ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની માટે બિડ કરશે અને ગુજરાતનું અમદાવાદ તેના વિશ્વ કક્ષાના રમતગમતના માળખાને કારણે યજમાન શહેર બનશે. જેને લઇને અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ઓલિમ્પિક સ્લોટ 2032 સુધી બુક છે, પરંતુ તે 2036થી બિડિંગ માટે ખુલ્લા મુકાશે. તેથી સરકાર આગામી ઉપલબ્ધ સ્લોટ માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની બિડને સમર્થન આપશે.
ભારતે એશિનય અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું
તેમણે જણાવ્યું હતું કે, ભારતની બિડ માટેનો રોડમેપ સપ્ટેમ્બરમાં મુંબઇમાં આયોજિત IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના તમામ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે. ભારત 1982માં એશિનય ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે. જો ભારત આટલી મોટી રીતે G20 પ્રેસિડેન્સીની યજમાની કરી શકે છે, તો મને ખાતરી છે કે, સરકાર IOA સાથે મળીને દેશમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સક્ષમ છે.
ભારત ઓલિમ્પિક માટે બોલી લગવાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે, ઓલિમ્પિક સ્લોટ 2032 સુધી બુક છે. પરંતુ 2036માં મને આશા છે અને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગવાશે. 2036માં ભારત ઓલિમ્પિકની યજમાની કરવા માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. આપણી પાસે ના કહેવાનું કોઈ કારણ નથી.
ભાજપના ઢંઢેરામાં ઓલિમ્પિકની ઝૂંબેશનું વચન
અનુરાગ ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ માટેના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં 2036માં રાજ્યમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની ઝૂંબેશનું વચન આપવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતે ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. તેમની પાસે હોટલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઇને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેઓ બિડ અંગે ગંભીર છે. તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.
રોડ-રસ્તા માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ
જોકે, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મણીપુર-ગોધાવી ખાતે રોડ રસ્તાઓ અને સ્ટેડિયમ બનાવવા જમીન માપણી અને સંપાદન કાર્ય શરૂ કર્યું છે. ગુજરાત સરકારે અમદાવાદમાં મણીપુર-ગોધાવી અને ગરોડીયા ખાતે રોડ-રસ્તા માપણી અને જમીન સંપાદન (લેન્ડ એક્વિઝીશન)નું કાર્ય ચૂપચાપ શરૂ કરી દીધું છે. ઓલિમ્પિક વિલેજ માણવા આવી રહેલા લાખો સહેલાણીઓને મણીપુર-ગોધાવી અને ગરોડીયા વિસ્તારમાં ચારેબાજુથી પ્રવેશ આપવા રોડ-રસ્તાનું આગવું આયોજન હાથ ધરાશે.
ગુજરાતમાં એક ઓલિમ્પિક સર્કિટ તૈયાર કરી રહી છે
ઓલિમ્પિક વિલેજની રસપ્રદ બાબત એવી છે કે, કેન્દ્ર સરકાર ગુજરાતમાં એક ઓલિમ્પિક સર્કિટ તૈયાર કરી રહી છે. જેમાં સૌ પ્રથમ મણીપુર-ગોધાવી ખાતે જમીન સંપાદન કર્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચથી છ વિશાળ સ્ટેડિયમ તેમજ અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. અહીં ફૂટબોલ, હોકી, પોલો, સ્કેટીંગ, બાસ્કેટ બોલ જેવી દસથી પંદર જેટલી ઓલિમ્પિક ગેમનું આયોજન થશે.
ઓલિમ્પિક ગેમ્સ માટે આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ઉપલબ્ધ
જ્યારે અમદાવાદના ભાટ ગામમાં એકતરફ રીવરફ્રન્ટ છે. જ્યારે બીજી તરફ વિશાળ મેદાન તૈયાર છે. અહીં રીવરફ્રન્ટમાં વોટર સ્પોર્ટસ એક્ટિવિટીઝ, સ્વીમીંગ જેવી રમત યોજાશે. જ્યારે નજીકના મેદાનમાં બેડમિન્ટન, સ્કવૉશ જેવી આઠથી દસ ઓલિમ્પિક ગેમ માટેની આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.
