા હતો જે 2020માં વધીને 31.94 ટકા થયો છે. વડોદરામાં 2019માં મૃત્યુદર 23.27 ટકા હતો જે 2020માં વધીને 31.81 ટકા થઈ ગયો છે.
રાજ્યનાં ચાર શહેરોમાં વર્ષ 2019-20 ના સમયગાળામાં 901 અકસ્માતો ઘટ્યા
2019 | 2020 | |||||
શહેર | અકસ્માત | મૃત્યુ | ઘાયલ | અકસ્માત | મૃત્યુ | ઘાયલ |
અમદાવાદ | 1375 | 439 | 965 | 1185 | 340 | 732 |
સુરત | 945 | 292 | 718 | 575 | 191 | 423 |
રાજકોટ | 575 | 170 | 437 | 432 | 138 | 324 |
વડોદરા | 679 | 158 | 551 | 481 | 153 | 408 |
અકસ્માતમાં મૃત્યુના મામલે અમદાવાદ દેશમાં 13મા ક્રમનું શહેર, રાજકોટ મૃત્યુઆંકમાં 34મા સ્થાને
10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં રાજ્યના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ અકસ્માત મામલે 20મા ક્રમે, મૃત્યુદર મામલે 13મા ક્રમે જ્યારે ઘાયલ લોકો મામલે 21મા ક્રમે છે. સુરતમાં અકસ્માતમાં 30મા, મૃત્યુઆંકમાં 28મા અને ઘાયલમાં 32મા ક્રમે છે. રાજકોટ ક્રમશ: 37, 34 અને 39મા ક્રમે છે. જ્યારે વડોદરા અકસ્માતમાં 35, મૃત્યુદરમાં 31 અને ઘાયલોની સંખ્યા મામલે શહેરોમાં 34મા ક્રમે છે.
ટ્રાફિક ઉલ્લંઘનને કારણે અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ 47 ટકા નોંધાયું
ગુજરાત રાજ્યમાં વર્ષ 2020માં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કે પછી ઓવર સ્પીડના કારણે થયેલા જીવલેણ અકસ્માતોમાં મૃત્યુદર 46.63 ટકા જેટલો નોંધાયો છે, જ્યારે રોડ ફિચર્સ-સ્ટ્રેટ રોડ પર થયેલા અકસ્માતોમાં 44.93 ટકા જેટલો મૃત્યુદર નોંધાયો છે. ઉપરાંત ટ્રાફિક કન્ટ્રોલ-જંક્શન ટાઇપમાં મૃત્યુદર 47.23 ટકા તેમજ વેધર કન્ડીશન-સન્ની / ક્લિયરમાં 46.58 ટકા અને ઓપન એરિયામાં 51.53 ટકા જેટલો મૃત્યુઆંક નોંધાયાનો અહેવાલ સાંપડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.