અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી:ટાન્ઝાનિયાથી અમદાવાદ આવેલું દંપતી ઓમિક્રોન પોઝિટિવ, SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદએક મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • ટાન્ઝાનિયાથી રાજકોટ આવેલા 23 વર્ષીય યુવાનનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ
  • આણંદના 48 વર્ષના ઓમિક્રોન પોઝિટિવ દર્દી હાલમાં સંપૂર્ણ સ્વસ્થ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13 કેસ, 4 ડિસ્ચાર્જ, 9 સારવાર હેઠળ

ટાન્ઝાનિયાથી અમદાવાદ આવેલાં દંપતીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈ 11મી ડિસેમ્બરે તેઓ ડાન્ઝાનિયાથી અમદાવાદ આવ્યા હતા. 47 વર્ષીય પુરૂષ અને 45 વર્ષીય મહિલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ટાન્ઝાનિયાથી રાજકોટ આવેલો 23 વર્ષીય યુવાનનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

આણંદનો એક દર્દી અમદાવાદ સિવિલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ઝડપથી ફેલાતા આ વાયરસના ઘણા કેસો ભારતમાં સામે આવી ચૂક્યા છે, ગુજરાતમાં પણ ઓમિક્રોનના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલની મેડિસીટીમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હોસ્પિટલમાં તૈયાર કરાયેલા ઓમિક્રોન વોર્ડમાં આ દર્દી સારવાર હેઠળ છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટની લોકોને સાવચેતી રાખવા અપીલ
મૂળ લંડનથી દુબઈ થઈને અમદાવાદ એરપોર્ટ આવેલા આણંદના 48 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. હાલમાં આ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ નાગરિકોને અપીલ કરી હતી કે, કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવું નહીં, સાવચેતી જરૂર રાખવી. તથા કોરોના સંલગ્ન સરકારી તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું.

જામનગરમાં ઓમિક્રોનના 3 દર્દી સ્વસ્થ થયા
નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 13 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. તબીબો દ્વારા ત્રણેય દર્દીઓને રજા આપ્યા બાદ આઠ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવા સલાહ આપી છે. ત્રણેય દર્દી ડીસ્ચાર્જ થતા જામનગરમાં હવે ઓમિક્રોન વેરિયન્ટનો એકપણ એક્ટિવ કેસ બચ્યો નથી. સુરતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ 13 ડિસેમ્બરે આવ્યો હતો. જે દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે.