ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં જામનગરમાં ઓમિક્રોન દર્દીના સંપર્કમાં આવેલી બે વ્યકિત કોરોના પોઝિટિવ આવતા તેમને હૉસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ડોર ટૂ ડોર ચેકિંગ શરૂ કરાયું હતું. ત્યારે રાજ્યના આરોગ્ય કમિશ્નર શિવહરેએ અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલમાં ઓમિક્રોન સામેની તૈયારીની સમિક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન માટેનો અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
25 બેડ ઓમિક્રોન વોર્ડમાં ઉભા કરવામાં આવ્યા
ગુજરાતમાં ઓમીક્રોનનું સંક્રમણ વધે તો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે. જેમાં અમદાવાદ શહેરમાં બહારગામથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમિક્રોન વોર્ડમાં આઇસોલેટ રખાશે. હાલ 25 બેડ ઓમિક્રોન વોર્ડમાં ઉભા કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત વોર્ડમાં વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલ રિઝર્વ કરાઈ
સિવિલ હોસ્પિટલના સુપ્રિ઼ટેન્ડેન્ટ રાકેશ જોશીએ કહ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી થાય તે પહેલાં જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલ રિઝર્વ કરી દેવાઈ છે. તે ઉપરાંત 350 જેટલા વેન્ટિલેટર બેડ અને 850 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. જો જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં પણ 3 હજાર બેડની ક્ષમતા વધારવામાં આવશે. પહેલી અને બીજી લહેરમાં જે ક્ષતિઓ રહી ગઈ છે. તે હવે નહીં રહે.
લોકોએ કોરોનાની ગાઈડલાઈન પાલન કરવું જરૂરી છે
બીજી લહેરમાં ખાસ કરીને ઓક્સિજન બેડની અછત જોવા મળી હતી. તેને હવે દુર કરી દેવામાં આવી છે. 20 હજાર લિટરની બે ઓક્સિજન ટેન્ક તૈયાર કરાઈ છે. ક્લાસ વનથી ક્લાસ 4 તમામ સ્ટાફ ટ્રેનિંગ સાથે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યો છે. દર્દીઓ માટે દવાનો પૂરતો જથ્થો સલામત રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી દેવાઈ છે. પરંતુ સતત વધી રહેલા સંક્રમણને રોકવા લોકોએ કોરોનાની ગાઈડલાઈન પાલન કરવું જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.