“સ્ટેચ્યુ ઑફ યુનિટી” ખાતે આયોજન અંગે વિચાર
સરકાર અમદાવાદમાં ગોધાવી-મણીપુર અને ભાટ ગામના આયોજન પછી વિશ્વ વિખ્યાત “સ્ટેચ્યુ ઑફ યુનિટી” ખાતે પણ ઓલિમ્પિક ગેમના આયોજન અંગે વિચાર રહી છે. વિશ્વભરના લોકોમાં કુતૂહલ ધરાવતા “સ્ટેચ્યુ ઑફ યુનિટી” ખાતે સરકાર તિરંદાજી, રાઈફલ શૂટીંગ, ભારતના નિરજ ચોપડા જે રમતમાં ગોલ્ડ મેડલ જીત્યા છે તે જેવલીન થ્રો (ભાલા ફેંક), પેરા ઓલિમ્પિક જેવી અંદાજે દસથી પંદર ઓલિમ્પિક રમત યોજવાનું વિચાર રહી છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેન પહોંચાડવાની યોજના
આગામી વર્ષોમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે. જ્યારે વર્ષ 2036 પહેલાં અમદાવાદથી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેનથી સડસડાટ પહોંચી જવાય તેવી યોજના પણ તૈયાર થઈ રહી છે. આ ઉપરાંત સરકાર વડોદરા અને સુરત એરપોર્ટમાં ફ્લાઈટ લેન્ડિંગ અને ટેક ઑફ સુવિધા બમણી કરવા અંગે સક્રિય પ્લાનિંગ પણ કરી રહી છે.
“ઓલિમ્પિક સર્કિટ”નું આંતરરાષ્ટ્રીય આયોજન
ઓલિમ્પિકની સઘળી રમતો અમદાવાદના મણીપુર-ગોધાવી અને ભાટ ગામ ખાતે અને “સ્ટેચ્યુ ઑફ યુનિટી” જેવી વિશ્વ પ્રસિદ્ધ જગ્યાએ નર્મદા જીલ્લાને પણ ઓલિમ્પિક વિલેજની યોજનામાં સમાવવા “ઓલિમ્પિક સર્કિટ”નું આંતરરાષ્ટ્રીય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે દસ લાખ જેટલા સહેલાણીઓ વર્ષ 2036નો ઓલિમ્પિક માણવા દુનિયાભરથી ગુજરાત આવશે તે સંદર્ભમાં માળખાગત સુવિધાઓની જોરભર સાથે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
“ઓલિમ્પિક વિલેજ”ની તડામાર તૈયારીઓ શરૂ
ગુજરાત ચૂંટણીમાં ધમાકેદાર પ્રદર્શન પછી ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ “ઓલિમ્પિક વિલેજ”ની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદના મણીપુર-ગોધાવી પછી ભાટ ગામમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગે તાબડતોડ વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
રીવરફ્રન્ટમાં ઓલિમ્પિકની વિવિધ રમતોનું આયોજન
આગામી વર્ષ 2036માં ભારત ઓલિમ્પિકના આયોજન અંગે દાવેદારી નોંધાવવા માટે અત્યારથી જ કમર કસી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદના મણીપુર-ગોધાવી ગામમાં જમીનની માપણી અને સંપાદન કાર્ય આગામી અઠવાડિયે શરૂ કરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. જ્યારે ભાટ ગામ અને તેના નજીકમાં રીવરફ્રન્ટમાં ઓલિમ્પિકની વિવિધ રમતોના આયોજનની શક્યતાઓ અંગે ચકાસણી રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે.
પાંચથી છ નવા ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમ બનશે
છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારે મણીપુર-ગોધાવી ગામમાં ચૂપચાપ સર્વે કરાવ્યા પછી ત્યાં ઔડાએ નવા ડેવલપમેન્ટ પ્લાન સ્વીકારવાનું અચાનક જ બંધ કરી દીધું છે જે સંકેત આપે છે કે સરકાર મક્કમપણે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા આગળ વધી રહી છે. આ બંને ગામમાં અંદાજે ત્રણસો એકર જમીન પર પાંચથી છ નવા ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમ બનશે. જેમાં પોલો ગ્રાઉન્ડ, હોકી સ્ટેડિયમ, ફૂટબોલ સ્ટેડિયમ, સ્કેટીંગ રીંગ તેમજ પેરાઓલિમ્પિક માટે વિશેષ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે. અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ અને કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુર ભારતની વર્ષ 2036માં ઓલિમ્પિકમાં દાવેદારી તેમજ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
કેવું હશે ઓલિમ્પિક વિલેજ?
