ઓમિક્રોનનું સુપરફાસ્ટ સ્પ્રેડિંગ:ત્રીજી લહેરમાં પણ અમદાવાદ જ એપીસેન્ટર, આ ગતિએ તો 5 દિવસમાં જ 5800ના સિંગલ ડે ઓલટાઇમ હાઇનો આંક ક્રોસ થઈ જશે

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: પ્રકાશ પરમાર
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં અમદાવાદમાં 300થી 1900 કેસ થતાં 30 દિવસ લાગ્યા હતા, આ વખતે માત્ર 6 દિવસ થયા
  • કેસોના ડબ્લિંગની ગતિને જોતાં આ વખતે અમદાવાદમાં એક દિવસમાં 10 હજાર કેસ પણ નોંધાઈ શકે છે

અમદાવાદ સહિત ગુજરાતમાં કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે 2020માં શરૂ થયેલી કોરોના મહામારી 2022ના આરંભે પણ કહેર વર્તાવી રહી છે. નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સ્થિતિ આવનારા સમયમાં ગંભીર બનશે એવી આશંકા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કરી છે. એવામાં કોરોનાની પહેલી લહેર 2020માં નવેમ્બરમાં હાઈ રહી હતી, તો 2021માં માર્ચ-એપ્રિલમાં પણ હાઈ રહી હતી. આ દરમિયાન 2021ના ડિસેમ્બરમાં અંતમાં અને 2022ની શરૂઆતમાં જાન્યુઆરીમાં ત્રીજી લહેરનાં મંડાણ થયાં છે. કોરોનાના કેસમાં રોજેરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. તેવામાં કોરોનાના નવા કેસ 8 હજારના આંકડાને પણ અમદાવાદમાં વટાવી દે એવી શક્યતા છે.

બીજી અને ત્રીજી લહેરનો ટ્રેન્ડ આવો રહ્યો
ગયા વખતે 2021માં અમદાવાદમાં 25 એપ્રિલે 5864 કેસની પીક નોંધાઈ હતી. 6 જાન્યુઆરીએ અમદાવાદમાં 1865 કેસ નોંધાયા હતા. ગઈ વેવમાં 1800નું બેરિયર અમદાવાદમાં 12 એપ્રિલે તૂટ્યું હતું, જે દિવસે 1933 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ માત્ર 12 દિવસમાં જ પીક આવી ગઈ હતી. જ્યારે કે એ પહેલાંના કેસની વિગતો જોઈએ તો 18 માર્ચે અમદાવાદની અગાઉની પીક આવી હતી, જે દિવસે 330 કેસ નોંધાયા હતા અને ત્યાંથી 1800નું બેરિયર 12 એપ્રિલે તૂટ્યું હતું, જે દિવસે 1933 કેસ નોંધાયા હતા. આમ, ગત વખતની વાત કરીએ તો 330 કેસથી 1800થી વધુ કેસ પર પહોંચતાં 25 દિવસ લાગી ગયા હતા. આ વખતે 31 ડિસેમ્બરે 317 કેસ હતા અને ત્યાંથી ફક્ત 7 દિવસમાં જ 1800નું બેરિયર તોડીને 6 જાન્યુઆરીએ 1862 કેસ નોંધાયા હતા.

પાંચેક દિવસમાં જ અગાઉના કોરોનાના કેસનો રેકોર્ડ તૂટે
આમ જોઈએ તો બીજી વેવની તુલનામાં આ વખતે અમદાવાદમાં 6 ગણી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ગતિએ જોઈએ તો 5864ની ગુજરાતની ઓલટાઈમ પીક પર પહોંચતાં અગાઉના 1800ના આંકથી 13 દિવસ લાગ્યા હતા, એની સરખામણીએ આ વખતે ડેઈલી એવરેજ જોઈએ તો માત્ર 4થી 5 દિવસમાં પહોંચી શકીએ છીએ અને શક્ય છે કે આ વખતે એક દિવસના હાઈએસ્ટ કેસમાં 8 હજારનું બેરિયર પણ તૂટી શકે છે.

2021ની વિદાય સાથે જ કેસ ફોર ડિજિટ પર પહોંચી ગયા
2021ની વિદાય સાથે 2022નું વર્ષ પણ કોરોનાના કપરા કાળનાં દર્શન કરાવી રહ્યો હોય એવી સ્થિતિ છે. ત્રીજી લહેરના પડઘમ હોય તેમ 27 ડિસેમ્બરે 100 કેસ સાથે પહેલીવાર ટ્રિપલ ડિજિટમાં કેસ થયા હતા, જે 31 ડિસેમ્બરે ત્રણ ગણા વધીને 300ને પાર થઈને 317 થયા હતા. જ્યારે નવા વર્ષના પ્રારંભથી ઉત્તરોત્તર કેસ વધી રહ્યા છે, જેમાં 1 જાન્યુઆરીએ 559 કેસ નોંધાયા હતા, જેમાં નજીવો ઘટાડો થઈને 2 જાન્યુઆરીએ 404 કેસ થયા હતા. ફરી કેસમાં ઉછાળો આવ્યો હતો અને 3 જાન્યુઆરીએ કેસ 643 થયા હતા. તો 4 જાન્યુઆરીએ કેસમાં ધરખમ વધારો થયો હતો અને કેસ ડબલ ગણા વધીને 1314 થયા હતા. 5 જાન્યુઆરીએ કેસમાં નજીવો વધારો થયો હતો અને 1660 કેસ નોઁધાયા હતા. જ્યારે બીજી લહેરની બેઝલાઈન 1800ને પાર કરતાં 6 જાન્યુઆરીએ 1862 નવા કેસ નોંધાયા હતા. 1 જાન્યુઆરીથી લઈને 6 જાન્યુઆરી સુધી 6442 નવા કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...