મેટ્રો ટ્રેન દોડશે ઓલિમ્પિક વિલેજમાં
ઓલિમ્પિક વિલેજને અમદાવાદના ખૂણે-ખૂણાથી જોડવા માટે મેટ્રો ટ્રેનને ગોધાવી-મણીપુર સુધી દોડાવવાની યોજના થઈ રહી છે. થલતેજ સુધી રોજ-બરોજ દોડતી મેટ્રો ટ્રેનને શીલજ સર્કલથી આગળ લઈ જઈને ગોધાવી સુધીનો નવો રૂટ તૈયાર કરવામાં આવશે. જેના પરિણામે ઓલિમ્પિક માણવા આવી રહેલા સહેલાણીઓ એરપોર્ટ અને કાલુપૂ રેલવે સ્ટેશનથી સીધા ઓલિમ્પિક વિલેજ સુધી સડસડાટ પહોંચી જશે.
ઓલિમ્પિક વિલેજમાં દોડશે ઈલેક્ટ્રીક કાર
સરકાર ઓલિમ્પિક વિલેજને ઈકોફ્રેન્ડલી બનાવવા માટે મણીપુર-ગોધાવીમાં ધુમાડારહીત-પોલ્યુશન ફ્રી ઈલેક્ટ્રીક કાર દોડાવવા અંગે પણ વિચારી રહી છે. ઓલિમ્પિક વિલેજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ઈલેક્ટ્રીક કારનો ભરપૂર ફરજિયાત ઉપયોગ થશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક કારને સફળતાપૂર્વક ચાર્જ કરી શકાય તે માટે 500 જેટલા ચાર્જિંગ સ્ટેશન પણ તૈયાર કરવાની યોજના છે.
ઓલિમ્પિક વિલેજમાં હશે સોલાર પાર્ક
ઓલિમ્પિક વિલેજને દિવસ-રાત સતત વીજળી પૂરી પાડવા માટે સરકાર ગ્રીન એનર્જીને પ્રમોટ કરી શકે છે. અહીં ગોધાવી કેનાલની આસપાસ અથવા કેનાલ ઉપર સોલાર પેનલ ગોઠવીને ઈકોફ્રેન્ડલી ગ્રીન એનર્જીનો ઉપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે.
સર્વિસ એપાર્ટમેન્ટ્સ અને કોચીંગ સેન્ટર બનશે
દુનિયાભરમાંથી અમદાવાદ આવી રહેલા ખેલાડીઓ અને કોચને આરામદાયક સુવિધા આપવા તેમજ પ્રેક્ટિસ કરવા માટે અંદાજે 5000 જેટલા રૂમ તેમજ કોચીંગ સેન્ટર પણ બનાવવાનું આયોજન છે. ઓલિમ્પિક વિલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાગત સુવિધા આપવા હાલ ઊંડાણપૂર્વક અભ્યાસ ચાલી રહ્યો છે.
જુન-જુલાઈ 2023 સુધીમાં સત્તાવાર જાહેરાત
હાલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ખેલ મંત્રાલય અને ખાનગી કંપની દ્ધારા યુદ્ધના ધોરણે ઓલિમ્પિક વિલેજને સાકાર કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે. મોટાભાગે કેન્દ્ર સરકાર જુન-જુલાઈ 2023 સુધીમાં વિધિવત રીતે આ અંગે સત્તાવાર જાહેરાત કરીને દાવેદારી નોંધાવશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત 2036 જ નહીં, 2040 અને એ સિવાયના આગામી વર્ષોમાં પણ ઓલિમ્પિક્સ યોજવા માટે રસ દાખવી રહ્યું છે. આગામી ત્રણ ઓલિમ્પિક્સ ગેમ્સ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસબેનમાં યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.